Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૪ )

સિયાનું કાનજીને લાફો મારવો,અને કાનજીનું બુકાની ખેંચવું બંને ઘટના લગભગ જોડે જ બની.
આખી હોટલમાંના દરેકની નજર તેમનાં પર જ સ્થિર હતી, અને ખાસ કરીને સિયા પર…!

Advertisements

‘કેમ છો કાકા?’ – કાનજી એ અર્જુનના બંગલા બહાર ચોકીદારીનું કામ કરતા કાકાને પૂછ્યું.
‘બસ મજામાં’ – એમણે ગેટ ખોલતા, જવાબ આપ્યો.
મોટા લોખંડ ના ગેટ માંથી અંદર પ્રવેશ લઇ કાનજી અર્જુનના મુખ્ય દરવાજે પહોંચ્યો.
ડોરબેલ વગાડી અને નોકરે આવીને દરવાજો ખોલ્યો. અંદર મોટા આલીશાન દીવાનખંડમાં અર્જુનના મમ્મી સોફા પર બેઠા મેગેઝીન વાંચી રહ્યા છે.

‘કેમ છો આન્ટી? અને અર્જુન ક્યાં…?’ – કાનજી એ પૂછ્યું.
‘ઓહ… કાનજી… આવ, આવ! હું તો મજામાં જ છું… તું બોલ, ક્યાં ખોવાઈ ગયો ‘તો, ઘણા દિવસે આવ્યો!’
‘હા… હમણાં કોલેજમાં સબમિશન ચાલે છે એટલે એમાં વ્યસ્ત હોઉં છું… અર્જુન એના રૂમમાં છે…?’
‘ઓહ યસ, યસ… એ ત્યાં જ છે. છેલ્લા 4 મહિનાથી જ્યારથી લાયબ્રેરીનો સદસ્ય બન્યો છે, ત્યારથી બસ વાંચવાની પાછળ જ પડી ગયો છે. હમણાં પણ કઇંક વાંચતો જ હશે. તમે બંને ત્યાં બેસો હું તમારા માટે કઇંક નાસ્તો લઇ આવું છું!’

કાનજીએ ઉપરના માળે જવા સીડીઓ ચડવાનું શરૂ કર્યું. એ જ્યારે પણ અર્જુનના ઘરે આવતો ત્યારે એના ઘરનું ઇન્ટિરિયર જોઈને અંજાઈ જતો!

આખા શહેરમાં ભાગ્યે જ કોઈનું આટલું મોટું ઘર હશે. અને અર્જુનનું ઘર આવું હોય એ સ્વાભાવિક વાત હતી, એના પપ્પા એક સફળ બિઝનેસમેન હતા અને જોડે જોડે કંસ્ટ્રક્શનના ધંધામાં પણ જોડાયેલા હતા. હવે એ પોતાનું ઘર ભવ્ય ન બનાવડાવે તો જ નવાઈ!

કાનજી અર્જુનના રૂમ સુધી જઇ દરવાજે ઉભો રહ્યો. અર્જુનનું રૂમ એના માટે જાણે એક હવેલી જ ઘણી લો. એ રૂમની 10 ટકા જેટલી પણ સગવડ જો કાનજીને મળે તો પણ એ રાજીના રેડ! કાનજીના ઘરના બે રૂમ જેટલો અર્જુનના ઘરનો એક રૂમ! ફૂલ POP કરેલી છત, મોંઘી ટાઇલ્સનું ફ્લોરિંગ, એક અલગ tv, ac, pc તો છે જ સાથે લેપટોપ પણ!, મોંઘા વોલપીસ, બ્રાન્ડેડ કપડાંથી સજ્જ વોર્ડરોબ, અને બીજું પણ ઘણું, કે જેથી કરી ગમે તેને અર્જુનની લાઈફસ્ટાઈલની ઈર્ષ્યા આવી જાય. પણ આ તો કાનજી હતો, એનો જીગરી! ઈર્ષ્યા તો નહીં પણ ક્યારેય એવું બધું પોતાના જોરે મેળવવાની એને પ્રેરણા થતી!

અર્જુન એના સ્ટડી ટેબલ પર બેસી બુક વાંચી રહ્યો છે. એની પીઠ કાનજી તરફ છે. કાનજી એને પાછળ જોરથી ધબ્બો મારે છે અને કહે છે, – ‘ઓછું વાંચ હરામી!’

‘કાનજી યાર… હાથમસ્તી નહીં યાર!’ – પિઠ પર હાથ ફેરવતા અર્જુને કહ્યું.
‘હા અવે… કમસીન કલી! એમ બોલ, આજે ઘરે કેમ બોલાવ્યો મને?’
‘હા કહું… જો પેલું પલંગ પર એક ફોર્મ પડ્યું છે એ લઇ આવ!’
કાનજી એ હાથમાં એ ફોર્મ લીધું અને જોડે એક સ્કેચ પણ પડ્યું હતું એ પણ ઉપાડ્યું. બુકાની પાછળ છુપાયેલી, માંજરી આંખો વાળી સિયાનું અર્જુને સ્કેચ બનાવ્યું હતું.

‘અરે વાહ… તું હવે સ્કેચ પણ કરવા લાગ્યો એમ ને! માંજરી આંખોને અહીં તો છોડ લા!’
‘તને જેટલું કહું એનાથી વધારે જ કરીશ નહીં. આ તો ફ્રિ ટાઈમમાં એમ જ દોર્યું હતું!, તું એને મુક… અને એ ફોર્મ વાંચ!’

કાનજીએ ઉપર ઉપરથી નજર ફેરવી. ‘યુનિવર્સિટી’, ‘B.A.external’, ‘new betch’ જેવા શબ્દો એની નજરે ચઢ્યા

‘આ શું… તું B.A કરવા માંગે છે!?’ – કાનજી એ આશ્ચર્ય સાથે અર્જુનને પૂછ્યું.
‘અને અહીં તો અંકલે હસ્તાક્ષર પણ કર્યા છે… મતલબ અંકલ માની ગયા…? એમણે કંઈ પૂછ્યું નહિ તને?’ – એણે ફરી પૂછ્યું.

‘હા… પૂછ્યું હતું થોડું! અને ફરી એક વખત એમના બિઝનેસમાં જોડાવા ઓફર પણ કરી, પણ મેં એમને સમજાવ્યું કે મને આર્ટસમાં રસ છે અને મારી દલીલો યોગ્ય લાગતા એમણે હા પણ પાડી દીધી!’ – અર્જુને જવાબ આપ્યો.

કાનજી અર્જુનને ભેટી પડતા બોલ્યો – ‘હું તારા માટે ખરેખર બહુ જ ખુશ છું યાર… તેં જાતે લીધેલા નિર્ણયોમાં આ શ્રેષ્ઠ નિર્ણય છે! આઈ એમ પ્રાઉડ ઓફ યુ ભાઈ!’

થોડીવારે એમ જ ખુશીથી ઉછળ-કુદ કર્યા બાદ કાનજી બોલ્યો – ‘અર્જુન આ બધું પેલી માંજરી આંખોનો કમાલ છે બૉસ! મેં લોકોને પ્રેમમાં પાગલ થતાં, નશાના અવળે રસ્તે ચડતા, કારકિર્દી બગાડતા, માર ખાતા, આપઘાત કરતા, જોયા છે. પણ તું જ એક નંગ એવો છે જેને પ્રેમે ‘વાંચતા’ અને ફરીથી ભણતા કર્યો!’ અને ત્યાંજ અર્જુનના મમ્મીએ હાથમાં નાસ્તા ની ટ્રે લઇ રૂમમાં પ્રવેશ કર્યો. એમને જોઈ બંને વાત કરતા બંધ થઈ ગયા.

‘મને જોઈ આમ ચોંકવાની પણ જરૂર નથી. એન્ડ આઇ એમ સોરી, મેં થોડીક વાત સાંભળી લીધી. હવે ઉત્સુકતા વધી ગઈ છે, કાનજી વાત પૂરી કરને પ્લીઝ!’ – ટ્રે ટેબલ પર મુકતા એમણે કહ્યું. અર્જુનના મમ્મી એમ તો ‘ફ્રી માઈન્ડેડ’ લોકોની કેટેગરીમાં ફિટ બેસી શકે એવા જ! અને એમાં પણ કાનજી અને આન્ટીની પરસ્પર ફાવટ જ એવી કે એમાં ભોગ અર્જુનનો જ લેવાઈ જાય. બંને પાસે ‘અર્જુનપુરાણ’ લખી શકાય એટલી બધી એની વાતો!

આન્ટીની વાત સાંભળી કાનજી ગેલમાં આવી ગયો અને બોલ્યો – ‘જુઓ હું સમજાવું… આ આપણો અર્જુન જે છેલ્લા 4 મહિનાથી થોડો સુધાર્યો છે, અને હવે તો ભણવાનું પણ કહે છે, એ બધી એક ‘સારી સંગત’ ની અસર છે… કે પછી એમ કહો કે ‘પ્રેમ’ની અસર છે!’ – વાક્યના અંતે એણે આંખ મારી અર્જુન સામે જોયું.

‘ઓહ રિયલી… અર્જુન હું જે સાંભળું છું એ સાચું છે… ઇસ સમવન ઇસ ફોલિંગ ઇન લવ!?’ – એમણે નાટકીય અંદાજે અર્જુનને પૂછ્યું.

અર્જુને કાનજી તરફ ધારદાર નજર કરી અને ચિડાઈ ને બોલ્યો – ‘તું મળ પછી મને…!’ અને મમ્મી તરફ ફરી કહ્યું ‘મમ્મી શું તું પણ… કોની વાતમાં આવે છે! ખબર તો છે આને વાતમાં મસાલો ઉમેરીને જ વાત કરવાની આદત છે!’

‘રહેવા દે હવે, કાનજીને કંઈ નહીં કહીશ… એ તો બિચારો ડાહ્યો છે… એના મનની બધી વાત મારી જોડે કરે છે! બસ એક તું જ એને વાગોવ્યા કરે છે!’ – આન્ટીએ દરવખતની જેમ કાનજી ના પક્ષે જ ચુકાદો આપ્યો.

‘કેટલો ડાહ્યો છે એ હું જાણું છું’ – અર્જુન મનમાં બબડયો.
‘જો તારે ના કહેવું હોય તો કંઇ નહીં… હું તને ફોર્સ ન કરી શકું!’ – આન્ટીએ બધી મમ્મીઓની જેમ ઈમોશનલ બ્લેકમેઇલીંગનું પત્તુ ફેંક્યું!

એનાથી હાર માની જઇ અર્જુને એમને પ્રેમથી બાથ ભરી. અને પછી રૂમમાં આંટા મારતા મારતા કહ્યું, ‘જો કહું તને… આ કાનજી કહે છે સાવ એવું પણ નથી. પ્રેમ છે કે કેમ એ બાબતે હું પોતે પણ હજી કન્ફ્યુઝ છું! પણ હા ‘કઇંક’ તો છે! છેલ્લા ચાર મહિનામાં મારામાં જે જે બદલાવ આવ્યા છે એ બધા ‘એની’ સંગતની જ અસર છે. એ મને દર બીજા ત્રીજા દિવસે એકાદ બુક સજેસ્ટ કરતી, અને પાછી કોઈ પણ ચીલાચાલુ નહિ… મારામાં પરિવર્તન આવે એવી! એનું વાંચન જ એટલું વિશાળ છે કે લાયબ્રેરીમાં આવતા અન્ય સભ્યો પણ એની પાસે સજેશન માંગતા. અને એ પણ એટલી જ સરળ!, દરેકને મદદ પણ કરે, બુક સજેસ્ટ કરવી હોય કે પછી કોઈ ઉંમરલાયક વ્યક્તિને છેક ઉપરના સેલ્ફમાંથી બુક જોઈતી હોય… બધામાં એનાથી થતી પૂરતી મદદ કરે. ક્યારેક મને કોઈ ફકરામાં કે કોઈ વાર્તાના હાર્દમાં સમજણ ન પડે ત્યારે મને સમજાવે. મારી સાથે બહાર પણ આવે ક્યારેક. અમે કેટલીય મીટીંગો કરી હશે. અને એટલી જ અલકમલકની વાતો પણ! લાયબ્રેરીમાં કોઈને ખબર ન પડે તેમ શેલ્ફ ફરતે દાબે પગે પકડદાવ રમવો, તો ક્યારેક લાયબ્રેરીયન સાહેબ વાતો કરતા પકડે, તો જોડે એમની શાબ્દિક ફટકાર ખાવી… આવી કેટલીય યાદો અમે સાથે સજાવી છે! પણ ખરું કહું ને તો મેં એને ક્યારેય મારા મનની વાત નથી જણાવી! એના મનમાં પણ મારા માટે કઈંક હોય એવું મને લાગે તો છે, પણ ક્યારેય પૂછ્યું નથી! એના માટે હું એક ‘સારો મિત્ર’ છું, અને મારા માટે હાલ પૂરતું એટલું પણ ઘણું છે! મારા ભણવાનું ફરી શરૂ કરવા પાછળ એ એક પ્રેરણારૂપ છે એમ કહું તો પણ કંઈ અતિશયોક્તિ ન કહેવાય!’

‘અને સિગરેટ પણ એણે જ છોડાવી એ તો ઉમેર!’ – કાનજી એ ટાપ્સી પુરાવી.
આટલી વારથી અર્જુનના મુખે પ્રશંશા સાંભળી હરખાતી એની મમ્મી અચાનક ગુસ્સે થઈ ગઈ.

‘અર્જુન તું સ્મોક કરે છે!?’
‘ના… પહેલા કરતો હતો હવે નહિ! અને હરામી એ તો તું પણ કરતો હતો એ પણ તો બોલ!’
‘કાનજી યુ ટુ!?’
‘ના… ના આન્ટી આ તો ક્યારેક ક્યારેક… નોટ રેગ્યુલરલી!’ – કાનજી એ એનો બચાવ કરતા કહ્યું.
થોડી વારે ચિંતામાં ડૂબી રહ્યા બાદ આન્ટીએ એમને કહ્યું…
‘જુઓ આ બધું છોડી દેજો હ… તમને આવું ન શોભે! એની વે પેલી ‘ગુડ ફ્રેન્ડ’ નું નામ ન કહ્યું તમે!’
‘સિયા’ – બંને જોડે બોલી ઉઠ્યા.
‘ઓહ… લવલી નેમ… આઇ ગૅસ શી લુકસ્ બ્યુટીફૂલ ટુ!’
બંને એ મુંજાતા એકબીજા તરફ જોયું. ચહેરો તો બંને માંથી એકયે નથી જોયો.!
‘જુઓ અમને તો આટલી જ ખબર છે!’ – કહેતા કાનજીએ બુકાની બાંધેલ ચહેરાનો સ્કેચ એમની તરફ ધર્યો.
‘આજે આ મારી બધી પોલ ખોલીને જ રહેશે’ – અર્જુન મનમાં બોલ્યો.
‘મતલબ હજી ચહેરો પણ નથી જોયો?’ – આન્ટી એ સ્કેચ જોઈ મૂંઝાતા, અર્જુનને પૂછ્યું.
‘ના… પણ એ હૃદયથી ઘણી જ સુંદર છે!’ – અર્જુને સિયાના બચાવમાં કહ્યું.
કાનજી જોડે થોડીક વાતો કરી આન્ટી ચાલ્યા ગયા.
અર્જુન નોવેલ પુરી કરવામાં પડ્યો પણ એનું મન ચોટતું ન હતું. એણે બે-ત્રણ વાર સિયાને ચહેરો દેખાડવા અંગે આડકતરા ઈશારા કર્યા હતા, પણ એ દર વખતે ટાળી જતી, અને એ વાત જ એને હમણાં મૂંઝવી રહી હતી.

કાનજી નાસ્તો કરતા કરતા મોબાઈલ મચેડી રહ્યો હતો.
‘ડન’ – મોબાઇલમાંથી ડોકિયું કાઢી એણે બુમ પાડી. અર્જુને એને પ્રશ્નાર્થ નજરોએ જોયું.
‘જો આજે રાત્રે મિતાલી, સિયા, તું અને હું, ડિનર માટે જઈશું. મેં મિતાલી સાથે હમણાં જ વાત કરી, અને એણે કહ્યું છે કે એ સિયાને પણ લઇ આવશે! આજે ઘણા દિવસે આપણે બધા જોડે હોઈશું. નહીંતર તારી – સિયાની અને મારી-મિતાલીની મીટીંગો અલગ જ થતી. અને આજે રવિવાર પણ છે એટલે કોઈના ના પાડવાનો તો પ્રશ્ન જ નથી આવતો!’

અર્જુન પણ સહમત થયો અને રાત્રે બધા નક્કી કરેલ હોટલ પર પહોંચ્યા.
રવિવારના કારણે ભીડ પણ ખૂબ હતી, કારણકે એ હોટલ શહેરની એક માત્ર ગાર્ડન હોટલ હતી, માટે ઘસારો પણ એટલો જ રહેતો!

ચારેય એક ટેબલ પર ગોઠવાયા.સિયા અને મિતાલી જોડે બેઠા અને સામે અર્જુન અને કાનજી. બીજા ટેબલસ પર ક્યાંક કોઈ કપલ્સમાં બેઠા હતા તો કેટલાય ફેમેલી લઇ ડિનર પર આવ્યા હતા.

વેઈટર આવીને ઓર્ડર લઇ ગયો. ઓર્ડર આવે એ પહેલાં કાનજીએ પોતાનું ધારેલું પૂરું પાડવાનું નક્કી કર્યું.
આજે એ કોઈ પણ રીતે સિયાનો ચેહરો સામે લાવવા માંગતો હતો, અને એ જ આજની મિટિંગ ગોઠવવા પાછળનો એનો મુખ્ય હેતુ હતો. જો એ અર્જુનને આગળથી જાણ કરીને આવું કઇંક કરતો, તો એ થવું શક્ય જ ન હતું.

બાકીના ત્રણેય વાતોમાં પડેલા હતા ત્યારે કાનજીને તેનું ધાર્યુ પાર પાડવા એક યુક્તિ સુજી. એને ટેબલ પર હાથથી અવાજ કરતા સિયાને જોતા ગાવા માંડ્યું – ‘ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર… ગોરા રંગ દો દિન મેં ઢલ જાયેગા!’

ટેબલ પર અચાનક શાંતિ વ્યાપી ગઈ. જે રીતે કાનજી સિયાને જોઈ રહ્યો હતો એના લીધે મિતાલી અકળાઈ ઉઠી – ‘કાનજી બીહેવ યોર સેલ્ફ…!’.

સિયાને સમજાઈ ગયું કે કાનજી એને કપડું હટાવવા આગ્રહ કરશે.
‘હું વોશરૂમ જઇ ને આવું છું!’ – કહેતી સિયા ખુરશીમાંથી ઉભી થઇ.
‘આજે તો કોઈ બહાનુ નહિ ચાલે!’ – કહેતા કાનજી એ ઉભા થઈ એનો હાથ પકડી લીધો. આ જોઈ અર્જુને કાનજીને ટોકતા બુમ પાડી – ‘કાનજી હાથ છોડ એનો!’

સિયાની માંજરી આંખોમાં ગુસ્સો તરી આવ્યો,
‘કાનજી લિવ માય હેન્ડ..!’ – કહેતા એણે કાનજીને લાફો ચોડી દીધો, અને જોડે જોડે કાનજીએ પણ એના ચહેરા પરથીએ બુકાની ખેંચી કાઢી!

સિયાનું કાનજીને લાફો મારવો,અને કાનજીનું બુકાની ખેંચવું બંને ઘટના લગભગ જોડે જ બની.
આખી હોટલમાંના દરેકની નજર તેમનાં પર જ સ્થિર હતી, અને ખાસ કરીને સિયા પર…!

– ક્રમશ:
Mitra✍😃

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: