Sun-Temple-Baanner

થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…


અંધકાર લિપ્ત ભૂગર્ભમાં ઉગેલો પ્રકાશનો સ્ત્રોત

ગુફાનું નામ – થામ લુઆંગ નાંગ નોન કેવ – tham Luang Nang Non Cave
પ્રદેશ – ચિઆંગ રાય પ્રાંત, થાઈલેન્ડ – chiang rai province, thailand
કોચ – એક્કાપોલ ચેતાવોંગે
રેસ્ક્યુ ઓપરેશન – ૨૩ જૂન થી ૧૦ જુલાઈ (૧૮ દિવસ)

પાછલાં દિવસોમાં વિશ્વ કક્ષાએ સૌથી વધુ ચર્ચિત મુદ્દો જો કોઈ રહ્યો હોય તો એ હતો, થાઈલેન્ડ દેશના ચીઆંગ રાઇ પ્રાંતમાં સ્થિત થામ લુઆંગ ગુફામાં ફસાયેલા ૧૨ ફૂટબોલ ખેલાડી બાળકો અને એમના કોચની ટ્રેકિંગ દરમિયાન ફસાઈ જવાની ઘટનાનો. વાસ્તવમાં આ ઘટના અત્યંત ગંભીર પણ હતી, કારણ કે ગુફામાં ફસાયેલા ૧૨ ખેલાડીઓ ૧૪ વર્ષથી પણ નાની વયના બાળકો હતા. વાસ્તવમાં એ લોકો ફરવા માટે ગુફામાં ગયેલા અને અચાનક બાડના પાણીનો ગુફામાં ભરાવો થતા ફસાઈ રહેલા. જો કે આ બાળકો અને કોચની સુરક્ષા માટે વિશ્વના તમામ દેશો મદદ કરવા ખડેપગે તત્પર હતા. જેમાં સૌથી મોટું યોગદાન થાઈ નેવી સિલનું રહ્યું. જેમણે રાતદિવસ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખીને પણ આ મિશન સફળ બનાવવા જી જાન લગાવી દીધા હતા. જો કે એમના માટે આ સમય કરુણ તો ત્યારે બની ગયો જ્યારે એમના જ નેવી સિલના એક સાથી સમન કુનાનનું રેસ્ક્યુ દરમિયાન કમોત થયું. પણ, છતાંય આ ટિમ પોતાના લક્ષ્ય પરથી ભટકી નહીં અને છેવટે આ ઓપરેશન ૧૮ દિવસે સફળ બન્યું.

જો કે વિશ્વભરમાંથી આ રેસ્ક્યુ ઓપરેશનમાં બનતી સહાય કરવાની તૈયારી દર્શાવાઇ હતી. અનુભવી અને પ્રશિક્ષિત ગોતાખોરો મોકલીને પણ અન્ય દેશોએ આ રેસ્ક્યુમાં સહાયક ભૂમિકા ભજવી હતી, તો કોઈકે આર્થિક સહાય વડે પણ મદદ કરી હતી. આખા રેસ્ક્યુમાં જોડાયેલા ગોતાખોરની ટીમમાં ૯૦ જેટલા થાઈ ગોતાખોર હતા તો ૫૦ જેટલા અન્ય દેશોના ગોતાખોરોએ પણ એમની લડતમાં સાથ આપ્યો હતો.

” ” ગુફામાં અમને શોધી કઢાય તે જ એક ચમત્કાર હતો : બચી ગયેલા બાળકો – સંદેશ ગુજરાતી ન્યુઝ પેપર ( ગુરુવાર – ૧૯ જુલાઈ ૨૦૧૮ ) ” ”

થામ લુઆંગ ગુફા બહુ દુર્ગમ અને અત્યંત સાંકડી, પાતળી અને ઊંચા નીચા માર્ગોની વિચિત્ર બનાવટ ધરાવે છે. જેમાંથી આ બાળકોને કાઢવા લગભગ અશક્ય જ લાગવા લાગ્યા હતા. બાળકો અને કોચના અંદર હોવાની જાણ મળતા જ સ્થાનિક ગવર્મેન્ટ દ્વારા પાણી બહાર ખેંચવાની પ્રક્રિયા પણ ઝડપભેર આરંભી દેવામાં આવી હતી. છતાંય સ્થિતિ અંકુશ બહાર હતી, કારણ કે આ ગતિએ પાણીનું તળિયે જવું એટલે ચારેક મહિના જેટલો સમય માંગી લે એવું હતું. અને આટલા દિવસ સુધી બાળકો અને કોચને અંદર જીવંત રાખી શકવું મુશ્કેલ હતું. જો કે થોડાક થોડાક અંતરે ઓક્સિજન સિલિન્ડર દ્વારા શ્વાસો શ્વાસ માટેનું વાતાવરણ ઉભું કરી દેવાયું હતું. પણ છતાંય ખાધા પીધા વગર આ અંધકારમય વતાવરણમાં જીવન તો દુર્ગમ જ હતું. તો બીજી તરફ ગુફામાં રહેલા અપારદર્શક માટીયાળ પાણીમાં ગોતાખોરોનું આવ જાવ કરવું પણ અત્યંત મુશ્કેલ હતું.

અંદર કરતા બહાર વાતાવરણ મુક્ત છતા શોકમગ્ન હતું. જો કે સહાયતા માટે નેવી ટિમ ખડે પગે હતી, પણ આ પરિસ્થિતિ સામે તે લાચાર હતી. છતાં પ્લાન A, B, અને C જેવા ત્રણેય પ્રકારના રેસ્ક્યુ માટેના આયોજનો એક સાથે ચાલુ જ રખાયા હતા. દેશવિદેશની પ્રશિક્ષિત ટિમો અને મીડિયા દ્વારા આ ઘટના સ્થળનું પળે પળનું લાઈવ કવરેજ પણ થઈ રહ્યું હતું.

પણ, આ બધી તો હતી ગુફાની બહારની વાત… જો બહારના મુક્ત વતાવરણમાં આટલી દિલધડક લડત લડાઈ રહી હોય તો જરાક વિચારો કે અંદર ફસાયેલા બાળકો અને કોચની લડત કેટલી હદે દુર્ગમ રહી હશે…?

કલ્પનાની દુનિયા વાસ્તવિક નથી હોતી, પણ જ્યારે કલ્પના પરેની સ્થિતિ વાસ્તવિક જીવનમાં આવી જાય છે ત્યારે…? આવું જ કંઈક થાઈલેન્ડ દેશના બાળકો સાથે પણ થયું. ખરેખર તો એ એક પ્રકારે હોનારત અથવા અકસ્માત જ હતો, પણ આ અકસ્માતે એક શિક્ષક અને ગાઈડની ખરી કસોટી પણ કરી દેખાડી…

” ” થાઈલેન્ડ ચિઆંગ રાઈ ખાતે આવેલી થામ લુઆંગ ગુફામાં બાર દિવસથી ફસાયેલા વાઈલ્ડ બોઅર્સ ફૂટબોલ ટીમના ૧૨ કિશોર ખેલાડી અને કોચને બુધવારે પહેલી વાર જાહેરમાં લવાયા હતા. તેમના કૉચે જણાવ્યું હતું કે, અમે વિચાર્યું હતું કે, આપણે સત્તાવાળાઓની મદદની રાહ જોઈ બેસી રહી શકીએ નહીં તેથી અમે ગુફામાં ખોદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે વરસાદના કારણે ગુફાના પથ્થરોમાંથી ટપકતું પાણી પીતા હતા. – સંદેશ ગુજરાતી ન્યુઝ પેપર ( ગુરુવાર – ૧૯ જુલાઈ ૨૦૧૮ ) ” ”

થાઈલેન્ડમાં ઘટેલી આ ઘટના આખાય વિશ્વની નજરો પોતાની તરફ ખેંચવા સતત મજબૂર કરતી રહી હતી. કારણ કે ૧૮ દિવસ સુધી ૧૨ બાળકોના જીવ પોતાની જિંદગી માટે લડતા રહ્યા. જ્યારે મહાભારતનું યુદ્ધ લડાયું ત્યારે પણ લડત પાંડવની હતી પણ એનું પ્રેરક બળ કૃષ્ણ જેવા પૂર્ણ પુરષોત્તમના અંતર પ્રકાશનું હતું. એવી જ રીતે આ ૧૮ દિવસની લડત ફસાયેલા સર્વેની હતી, પણ એમના આત્મબળ અને હિંમત બની ફૂટબોલ ટીમના કોચ એક્કાપોલે સાચા શિક્ષકની જવાબદારી નિભાવી બતાવી હતી.

થાઈલેન્ડમાં ૧૨ બાળકોની ટોળકી પોતાના કોચ એક્કાપોલ (એમના કોચનું નામ છે) સાથે ટ્રેકિંગ માટે થામ લુઆંગ કેવ (ગુફા)માં ગયેલા. પણ બહાર અચાનક જ શરૂ થયેલા વરસાદ અને બાડનું પાણી ગુફામાં પણ ફરી વળતા એ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. મૂળ પ્રવેશ કરતા બે – અઢી કિલોમીટર અંદર અને એકાદ કિલોમીટર ઊંડાણમાં આ લોકો ફસાઈને રહી ગયા હતા. ત્યાંથી નીકળવું અશક્ય હતું, કારણ કે ગુફાના માર્ગમાં ઉતાર ચઢાવ હતો તેમજ માર્ગ સાંકડો હતો, આટલું ઓછું હોય તેમ ગુફામાં ભરાયેલું પાણી પણ માટીયાળ (ઝાંખું, ડહોળું) હતું. જેમાં આધુનિક મશીનો દ્વારા પણ માર્ગ શોધી શકવો એક પ્રકારે પડકાર સમાન હતું. પ્રશિક્ષિત લોકો માટે પણ આ કામ જીવ સટોસટનો ખેલ હતો, તો પછી બાળકો માટે આ સહજ હોય એની કલ્પના પણ અશક્ય જ બની જતી હતી…

એમનો જીવ કેવમાં પણ બચી શક્યો એ કદાચ નસીબ જોગ એ લોકો એવા પાંચ મિટરના એક ઊંચા સ્થાન પર ચઢીને બેસી શક્યા હતા, કે જ્યા ચારેય તરફ પાણી જ પાણી તો હતું પણ આશરો લેવા અમથો ભૂમિ ભાગ પણ હતો. એમની સ્થિતિ આગળ ખાઈ પાછળ કુવા જેવી જ હતી. ન એ લોકો બહાર નીકળી શકે એમ હતા કે ન એ લોકો ગુફામાં આમથી તેમ થઈ શકે તેમ હતા. કારણ કે એમના પ્રવેશ પછી શહેરમાં આવેલ બાઢના પાણીના કારણે ગુફામાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. ભૂલભુલઈયા જેવી સાંકડી ગુફા, એમા ભરાયેલું પાણી, ધુપ્પ અંધકાર અને માટીયાળ ભીના કિચડનું સામ્રાજ્ય. ખાવા માટે પણ કાંઈ જ નહીં. હા, કુદરતની એટલી મહેરબાની રહી કે ૫૦% જેટલો હવાનો પ્રવાહ મળી શકતો હતો. જો કે શ્વાસ તો રૂંધાય પણ છતાંય જેમ તેમ કરીને જીવ બચાવી શકવા સંઘર્ષ થઈ શકે ખરો. આફત પણ પાણીની મહેરબાનીએ એટલે સદનસીબ એ પણ ખરા કે ગળું ભીંજવી શકાય એટલું પાણી પણ ત્યાં હાજર. જો કે આવા સ્થળ પર ફસાઈ જવાની કલ્પના જ હચમચાવી નાખે એવી લાગે. આજના આધુનિક યુગમાં ત્રણ કલાક મોબાઈલ વગર ન જીવી શકતી જનતા આ પરીસ્થિતીમાં શુ ખાવા, પીવા અને શ્વાસ વગર ટકી શકવાની…? જો કે પડે એવા ઝીલાય એટલે ચાલો જીવી પણ લેવું પડે…

પણ શું આ સ્થિતિ એટલી આસાન ખરી…?

નો… નેવર…

આ સ્થિતિ જો આવી પડે તો સહજ જ શરીરમાં ધ્રુજારી વ્યાપી જાય, લોઈનું પરિભ્રમણ અત્યંત ઝડપી બનીને અટકી જાય અને આંખો આડા અંધારા છવાઈ જાય.

પણ, જો આ સ્થિતિમાં પણ કોઈ વ્યક્તિ ૧૮ દિવસ સુધી એટલી હિંમત લઈને જીવી શકે કે પોતાની સાથે ૧૧થી ૧૪ વર્ષ સુધીના માયનર બાળકોને પણ હિંમત આપી શકે. તો એને તમે સહજ જ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ગણાવી શકો. તો બસ આ જ સફળ વ્યક્તિવ જે થાઈલેન્ડ કેવની ઘટના બાદ દુનિયા સામે ઉપસીને આવ્યો. જે હતો ૨૫ વર્ષનો એક્કાપોલ (કોચ) કે જે આ બાળકો સાથે ટ્રેકિંગ પર ગયેલો.

આ એજ બાળકો સાથે ૧૮ દિવસ સુધી રહેલ ઇકાપોલ છે, જે થાઇલેન્ડના ચીઆંગ રાઇ પ્રદેશમાં આવેલ થામ લુઆંગ ગુફામાં વાઈલ્ડ બોઅર્સ ફૂટબોલ ટિમના ૧૨ કિશોર ખેલાડીઓને લઈ ગયા હતા. ૨૩ જૂનના દિવસે રમતની પ્રેક્ટિસ પત્યા પછી બાળકોને પાર્ટી માટે ગુફામાં ફરવા લઈ ગયા હતા અને બાઢનું પાણી ગુફામાં ભરાઈ જતા એમાં જ ફસાઈને રહી ગયા. જો કે આ પરિસ્થિતિ લોકો સામે આવતા ૯ દિવસ જેટલો સમય લાગ્યો. કારણ કે મેચ પત્યા પછી પણ જ્યારે બાળકો ઘરે ન પહોંચ્યા એટલે ઘરના લોકોએ ટીમના મુખ્ય કોચ નોપ્પારાતનો સંપર્ક કર્યો. ત્યાર બાદ પણ બાળકોનો સંપર્ક કે જાણ ન મળતા પ્રસાશન અને લોકોની મદદથી છાનબીન શરૂ થઈ. જો કે શોધખોળ દરમિયાન નેશનલ પાર્કના કર્મચારીઓને ગુફાના બહારના ભાગે બાળકોની સાઈકલો મળી આવી. છતાંય બાળકો ગુફામાં જ ફસાયા છે, એની ખાતરી કરવામાં નવ દિવસનો સમય લાગ્યો. છેવટે આ ન્યુઝ દુનિયા સામે આવ્યા કે બાળકો ગુફામાં જ ફસાયા છે અને હજુ પણ જીવે છે.

આ સમાચાર સાંભળતા જ આશ્ચર્ય અને ભયના વાદળો લોકોના દિલો દિમાગમાં છવાઈ ગયા. આ સ્થિતિની કલ્પના જ એટલી ભયાવહ હતી, કે ધ્રુજાવી નાખે. કારણ મૂળ પ્રશ્ન તો ત્યારે એ ઉદભવતો હતો કે બાળકોને સહ કુશળ બહાર કાઢી શકાશે… કે નહીં…? મુખ્ય દ્વારથી ૨ કે ૩ કિલોમીટર અંદર અને ૧ કિલોમીટરના ઊંડાણમાં બાળકો અને કોચના હોવાનો અંદાઝ મળ્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતું કે આટલા દિવસો સુધી કુમળી વયના બાળકો સાથે માત્ર ૨૫ વર્ષના કોચ ઇકાપોલ બાળકોને સાચવીને પણ જીવંત કેવી રીતે રહી શક્યા…? આ સ્થિતિમાં સ્વયં માટે કઈ કરી શકતું અશક્ય બની જાય છે, ત્યાં ૧૨ બાળકોને સાચવીને ખરેખર એક્કાપોલે આખી દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધા હતા. એક તરફ લોકો બાળકોના જીવન ખતરામાં હોવાથી કોચને ભાંડતા હતા તો એક પક્ષ એમની નિડરતાના દીવાનો બની રહ્યો હતો.

કારણ કે આટલા ઊંડાણ અને અંતરિયાળ ગુફાના ભૂગર્ભ ભાગમાં એક એક ક્ષણ જીવન માટે પડકાર સમાન બની રહી હતી. કેટલી હદે ચિંતા, ભય અને વ્યથામાં એ લોકો ધ્રુજી ઉઠયા હશે. કારણ કે આધુનિક યુગમાં જ્યાં આપણે એક કલાક ભર વીજળી વગર સાવ ગાંડા થઈ જઈએ છીએ, લિફ્ટમાં એકાદ કલાક બગડવાથી ગોંદાઈ રહેવાનું થાય તો આપણી હાલત કથળી જતી હોય છે. ચિંતા અને ડરના વાદળો આપણને બદ થી બદતર પરિસ્થિતિમાં પછાડી દેતા હોય છે. તો પછી મઅહીં તો ૧૨ માસૂમ જીવન અને એક કોચ એમ ૧૩ જીવન સંકટના સાગરમાં અસહાય ઝૂલતા હતા. એ પણ માત્ર ૧૧થી ૧૩ વર્ષના બાળકો અને ૨૫ વર્ષના કોચ. ગુફાના ભુગર્ભમાં હલાત આત્યંત કઠિન હતા. પાણીનું અંદરનું તાપમાન ૨૧ ડીગ્રી હતું અને ઓક્સિજન પણ માંડ માંડ શ્વાસમાં લઇ શકાતો હતો.

આ સમયે પણ એક બાજુ બહાર રહેલા લોકો એ વિચારીને પરેશાન થઈ રહ્યા હતા કે એમને બહાર કાઢવા લગભગ મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાંથી બચવાના આંખે દેખાતા માત્ર બે જ માર્ગ હતા કે બાળકો તરીને બહાર આવે અથવા તો પછી પાણી ઉતરવાની રાહ જોવામાં આવે. બાળકોને તરતા આવડતું ન હતું એટલે પ્રથમ માર્ગ અર્થ હીન હતો. તો બીજો માર્ગ પણ ચાર મહિના જેટલો સમય માંગી લેનાર એટલે કે અશક્ય બની જતો હતો. કારણ કે જ્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય ત્યાં ખાવા-પીવા અને શ્વાસની અછતમાં જીવી શકવું અશક્ય હતું. ડાઈવ અથવા તરીને આવવુ પણ અત્યંત મુશ્કેલ કારણ કે બે એક કિલોમીટરનું અંતર કાપીને બહાર આવવું, એ પણ ડાઈવ કે તરવાની આવડત વગર અશક્ય જેવું જ હતું. અને જે પ્રકારે ગુફાની ભૂગર્ભ રચના છે, એ અત્યંત ભયાનક છે. થામ લુઆંગ ગુફાની દુર્ગમતા નો અંદાઝ તો એના આધારે પણ લગાવી શકાય કે જેમાં થાઇ નેવી સિલના પ્રશિક્ષિત સમન કુનાને પણ પોતાની જાન ગુમાવી હતી. જો કે થાઈ નેવી શીલના ગોતાખોર આ કાર્ય માટે તાલીમ પામેલા અને પ્રશિક્ષિત હોય છે.

જ્યા બચાવ કાર્ય માટે આવેલા એક્સપર્ટ ગોતાખોરે પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય, એવી પરિસ્થિતિમાં તેર વર્ષથી નાની ઉંમરના ૧૨ બાળકોની જીજીવિષાને સતત અઢાર દિવસ સુધી જીવંત રાખવી એ કાર્ય જ સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હતું. અને આ રેસ્ક્યુ ઓપરેશન એક્કાપોલ દ્વારા સફળ થયું, કારણ કે કદાચ એ પોતે પણ આવા દુર્ગમ સંજોગો સામે બાથ ભીડવામાં મહારત ધરાવતો હતો. ઇકાપોલની વ્યક્તિગત દાસ્તાન પણ જરાય ઓછી દિલચસ્પ નથી.

ઈકાપોલ જ્યારે દશ વર્ષના હતા ત્યારે એમના માતા-પિતા અને ૭ વર્ષના ભાઈ ગામમાં ફેલાયેલા રોગના ભરડામાં આવી જતા સ્વર્ગ સિધારી ગયા હતા. આ આઘાત અને સ્થિતિએ એમને અનાથ કરી નાખ્યા. જો કે પછીથી સગાસબંધી દ્વારા એમની દેખરેખ તો થઈ, પણ છતાંય માતાપિતા અને પરિવારની ઝંખનાએ એમને એકલા જીવવા મજબૂર કર્યા. આ આઘાતમાંથી મુક્ત થાય એવા આયોજન સાથે એમને બુદ્ધ ધર્મના મંદિરમાં મોકલી દેવાયા. જ્યાં એમણે દશ વર્ષ સુધી મેડીટેશન અને ધ્યાન સાધના શીખવામાં વિતાવ્યા. દુર્ગમ સ્થિતિઓમાં સરવાઈવ કરવાની વિધિઓ પણ એમણે ત્યાં જ શીખી હતી. પણ એમના દાદીની તબિયત લથડતા દેખરેખ કરવા માટે એમણે મોનેસ્ટ્રી છોડી દીધી.

બાળકો પ્રત્યે એમના પ્રેમનો અંદાઝ તો આ વાત પરથી પણ લગાવી શકાય કે એક્કાપોલે બાળકોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને સ્કૂલના ઘણા નિયમોમાં ફેરફાર કરાવ્યાં હતા. જેમ કે વાઈલ્ડ બોર ફુટબોલ ટિમ ( જે થામ લુઆંગ કેવમાં ફસાઈ હતી) ના લગભગ બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. ઇકાપોલ દ્વારા જ આ નક્કી કરવામાં આવ્યું કે જો બાળકો કાંઈ પણ સારું કરે તો એમને ગિફ્ટમાં કપડાં અને જૂતા આપવામાં આવે. કામના પત્યા પછી પણ તેઓ ગરીબ બાળકોને ફૂટબોલ શીખવવાનો પ્રયાસ કરતા રહેતા હતા. આ માટે જ તેઓ બાળકોને સહાયક થાય એવા સ્પોન્સરની શોધમાં હતા. કદાચ આ પણ એક કારણ હોઈ શકે જ્યારે બહારના લોકો એમના કોચિંગ પર આંગળીઓ ઉપાડી રહ્યા હતા અને બાળકોને ગુફામાં લઇ જવા અને મુશ્કેલીમાં નાખવા માટે જવાબદાર ગણાવતા હતા. આ લોકો એ પણ ચર્ચા કરતા હતા કે બહાર આવ્યા પછી કયા કયા ચાર્જ એમના પર લગાવાય, એવા સમયે પણ બાળકોના પરિવાર તરફથી એક્કાપોલ માટે સકારાત્મક વિચારો જ અનુભવાતા હતા.

કારણ કે અંધારા અને પાણીથી ભરાયેલી એ ગુફામાં જ્યાં આશાની કોઈ કિરણ ન હતી, ત્યાં પણ એક્કાપોલની સમજ અને જ્ઞાને જ જીવનનો પ્રકાશ ફેલાવી દીધો હતો. જ્યારે મુશ્કેલીઓ કમર કસીને માથે ઉભી હતી ત્યારે ડરી, ગભરાઈને ભાંગી પડવાની વેળામાં ઇકાપોલ બાળકો માટે ઉર્જા સ્ત્રોત બની ચુક્યો હતો. આ દિવસોમાં એક્કાપોલે બાળકોને ધ્યાન અને યોગની વિવિધ પ્રવૃતિઓ શીખવાડી, જેથી કરીને બાળકો પોતાના શરીરની ઉર્જાને બચાવીને રાખી શકે, તેમજ પોતાને આનંદિત અને ચિંતામુક્ત રાખી શકે. એક્કાપોલ દ્વારા અપાયેલ આ શિક્ષા જાદુઈ અસરો સર્જન કરનાર પરિબળ બની. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિઓ હોવા છતાં બાળકો સહજ બનેલા રહ્યા, જરાય ડર કે ચિંતા એમના પર હાવી ન થઈ શકી. જે પહેલો મેસેજ અંદરથી એમણે મોકલ્યો એમાં પણ એમ જ કહેવામાં આવ્યું કે ‘ચિંતા ન કરો, અમે બહાદુર બાળકો છીએ.’ બાળકોના આ હિંમત પાછળનો શક્તિ સંચાર ઇકાપોલ અને એની તાલીમ હતી.

જો કે સંસારના ઘણા સત્યો આપણે જાણીએ છીએ. દરેક ધર્મોમાં એનો ઉલ્લેખ છે. ઈશ્વર, અલ્લાહ, જીજસ અને વાહેગુરુ એ માર્ગના નામ છે. મંજિલ તો દરેક ધર્મની એક જ અંતને પામે છે. કોઈ બળીને પંચતત્વમાં લિન થાય છે તો કોઈ દફન થઈને પંચતત્વમાં લિન થાય છે. માર્ગની પસંદગી અને એમાં પણ યોગ્ય માર્ગની પસંદગી એ જ જીવનને ઉત્તમ આદર્શો તરફ લઈ જાય છે.

દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે. જેમ શરીરમાંથી છુટતો એકેય શ્વાસ એ ખાતરી નથી આપતો કે દરેક પળે એ અવિરત છૂટવાની સાથે પાછો પણ ફરશે જ, કારણ કે ક્યારે સમય અટકી જાય અને શ્વાસ ભટકી જાય એની જાણ કોઈને નથી થઇ શકતી. જીવનનો દરેક પ્રસંગ શરૂઆત છે અને દરેક શરૂઆત અંતનું અવતરણ… આટલું બધું જીવનના સ્વભાવ વિશે જાણીએ છીએ, અને તેમ છતાંય જીવન જીવવાની આપણી મહત્વકાંક્ષાઓ જરાયે બદલાતી નથી. જીવનનો મોહ મોતની નજીક લઇ જાય છે, એ વાસ્તવિકતા આપણે જાણીએ છીએ પણ સ્વીકારવાની ક્ષમતા કેળવી નથી શકતા. આમ ચિંતા અને ભય જીવન જીવવાનો આ સ્પાર્ક જ આપણી સૌથી મોટી હિંમત છે, અને આ સ્પાર્કમાં બહુ શક્તિ છે.

એક્કાપોલમાં રહેલી આ જ શક્તિએ માનવીમાં રહેલ અદમ્ય સામર્થ્યની પરિભાષાનું નિર્માણ કર્યું છે. એક શિક્ષક તરીકે વ્યક્તિમાં રહેલા દૈવત્વ સાથેનો વાસ્તવિક જીવનમાં સાક્ષાત્કાર કરાવ્યો છે. કારણ કે ધ્યાન અને યોગના પરિણામો અવિશ્વસનીય છે, ધ્યાનયોગ એ ભારતીય સંસ્કૃતિએ દુનિયાને આપેલો એક અમૂલ્ય ઉપહાર છે.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૨૬ pm, ૧૮ જુલાઈ ૨૦૧૮ )

———-

આ આર્ટિકલ સાથે અમુક મીડિયા દ્વારા પ્રકાશિત માહિતી પણ જોડી રહ્યો છું. જેથી કરીને સ્થિતિ અને ઘટના વિશે વધુ માહિતી મળી શકે… બધી જ માહિતી ૯ જુલાઈ ૨૦૧૮ના રોજ worldofbuzz સાઇટ પર પ્રકાશિત થયેલ અહેવાલના આધારે છે…

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.