જીતેશ દોંગાની નોર્થપોલનું ‘V’વેચન

જીતેશ દોંગાની આ નવલકથા લખાયા બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે, માણસની બુદ્ધિ ભ્રષ્ટ થવાના બે કારણો છે, એક કાં તો તે કવિ હોવો જોઈએ, બે કાં તો તે એન્જિનિયર હોવો જોઈએ. હવે આ રાષ્ટ્રીય કક્ષાએ ગજવતો મુદ્દો છે કે, ભારતમાં વર્ષે કેટલા બધા એન્જિનિયરો બહાર પડે અને દેસાઈ ભાઈથી લઈને ઠાકોર ભાઈ જેવી એન્જિનિયરિંગમાંથી હેમખેમ બહાર આવેલા આ વિદ્યાર્થીઓને કોઈ કંપની નથી સાચવતી અને પછી તેઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓમાં મચી પડે છે. મોટાભાગના એન્જિનિયરો એ વિચારે જન્મે છે કે, હું ચેતન ભગત બનીશ. તેમનું આ સ્વપ્ન તલાટી કે કોઈ બીજી સ્પર્ધાત્મક પરિક્ષા પૂરૂ કરી આપે છે. હવે તો આગળના સમયમાં IIM કે IIT જેવી માતબર ઈન્સિટ્યુટમાંથી નીકળતા વિદ્યાર્થીઓને પણ નોકરી મળશે કે નહીં તે ગહન સવાલ થઈ રહ્યો છે. પણ જીતેશે મને એકવાર ખુલ્લા દિલે કહી દીધેલું કે, ‘આ બધા મારી પ્રશંસા કર્યા કરે છે, તમે એકવાર મારી નવલકથા વાંચીને જુઓને કે, મેં સાચેક સારી લખી છે, કે પછી આ લોકો બસ એમનેમ ચણાના ઝાડ પર ચઢાવે છે.’

હું જેવું લખુ છું એ પ્રમાણે તો ઘણા મને વિવેચક માની બેઠા છે, પણ કૃતિનું હું એટલું સારૂ પણ વિવેચન નથી કરી શકતો. પણ હા કેટલીક ભૂલ હોય તો નજર દોડાવી શકુ. આ વિચારે બે ચાર ચોપડીઓ કમ્પલિટ કર્યા બાદ આપશ્રી જીતેશની બીજી નવલકથા પર પસંદગી મેં મારી છે. હું ઓછા લેખકોની પ્રથમ નવલકથા વાંચુ છું, કારણ કે પ્રથમ નવલકથામાં સાહિત્યકારે ‘લેખક’ બનવાની સાબિતી સાથે લખ્યું હોય છે, બીજી નવલકથામાં તેણે ‘સાહિત્યકાર’ તરીકે લખ્યું હોય છે.

લેખકે આ કૃતિમાં અગણિત એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે કે, અનુરાગ કશ્યપને ફિલ્મ બનાવવા માટે આ ચોપડી વાંચવી રહી. શરૂઆતથી જ ઠેર ઠેર કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ જે બોલતા હોય અને તેમાં પણ હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, તે ભાષાએ ગુજરાતીમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીતેશની આદત પ્રમાણે તેમણે ગુજરાતી કરતા અંગ્રેજી સાહિત્ય વધારે વાંચ્યુ છે, એટલે આ પ્રકારના શબ્દો તેના લખાણમાં આવવાના જ. પણ આવુ લખવા છતા આ કૃતિ એડલ્ટ લોકો માટે જ બની છે એવું ન કહી શકાય.

આ પુસ્તકને લેખકની અડધી આત્મકથા કહી શકો. નવલકથાકાર જે લખતો હોય છે, તે લેખકની આત્મકથા જ હોય છે, સિવાય કે હોરર અને સસ્પેન્સ જોનર તેના જીવનમાં બન્યા નથી હોતા, એટલે તે તેમાં કલ્પનાના રંગો પૂરે છે. કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓને એક લીટીમાં વર્ણવવામાં આવે તો તે લવ ટ્રાયએંન્ગલ છે. અશ્વિની ભટ્ટને સસ્પેન્સ થ્રીલરની લાઈનમાં ગણી શકાય. હરકિશન મહેતાને ડાકુપ્રેમી ગણી શકાય. મુન્શીએ લખ્યું તેને એક લીટીમાં ઈતિહાસ તરીકે ઓળખી શકીએ.

એલેક્ઝાંન્ડર ડ્યુમામાંથી મુન્શીએ પ્રેરણા લઈ લખ્યું ત્યારે વિવેચક વિશ્વનાથ ભટ્ટે પરસેવો છુટી જાય તેવું વિવેચન કરેલું. વિશ્વનાથજીના મત પ્રમાણે મુન્શીએ એલેક્ઝાંન્ડરની ઉઠાંતરી કરી હતી. આ તો સારૂ થયું કે છેલ્લે કૃષ્ણા અવતાર લખી નાખી બાકી વિશ્વનાથ ભટ્ટ એમ પણ લખેત કે એ તો એલેક્ઝાંડરની કૃતિ છે !! પણ જીતેશની આ કૃતિ તેની હાફ- ઓટોબાયોગ્રાફી છે. તે પોતે એન્જિનિયર છે, સૌરાષ્ટ્રના નાના એવા વિસ્તારમાંથી અને તેમાં પણ ખેડૂત પરિવારમાંથી આવે છે, પોતાના માતા-પિતાને અનહદ પ્રેમ કરે છે, તે પ્રેમ આપણે તેની ફેસબુક પોસ્ટમાં અવારનવાર છલકતો જોઈ ચૂક્યા છીએ. ઉપરથી પ્રોટોગોનીસ્ટ જ્ઞાતિએ પણ પટેલ છે. આટલું કહેવું પૂરતું છે કે, આ લેખકની અડધી ઓટોબાયોગ્રાફી હોય શકે, આખી પણ હોય શકે !

નવલકથાનું મેઈન પાત્ર ગોપાલ જેને પોતાને ગમતુ કંઈક કામ કરવું છે, અને આ માટે તે 20 અલગ અલગ કામોને અંજામ આપે છે. ગોપાલને એવું લાગે છે કે, આ કામમાં બુસ્ટ જોઈએ એટલે વિજયબુન તેની સાથે હાજર જ હોય છે. બીજા દિવસે વિજયબુન ટાંટિયા ચઠાવીને સૂતી હોય છે, ત્યારે ગોપાલ પોતાની હેન્ડ્સફ્રી લઈને નીકળી પડે છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં જાય છે. અને ઈશ્વરે આજનો દિવસ માટે જ પગ આપ્યા છે, આજ બપોરે પગ પાછા ખેંચી લેશે એ રીતે દોડે છે. થાકી જાય છે અને આકાશને નિહાળતા મેદાનમાં સુઈ જાય છે. મને વાંચતી વખતે એવું થયું કે, જો આ જીતેશની બાયોગ્રાફીકલ ટાઈપ નોવેલ છે, તો જીતેશે એન્જિનિયર ન બની શકે તો પોલીસની ભરતીમાં ટ્રાય મારવા માટે ગ્રાઉન્ડમાં ચાર આંટા માર્યા હશે. પાછુ એ સમયમાં પોલીસની ભરતીમાં ચાર રાઉન્ડ કાફી હતા !! જો ત્યારે તેણે ફોર્મ ભરી દીધુ હોત તો અચૂક પાસ પણ થઈ જાત, પણ ત્યાં તે એફઆઈઆર લખતો હોત નવલકથા તો નહીં ને…?

સ્ટોરીને જે પ્રમાણે ઘડવામાં આવી છે, તેના વખાણ કરૂ છું, પણ આવું ચેતન ભગત ટાઈપ લખતા થયેલા જુવાનિયાઓમાં હું જોઈ ચૂક્યો છું. જેમ કે ડિમ્પલમેન દુર્જોય દત્તા, નિકીતા સિંહ, પ્રિતિ સેનોય, અને આવા ઘણા લોકો અંગ્રેજીમાં આવા પ્રકારની નવલકથાઓ લખે છે. ગુજરાતીમાં આ પ્રથમ પ્રયાસ ગણવો રહ્યો. સ્ટોરી ફ્લોમાં જાય છે. એન્જિનિયરીંગ સ્ટુડન્ટની ઓટોબાયોગ્રાફીકલ નોવેલ જેવી હોવાના કારણે કોલેજના અનુભવો તમને જાણવા મળશે. પોતાનો પાક્કો મિત્ર કેમ્પસમાં સિલેક્ટ થઈ જાય ત્યારે દિલ કેવુ તૂટે તેનો મોટાભાગના ભારતીય છોકરાઓ સામનો કરી ચૂક્યા છે. વિજયબુન અને ગોપાલના કિસ્સામાં પણ આવુ જ છે. ગોપાલ રહી ગયો અને વિજય આગળ વધી ગયો તેનો આપણા પ્રોટોગોનિસ્ટને ભારોભાર અને બરોબર વસવસો છે. તો સ્ટોરીનું ચણતરકામ બરાબર છે, ઈમારત બરાબર છે, નવી પણ છે, કિંન્તુ સાહિત્ય માટે આગળ જતા નક્કર સાબિત થઈ શકે તેવી નથી. આપણે કાઠિયાવાડમાં શબ્દ છે, નવી… નક્કોર…. તેમ નવી છે, પણ નક્કર સાબિત થશે…? તે જોવું રહ્યું.

આ સ્ટોરી પરથી પ્રસંગો યાદ આવ્યા. આ પુસ્તકમાં એક પ્રસંગ છે, જ્યારે ગોપાલ પટેલને નવુ કરવાનો કિડો સળવળ્યો છે, ત્યારે તે વિજયબુનને કહે છે, તુ મારા માટે ટેબલ ટેનિસનો મેળ કર. વિજયબુન જાય છે. અને સંડાસની બે ચપ્પલ ઉપરથી કેફ્રીને ફાડી ટેબલની વચ્ચે નાળો બાંધે છે, જેથી પોતાના મિત્રનું સપનું પૂરૂ કરી શકાય. આ બધા પ્રસંગોને સુંદર રીતે ટાંકવામાં આવ્યા છે. નવલકથા કોઈ વિચારથી નથી બનતી પ્રસંગોથી બને છે. અશ્વિની ભટ્ટની નવલકથા આશકા માંડલમાં રણમાં જઈ ખોવાયેલું સોનુ લાવો, આયનોમાં ખોવાયેલા મિત્રને શોધતો કેતન છે. જે નવલકથાઓ અંતસુધી જવા માટે બની છે. અંત શું થાય છે…? જ્યારે આ નવલકથા પ્રસંગો માટે બની છે. સેક્સ માણવા ગોપાલનું અધિરૂ થવું અને વિજયબુનની મહિલાના હાથે માર ખાવી. હોસ્ટેલમાં બેસી વિસ્કી પીવી આ બધા નાના નાના પ્રસંગો સ્ટોરીને આગળ લઈ જાય છે, અને નવલકથા રસપ્રદ બને છે. હું લેખકની ટિકા કરૂ છું !!!!!!!!!! કે…..

…લા મિજરેબલ જેવી કૃતિના રચયિતા વિક્ટર હ્યુગોએ જયારે તેમની નવલકથા હન્ચબેક ઓફ નોટ્રા ડેમ લખેલી ત્યારે તેમણે પોતાના તમામ કપડા એક અલમારીમાં લોક કરી દીધેલા. ખાલી એક સાલ પોતાની પાસે ઓઢવા માટે રાખેલી. અહીં પ્રોટોગોનિસ્ટ ગોપાલ અને તેના મિત્રો કપડા જ નથી ધોતા. એવું તે શું કામ કરે છે, તે મેલા કપડા હજુ સાચવી રાખ્યા છે. ઘરે જાશું ત્યારે ધોવાશે આવો લેખકે ઉલ્લેખ પણ કર્યો છે. પણ જીતેશ આગામી નવલકથામાં તમારો પ્રોટોગોનિસ્ટ કપડા ધોવો જ જોઈએ. હું હોસ્ટેલમાં રહેતો આમ છતા કપડા હાથે ધોતો. સમય ન હોય તો મુંજકા ગામમાં ધોવા માટે આપી આવતો અને એક તમે છો કે ગોપાલ પાસે કપડા નથી ધોવડાવતા ? પણ હકિકત એ છે કે 19-20 વર્ષનો યુવાન કપડા ન જ ધુએ. દરેક યુવાન હોસ્ટેલમાં રહે એટલે આવો કપરો સમય તો આવવાનો જ. અને એક ડિયો તેની પાસે હોવાનો જ…

બીજુ કે લેખકને હોકીની કાફી ચિંતા છે. ગોપાલ હોકી લઈ મેદાનમાં રમવા માટે જાય છે, પણ ત્યાં જુએ છે તો કોઈ રમવા માટે નથી આવ્યું. કોઈ હોકી તો રમતુ જ નથી ! જેથી રાષ્ટ્રીય રમત હોકીની દુર્દશાને લેખક નજીકથી જોઈ ચૂક્યા છે.

નવલકથાના ડાઈલોગ સમાન્ય છે, પણ ઘણી જગ્યાએ વાક્યોમાં સેન્સ ઓફ હ્યુમર જોવા મળશે. જેમ કે, ગામના એક વડિલ બોલે છે, ‘80 ટકા વાળા યુવાનને તો સાયન્સમાં જ એડમિશન લેવાય.’

‘બસ, ત્યારથી ‘ગોપુ’નું ‘ભોપુ’ વાગી ગયું. જિંદગીની ચડ્ડી-ગંજી એક થઈ ગઈ.’’

આ સિવાય ડાઈલોગમાં કેટલીક જગ્યાએ આવતા લેખકના વિચારો યુવા મનને ખુલ્લી રીતે, સાહિત્યની ભાષામાં પારદર્શક રીતે રજૂ કરે છે. આ નવલકથાની સ્ટોરીને સાઈડમાં મુકો તો મને જે વસ્તુએ પ્રભાવિત કર્યો તે વસ્તુ હતી પ્રૂફ રિડીંગ. મેં જોયું નથી કે કોણે કર્યું, પણ જો લેખકે ખૂદ કર્યું હોય તો હમને સુના હૈ કી મરાઠાઓ મૈં તો સિર્ફ બાજી બાજી હૈ બાકી તો સબ ભાજી ભાજી હૈ, તેમના ગ્રામરમાં કોઈ ભૂલ નથી. અનુસ્વાર અનુસ્વારની જગ્યાએ, ઉદ્દગાર ચિન્હ અને વિરામ ચિન્હ પાર્કિંગમાં એટલે પાર્કિંગમાં. ટાઈપ થયેલા સપ્રમાણસરના અક્ષરો. ઈન્વટેડ કોમાનો પ્રમાણમાં ઉપયોગ. આ પ્રૂફ પર હું હમફિદા-એ-લખનઉ છું.

પણ કવરપેજનું સિલેક્શન પસંદ નથી આવ્યું. આ તમારી અંગત પસંદગી હોય શકે, બાકી હું તેમા કંઈ કહી ન શકુ. તો પણ નવલકથા પૂરી કરી મેં હાથમાં રાખી કવરપેજ જોયું ત્યારે પ્રથમ વિચાર આવ્યો કે, કોઈ છોકરો ઉતર છેડામાં પૃથ્વીને ટેકો લઈ બેઠો હોય અને પૃથ્વીમાંથી નિકળતા અગણિત વિચારો તેના મગજમાં જોઈન્ટ કરવામાં આવ્યા હોય. જેથી આ દુનિયાભરના લોકોની સમસ્યા સાથે છોકરાની સમસ્યાને આવરી લઈ શકાય. ઉપરથી જો તેને નવલકથા લઈ વાંચવા બેસાડવામાં આવે તો કેવું ? આમ પણ ગોપાલ અને નવલકથા જ એક એવું તત્વ ચોપડીમાં રહ્યું છે, જેની પ્રત્યે ખુદ ગોપાલને તિરસ્કાર નથી. બાકી પૂંઠા બાબતે તો દરેકના અલગ અલગ વિચાર હોય શકે.

પણ અંતે તો… બે નવલકથાઓ આપે લખી છે. દોઢ-દોઢ વર્ષના ગાળામાં આપે લખી છે. પ્રથમ મેં વાંચી નથી, પણ સેકન્ડ નોવેલ અત્યારની બીજી ગુજરાતી નવલકથાઓની સાપેક્ષમાં ખૂબ સરસ છે. તમારે જો તમારી જ નવલકથાનું પરફેક્ટ વિવેચન કરવું હોય તો એક ટ્રિક આપુ. જે વર્ષે તમે કોઈ નવી નવલકથા લખો ત્યારે જોઈ લેવાનું કે તમારી આજુબાજુમાં કેટલા લેખકોએ નવલકથા લખી. એ વાંચવાની અને પસંદ આવે તો તમારે સાઈડમાં રાખી દેવાની. બાકી ભંગાર નવલકથાઓનો તૂટો નથી. ખબર છે આ કામ મુશ્કેલ છે, પરંતુ માતૃભૂમિ, પ્રતિલિપિ અને ગુજરાતના અખબારો અને મેગેઝિન સિવાય છુટક લખાયેલી નવલકથાઓ જોવી આ કામ અસહ્યેબલ છે. પણ તેનું લિસ્ટ કરી શકાય કે આખા વર્ષમાં આટલી નવલકથાઓ આવી. તેમાંની ટોપ દસ નવલકથાઓ તમારે પસંદ કરવાની અને તેમાં તમારી નવલકથાનું સ્થાન ક્યાં હોય શકે તે વિચારીને મુકવાની. જો ટોપ દસમાં નથી તો આપણે નિષ્ફળ ગયા છીએ, જો બધા લોકોએ ભંગાર લખી છે, તો આપણે આ વર્ષે સફળ ગયા છીએ. સાવ સિમ્પલ છે, જીતેશ સિનેમાના એર્વોડોની માફક…..

તારીખ: 12-12-2017 ( ‘V’વેચનમાંથી )

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.