એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૬ )

‘મારે સિયા સાથે વાત કરવી છે!’, આંખમાં આવેલ આંસુને મહામહેનતે રોકી રાખી અર્જુને ઝેબાને, કાવ્યા ઉર્ફે સિયાને બોલાવવા માટે કહ્યું!

‘સ્યોર ડિયર… તારી આ ઇચ્છા તો મારે પુરી કરવી જ પડે ને…! નહીંતર કોઈ પ્રેમીની હાય લાગે તો મને નર્કમાં પણ જગ્યા ન મળે…!’, ઝેબા બોલી.

‘તું ત્યાંને પણ લાયક નથી… હાક… થું!’, કાનજીએ જમીન પર થૂંકતા કહ્યું.
‘થેન્ક્સ… આઈ ટુક ધેટ એઝ અ કોમ્પ્લીમેન્ટ કાનજી ડાર્લિંગ!’, કહી ઝેબા અંદર ચાલી ગઈ.
સામે ના ખૂણા પર સુઈ રહેલા ત્રણેય જણ જાગી ચુક્યા હતા, અને કોઈ એક ફ્રેશ થવા જઈ રહ્યો હતો, તો કોઈ કારખાનાંની આસપાસ નજર નાખવા બહાર તરફ જઈ રહ્યો હતો !

થોડીવારે કાવ્યા આવી અને અર્જુન અને કાનજી સામે ઉભી રહી ગઇ. જાણે એના માટે તો કંઈ બન્યું જ ન હોય એમ!

સુંદર, તાજગીસભર ચેહરો, ગોરો ઉજળો વાન, ચેહરાનો દરેક ખૂણો જાણે એક નજાકતથી ભરપૂર, કોતરીને બનાવેલું આરસનું શિલ્પ હોય એવા પરફેક્ટ-સુરેખ નાક, હોઠ અને હડપચી ધરાવતો ચેહરો! અને એની આંખો… એ માંજરી આંખો મૌન રહીને પણ ઘણું કહી દેવા માંગતી હોય એમ, હમણાં અર્જુનને નિષ્પલક જોઈ રહી હતી! જસ્ટ નાહીને આવી હોવાથી તેના વાળ પાણીથી ભીંજાયેલ હતા, અને થોડા વાળ ભીનાશને કારણે ચેહરા પર ચોંટેલા હતા, અને થોડી થોડી વારે પાણીનું એકાદ બુંદ તેના ચહેરા પરથી નિતરી, લાંબી સુરેખ ડોક પરથી થઈ તેના સ્તનપ્રદેશમાં સરી જતું! એક અલગ જ પ્રકારની ફ્રેશનેસથી એ મહેકી રહી હતી!

કેટલી વિચિત્ર વાત હતી કે અર્જુન અને કાનજી બંને સામે એક જ ચેહરો હતો, પણ બંનેની આંખોમાં બે તદ્દન વિરુદ્ધ ભાવ! કાનજીએ જ ચેહરાને આંખોમાં પારાવાર ગુસ્સો લઇ ધિક્કારી રહ્યો હતો, અને અર્જુન એ જ ચેહરાને આંખોથી કેટલાય પ્રશ્નો પૂછી રહ્યો હતો…! એની આંખોમાં કરુણતા અને વિવશતાના મિશ્રિત ભાવ સ્પષ્ટ વંચાઈ રહ્યા હતા! અને સામે પક્ષે એક સિયાની આંખો હતી. જાણે ઘણું બધું કહેવા માંગતી હતી, પણ આંખો હતી કે લાગણીઓના ભાર નીચે દબાઈ બસ નીચે તળિયે જ ચોંટી ગઈ હતી!

ઘણી મહેનતે અર્જુને રોકી રાખેલું આંસુ તેની જગ્યા બનાવી તેના ગાલ પર વહી ગયું! સામે દેખાતો ચહેરો વધુ ધૂંધળો થતો લાગ્યો!

સિયાએ કંઈ પણ બોલ્યા વિના, અર્જુનના આંસુને લૂછી નાખી, તેના ચહેરા પર પોતાની હથેળીનો સ્પર્શ આપ્યો. તેના હાથની ગરમાશ જાણે એમ કહી રહી હતી, બધું ઠીક થઈ જશે, પણ અર્જુનનું મગજ કહી રહ્યું હતું કે હકીકત તો એ જ છે કે, આ સિયા જ બધા પાછળ જવાબદાર છે!

થોડીવાર રહી અર્જુન બોલ્યો, ‘હું જ એક મુર્ખ હતો જે માનતો હતો કે આપણી વચ્ચે ‘કઇંક’ છે, અને સાચું કહું તો એ ‘કઇંક’ને હું મનોમન ‘પ્રેમ’નું નામ પણ આપી ચુક્યો હતો, પણ કહેતા ડરતો હતો કે…’, એણે વાક્ય અડધું જ મૂકી દીધું !

‘મને તો એ પણ નથી સમજાઈ રહ્યું કે હમણાં તને શું કહી સંબોધું… તને હું મારી સિયા કહું, જેને મેં પ્રેમ કર્યો હતો… કે પછી દેશદ્રોહી ‘કાવ્યા ચૌધરી’!’, અર્જુને કહ્યું.

સિયા એને એમ જ નિઃશબ્દ જોતી રહી.

‘એમ જોવાની કોઈ જરૂર નથી. તારી લીડર મિતાલી, ઓહ સોરી ઝેબા બેગમ. એણે અમને તારી આખી વાત કહી દીધી છે. યુ બાસ્ટર્ડ કાવ્યા ચૌધરી!’, કાનજી બોલ્યો.

સિયા હજી પણ અર્જુનને જોઈ રહી. અને એની આંખ વહેવા માંડી!
‘તું કાવ્યા હોય કે સિયા. પણ બસ મને એક સવાલનો સાચો જવાબ આપતી જજે!’, અર્જુને કહ્યું.
‘શું તને મારા પ્રત્યે થોડી પણ લાગણી નહો’તી. આપણી મુલાકતો, આપણી વાતો, પ્રેમ નહીં તો આપણી દોસ્તી તો હતી જ ને, આપણી પહેલી મુલાકાતે તારી આંખોમાં દેખાતો એ વિશ્વાસ. શું એ બધું બનાવટ હતી…! અને હતી તો પણ હજી સુધી મારુ આપેલું કડું કેમ પહેરી રાખ્યું છે!, અર્જુને એના હાથ તરફ આંખોથી ઈશારો કરતા કહ્યું.

સિયાની આંખો ચોધાર આંસુએ વહેવા માંડી, અને જોડે એ ઘુંટણીયે પડી ગઈ! એ સહેજ આગળ આવી અને પોતાનો ચહેરો અર્જુનના ચેહરાની ખૂબ જ નજીક લાવી દીધો. એના હાથ અર્જુનના ચેહરા પર ફરી રહ્યો છે, અને બંને વચ્ચે બસ આંખોથી વાત થઈ રહી છે!

‘બોલ સિયા…કે તેં ક્યારેય મને પ્રેમ નથી કર્યો!’, અર્જુન એનું એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ સિયા એ એના હોઠ અર્જુનના હોઠ પર મૂકી દીધા! અર્જુનનો પ્રશ્ન જાણે એમના ચુંબનમાં જ વિલીન થઈ ગયો! જો પરિસ્થિતિ સામાન્ય હોત તો કાનજી હમણાં સિટીઓ મારવા લાગ્યો હોત. પણ એની કમી પણ પુરી થઈ ગઈ, સામે છેડા પર ઉભા બે લઠ્ઠા એ દ્રશ્ય જોઈ સિટીઓને તાળીઓ પાડવા લાગ્યા હતા!

તદ્દન મૌન રહી, અર્જુનના અધરોનું અધરપાન કર્યા બાદ સિયા એનાથી દૂર થઈ અને અર્જુનના હોઠને પોતાની હથેળીથી ઢાંકી દઈ બોલી, ‘શસ્સ… એકદમ ચૂપ…! કેટલા પ્રશ્નો પૂછે છે તું…!’

અર્જુન મુક બની જોતો રહ્યો. કાનજી તો હજી પણ ચુંબન દ્રશ્યની ગેલમાંથી બહાર નહોતો આવ્યો !

સિયાએ આગળ બોલવાનું ચાલુ કર્યું… ‘અર્જુન મેં પણ તને પ્રેમ કર્યો છે. જ્યારે જ્યારે તને મળતી હતી, ત્યારે ત્યારે મારુ હ્ર્દય એક ધબકાર ચૂકતું હતું. તને ક્યારેક લેટ થતું ત્યારે એ જ હ્ર્દય આગગાડીના એન્જીનથી પણ વધુ જોરથી ધડકી ઉઠતું હતું…! તારી એ નાની નાની વાતોએ મારી મદદ માંગવી, મને મળવા માટે અવારનવાર રેસ્ટોરાંની મીટીંગો ગોઠવવી, તારી સાથે એક જ પસંદનો આઈસ્ક્રીમ ખાવો, અને તારી સાથે વિતાવેલી આવી દરેક ક્ષણે મેં તને પ્રેમ કર્યો છે…! મારી આંખો સિવાય તેં કંઈ જોયું ન હતું, છતાં તારી નજરોમાં મારા પ્રત્યેનો પ્રેમ સાફ છલકતો હતો! કેટલીય વાર તો થતું કે, ‘બસ, બહુ થયું. તને બધું કહી દઉં અને બધું છોડી બસ તારી જ થઈ જઉં!, પણ અંદરની ‘કાવ્યા’ આ તારી ‘સિયા’ને રોકી લેતી…! અને હવે જ્યારે તું સામે છે તો…!

હું બસ તારી સિયા બનીને જ રહીશ, ભૂલી જજે કે કોઈ દેશદ્રોહી કાવ્યા ચૌધરી તારી લાઈફમાં આવી હતી! કમસેકમ તારી યાદોમાં મને નિર્દોષ સિયા બનીને રહેવા દેજે. તારી સિયા બનીને રહેવા દેજે!, કાવ્યાએ હાથ હટાવી લઇ, એની આંખોમાંના આંસુ લૂછી નાખ્યાં.

‘સિયા હજી પણ કંઈ નથી બગડ્યું. આપણે બધું વ્યવસ્થિત કરી દઈશું!’, અર્જુને કહ્યું.
‘અર્જુન તું હજી આના માટે કઇંક કરવા માંગે છે. એ ના ભુલીશ કે આ છોકરી આપણા દેશ સાથે ગદ્દારી કરી રહી છે!’, કાનજીએ ગુસ્સામાં અર્જુનને કહ્યું.

અર્જુન જવાબની રાહ જોતો સિયાને જોતો રહ્યો !
સિયા ચેહરો ફેરવી ઉભી રહી ગઈ.
‘જવાબ આપ સિયા !’, અર્જુન.
‘માનું છું અર્જુન કે મેં તને પ્રેમ કર્યો છે, ખુદથી વધારે તારી થવા માગું છું, તારી સાથે રહેવા માગું છું… પણ…!’

‘પણ શું સિયા…!’
‘અર્જુન મેં તને પ્રેમ તો કર્યો છે, પણ મારા મિશનથી વધુ નહીં…! અર્જુનનો પ્રેમ સિયાને કમજોર બનાવી શકે, પણ કાવ્યા ચૌધરીને નહીં… ક્યારેય નહીં!’

સિયાની આંખોમાં પારાવાર ગુસ્સો તરી આવ્યો હતો. એ જે રીતે વાત કરતી હતી એ જોતાં જ એનું કઇ હદે બ્રેઇનવોશ થયેલું હતું એનો અંદાજ આવી શકતો હતો! એ એક જ શરીરની અંદર બે વ્યક્તિત્વ જીવી રહી હતી, સિયા અને કાવ્યા ચૌધરી!

‘પણ સિયા…’, અર્જુન સમજાવવાનો વધુ પ્રયાસ કરે એ પહેલા જ એ અંદર ચાલી ગઈ!
‘રહેવા દે અર્જુન, એ નહીં સમજે ! હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. જોયું નહીં, એના અંતિમ વાક્ય એ નહીં પણ એનું બ્રેઇનવોશ બોલતું હતું…! અને વધુ કહું તો એ વાત પરથી અંદાજ લગાવ કે ઝેબાને એની બ્રેઇનવોશની ટ્રેઈનિંગ પર કેટલો કોન્ફિડન્સ હશે, જે એ સિયાને આપણી સાથે એકલા મૂકી જવા તૈયાર થઈ ગઇ! હવે તો કોઇ ચમત્કાર જ એની આંખો પરની પટ્ટી કાઢી શકે છે!’ કાનજીએ તદ્દન હતાશ થઈ જઇ કહ્યું!

થોડીવાર એમ જ શાંતિથી વીતી ગઈ. પછી ઝેબા બહાર આવી અને કારખાનામાં હાજર ત્રણેય પુરુષોને તેમજ સિયાને જોડે રાખી કાનજી અને અર્જુનને તેમની વિવશતાનો પરિચય કરાવતી હોય એમ બોલી…

‘કાનજી ડાર્લિંગ… તને મારા સથીદારોનો પરિચય આપવાનો ભૂલી જ ગઈ!
‘જો આ છે… મારા શૉહર… ફારૂક મિયાં!, કહી એણે એક પુરુષની ગરદન ફરતે પોતાના હાથનો વીંટો માર્યો. 6 ફૂટ ઊંચાઈ, મજબૂત શરીરનો બાંધો, કાળો ચેહરો, અને એના પર કાળી લાંબી દાઢી! એ હસતો ત્યારે એના સડીને પીળા અને કથ્થઈ થઈ ગયેલા દાંત એના પર અણગમો પેદા પૂરતા લાગતા!

‘આ છે મારો ભાઈ…. અફઝલ!, એણે બીજા એક પુરુષને દર્શાવતા કહ્યું. એ શરીરથી તો એકદમ મજબૂત લાગતો, પણ એનો ચહેરો કહી જતું હતું કે એ સ્વભાવે સાવ મરિયલ હોવો જોઈએ !

‘અને આ છે દિનુકાકા, અમારા ટેમ્પરરી સાથીદાર, અને અહીંના લોકલ ગુંડાઓમાંના એક. કાલ રાત્રે તમારા અપહરણ બાદ જોડે જોડાયા છે, અને કામ પતતા અમારાથી છુટ્ટા!’, એણે ત્રીજી વ્યક્તિનો પરિચય આપતા કહ્યું. અડધું ખુલ્લું અને અડધું બંધ શર્ટ, અને અંદરથી ડોકાતી ગંજી! માથે ટાલ, તમાકુથી અંદર દબાઈ ગયેલા ગાલ, ગળામાં બાંધેલ પચરંગી રૂમાલ… અસલ ટપોરી લુક!

દિનુની ઉંમર કદાચ 35ની આસપાસની લાગતી હતી, એટલે જ ઝેબા એ એને કાકા કહી બોલાવ્યા!

‘અને આ છે ‘ધ મોસ્ટ બ્યુટીફૂલ ટેરરિસ્ટ’, કાવ્યા ચૌધરી!’, ટેરરિસ્ટ શબ્દ જાણે કાવ્યાને પણ સહેજ ખૂંચ્યો હોય એવું લાગ્યું.

‘એન્ડ મને તો તમે ઓળખો જ છો, ‘ધ માસ્ટરમાઇન્ડ – ઝેબા બેગમ!’, કહી એ જોરથી ક્રૂર રીતે હસી.

‘અસલી મર્દ હોય તો એક વખત મને ખોલી ને બતાવ… સાલા નામર્દ…!’, કાનજીએ ફારૂકને જોઈ ગુસ્સામાં કહ્યું.

ફારૂકે કાનજીને જોરથી તમાચો લગાવી દીધો! એ જોઈ અર્જુન ગુસ્સામાં આવી જોરથી ખુરશી પછાડવા લાગ્યો. એ જોઈ દિનુ એ એને મોં પર જોરથી ફટકો માર્યો. એના હોઠ પાસેથી સહેજ લોહી નીકળી આવ્યું… એ જોઈ સિયાના મુખમાંથી સિસકારી નીકળી ગઈ!

‘દિનુકાકા તમે એને છોડો અને જાઓ, જઇ નાસ્તો લાઇ આવો!’, કહી ઝેબાએ દિનુને બહાર મોકલ્યો.

થોડીવારે નાસ્તો આવ્યો અને બધાએ નાસ્તો કર્યો. અર્જુન અને કાનજીને દિનુ અને અફઝલે નાસ્તો કરાવ્યો.

નાસ્તો પત્યા બાદ બધા વેરવિખેર થઈ ગયા.
અચાનક કઇંક યાદ આવ્યું હોય એમ કાનજી બોલ્યો, ‘અર્જુન આપણાં બંનેના ઘરવાળા આપણને શોધી રહ્યા હશે… ભલેને પોલીસ 24 કલાક પહેલા ફરિયાદ ન નોંધે, પણ વખત છે ને આન્ટીને ‘સિયા’ની વાત યાદ આવે અને એ અંકલની ઓળખાણ લગાવી આપણી શોધ આદરી દે…!’, અર્જુનને અંધારામાં એક આશાનું કિરણ દેખાયું…!

પણ એ ઝાઝું ટકી ન શક્યું! બદનસીબે અફઝલે આખી વાત સાંભળી લીધી હતી, અને એણે ઝેબાને આખી વાત જણાવી હતી! ઝેબાએ એ શક્તયતાને નાદવા દિનુને અર્જુનના ઘરે ઘુસી જઇ એની માનું કાસળ કાઢી નાખવા કહ્યું!

દિનુએ અર્જુનને મારી મારીને એડ્રેસ કઢાવ્યું અને એના કામ પર ચાલી નીકળ્યો. એડ્રેસ સાંભળી એ સહેજ મૂંઝાયો હતો, પણ પછી ઝેબાનું ઉતાવળ કરવાનું દબાણ થતા એ વિચાર્યા વગર ચાલ્યો ગયો!

કાનજી એની મુર્ખતા પર ભારોભાર પસ્તાઇ રહ્યો છે. એની હાલત એવી થઈ ચૂકી હતી કે એ અર્જુનની આંખમાં આંખ પણ નથી પરોવી શકતો !

કલાક બાદ દિનુ પાછો ફરે છે, ઝેબાને ઇશારાથી કહે છે કે કામ તમામ થઈ ચૂક્યું છે ! પણ દિનુ અર્જુનને એમ જોઈ રહ્યો છે, જાણે એ એની સાથે ઘણી વાતો કરવા માંગે છે. પણ એની સ્થિતિ એને તેમ કરતા રોકી રહી છે ! મા સમાન આન્ટીને ખોવવાનું દુઃખ કાનજી જીરવી નથી શકતો… અને પોક મૂકીને રડવા માંડે છે ! અર્જુન તો એ ઝાટકાથી જાણે સાવ વિચારશુન્ય જ બની જાય છે, એની નજર બસ તળિયે સ્થિર થઈ ગઈ છે !

બપોરથી સાંજ થઈ ચૂકી છે. બૉમ્બ, RDX, વિસ્ફોટ, બરબાદી, જેવા અનેક શબ્દો કાને પડી, અર્જુન અને કાનજીને આન્ટીના મોતના સમાચારમાંથી બહાર કાઢી, વારંવાર વર્તમાનની ભયાનક વાસ્તવિકતામાં લાવી પટકે છે!

થોડેક દૂર બધા બેસીને છેલ્લી વખત પ્લાનનું ડિસ્કશન કરી રહ્યા છે! બધાને પહેલાથી સમજાવી રહી હોય એમ ઝેબા બોલી રહી છે…

‘સો… ટિમ વી આર ફાયનલી રેડી ફોર અવર બ્લાસ્ટ…!, કાલે અષાઢી બીજ છે અને જોડે આપણા બ્લાસ્ટનો દિવસ! આપણા પ્લાન અનુસાર આપણે આવતીકાલે ડાકોરની રથયાત્રામાં વિસ્ફોટ કરીશું! અફઝલ અને હું સવારે કારખાનું છોડી જતા રહીશું, દિનુ કાકા થોડો સમય આ બંને જોડે રોકાઈ એમને છોડી દેશે… અને કાવ્યા અને ફારૂક ટાર્ગેટ લોકેશન ડાકોર તરફ જશે… અને મિશનને અંજામ આપશે, અને પાછળથી મારી સાથે ફરી જોડાશે!

‘કાલે ડાકોરમાં ઘૂસવું એટલું સહેલું લાગે છે તમને. ત્યાં આર્મી સહિતની સિક્યોરિટી હશે!’, અર્જુને હસતા હસતા કહ્યું!

જવાબમાં ઝેબા વધુ જોરથી હસી અને બોલી, ‘તમે પોતાનું દિમાગ ન ચલાવો એ જ સારું છે. અમે જડબેસલાક વ્યવસ્થા કરેલી છે. કાલે કોઈ માઈનો લાલ આ વિસ્ફોટ નહિ રોકી શકે!

‘જા તો અફઝલ… બંનેને થોડોક ક્લોરોફોર્મ સૂંઘવી બેભાન કરી આવ…! શાંતિથી ડિસ્કશન પણ નહીં કરવા દે નહીંતર!’, ઝેબાએ કહ્યું.

અફઝલે એ મુજબ કર્યું. કાનજી અને અર્જુનની આંખો ધીરે ધીરે ઘેરાવા લાગી.
‘કાલની રથયાત્રા એ ઘણાયની અંતિમયાત્રા બની રહેશે!’, આ હતું એ છેલ્લું વાક્ય જે અર્જુન અને કાનજીના કાને પડે છે!

Mitra✍😃

( ક્રમશ: )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.