સર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી)

       સવારના પહોરમાં તમે ચડ્ડો પહેરીને સવારની “ બે ” ચા ટટકારીને છાપુ વાંચતા વાંચતા “ પ્રેસર “ જનરેટ થવાની રાહ જોઇ રહ્યા હો ત્યાં જો તમને એવું લાગે કે તમારા ૯૦ મીટરીયા સામે બાઇક આવીને ઉભુ રહ્યું છે, અને “ આ સાલુ અટાણમાં કોણ આયુ હશે ? ” પ્રશ્ન તમારી આંખમાં ડોકિયા કરવા લાગે એટલે તમે સોફામાં અરધા ઉભા થઇને દિવાનખંડની રોડ પર પડતી બારીમાંથી બહાર નજર દોડાવશો તો . . .

. . . ઘરની બહાર જુના જમાનાની સ્ટાઇલમાં પ્લાસ્ટિકનો વિન્ડ શિલ્ડ નાંખેલું આધુનિક જમાનાનું “ઇટર્નો” સ્કૂટર ઉભુ કરીને ચાલીસી વટાવી ચુકેલા ‘પેપર સોલ્ટ’ એટલે કે કાબર ચીતરા પણ વાંકડિયા ઝુલ્ફાવાળા વાળ, ભારે નંબરના ચશ્મા અને મોં પર એક નવજાતનું હાસ્ય ધરાવતી કોઇ વ્યકતિ દેખાય તો તે હશે આપણા . . . સોરી યાર . . . ” માલા ” બહેનના કિલ્લોલભાઇ . . . . સિત્તેરના દાયકામાં વેસ્ટર્ન મુવિઝમાં “Bikeys’ ની ફિલ્મો ઘણી પ્રચલીત થયેલી. હિપ્પી કલ્ચરનો અંત અને નિર્હેતુક રખડવાની મનોવૃત્તિનો જ્યારે ઉદય થયો,  જીન્સ અને કાળા ચામડાના  જેકેટ્સ તથા તોતિંગ બાઇકો પર જ જીવન ગુજારવાનું વિદ્રોહી વલણ જ્યારે લોકપ્રિય બન્યુ હતું ત્યારે આ બધા “Bikeys” પોતાની બાઇકો આગળ હવાને અવરોધવા માટે એક કાચ ફીટ કરાવતા . . . શું આપણા . . . સોરી માલા બહેનના કિલ્લોલભાઇ ગયા જનમના શ્રાપીત “Bikey” તો નહી હોય ને ?

આજ થી થોડા વર્ષો . . . અંદાજે લગભગ બે જેટલા વર્ષો પહેલાં ધિલનભાઇ, પરિમલભાઇના બાળકોના સ્કુલના પેરન્ટસ ગ્રુપમાં ભળવાનું થયું. ધીમે ધીમે સૌ મિત્રો સાથે પરિચય થયો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે સૌ મને ગમે અને ફાવે તેવા સાવ સરળ અને ઘમંડ વગરના છે. મને પણ આવા માણસો સાથે જ ફાવે . . . આ સર્ક્યુલર ઉપરનો મારો સર્ક્યુલર તમે વાંચવાના છો એટલે વખાણ કરતો નથી હો . . . આ ગ્રુપના એક બે સ્નેહમિલનમાં હાજરી આપ્યા બાદ એક દિવસ અચાનક કિલ્લોલભાઇ અમારા ઘરની જાળીમાંથી ડોકાયા . . . કાયમ જોવા મળતું કિલ્લોલભાઇનું “કિલ્લોલીયુ” સ્મિત ઝળક્યું . . . સાવ સાચુ કહું તો આવું સ્મિત કાંતો સાવ બાળસહજ વ્યક્તિનું હોય અથવા તો કોઇ જોરદાર એક્ટરનું જ હોય . . .

કિલ્લોલભાઇ પ્રથમવારની ‘સર્ક્યુલર’ની ડિલીવરી સાથે જ મને લાઇટ થઇ કે આ ભાઇએ અજાણતા અથવા સંપુર્ણ ભોળપણમાં એક નવતર પ્રેરણાદાઇ શુભકાર્યનો શુભારંભ કર્યો છે . . ! પણ અંતઃકરણથી ખુબ જ ગમ્યું. મને પણ આવા નવતર પ્રયોગો કરવાનો શોખ ખરો અને એટલે જ ૨૪ વર્ષો પૂર્વે મેં પણ આવુ કૈંક કરવાની ઇચ્છાથી જ મારો ‘સર્પબચાવ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો . . . પણ કિલ્લોલભાઇ તો કૈંક નવા પ્રકારના જ સાપ પકડવાનો ધંધો લઇને બેઠા છે ! બ્રેવો કિલ્લોલભાઇ . . .

ચારે બાજૂ ફર્યા કરે તેને “સર્ક્યુલર” કહેવાય તેની તમને ખબર હશે જ . . . ? હવે વાત કરીએ કિલ્લોલભાઇની, તેમના સર્ક્યુલરની અને કિલ્લોલભાઇએ “રોકી” લીધેલા અને કિલ્લોલભાઇના “વટહુકમ” જેવા માલાબહેનની . . .

મને છ આઠ મહિના પૂર્વે વિચાર આવ્યો કે ચલો કિલ્લોલભાઇના સર્ક્યુલર ઉપર એક સર્ક્યુલર લખું. એકાદ મહિનો વિચારણા ચાલી અને પછી લખી નાખ્યો . . . જોરદાર લખાયો . . . સીધો કોમ્પ્યુટરમાં જ ટાઇપ કર્યો હતો . . . પણ શુ થયું એ ખબર ના પડી પણ એ લખાણ કોમ્પ્યુટરમાં ક્યાંય મળતું જ નથી ! બોલો હવે શું કરવું . . . ? આજે કેટલાય વખતે ફરી થયું કે ચલો હવે તો લખી જ નાખું . . .

ગયા વર્ષે અચાનક સમાચાર મળ્યા કે કિલ્લોલભાઇને હળવો હૃદય રોગનો હુમલો આવ્યો છે અને સિધ્ધા ‘અપોલો’ મધ્યે દાખલ છે . . . અમે બીજા દિવસે ધિલનભાઇ અને પરિમલભાઇ સાથે સજોડે ગયા અપોલો. એપોલોમાં અગાઉ કદી જવાનું બનેલું નહી. અપોલોના સાંજના વિઝિટીંગ અવર્સમાં એક તો ભીડ હોય અને બીજુ આવડી મોટી આર્કિટેક્ટે ડિઝાઇન કરેલી ઇન્દ્રની માયાજાળ જેવી હોસ્પિટલમાં કિલ્લોલભાઇને શોધવાનો મહાપ્રયાસ આદર્યો પણ ક્યાંય કશી ગતા ગમ પડે તો ને ? . . . છેલ્લે થાકીને અમે સામેથી આવી રહેલી બે ઘુસપુસિયણ નર્સોને નામ જોગ પૂછ્યુ . . . ‘કિલ્લોભાઇ પંડ્યા . . . ’ હજૂ તો આટલું બોલ્યા ત્યાં તો બન્ને અંડર ટ્રેઇનીંગ હોય તેવી યુવાન નર્સો એક બીજા સામે પ્રશ્નાર્થ જોઇ ને ખિલખિલાટ હસી પડી અને હસતી હસતી એકે નેણ ઉલાળીને બીજીને કોણી મારીને કહ્યું . . . ‘પેલ્લ્લ્લ્લલાઆઆઆ . . . માઆઆઆઆલાબેન વાળા ’ . . . અને અમને તરત જ રસ્તો દેખાડી દીધો ! અમે સૌ સાથે મળીને થોડુ મુંજાયા . . . અંદર એક બીજાને પુછ્યું પણ ખરુ કે . . . “આલ્લે લે . . . આમને પણ ખબર પડી ગઇ ?” પછી ખબર પડી કે કિલ્લોલભાઇને દાખલ કર્યા ત્યારથી કિલ્લોલભાઇ પોતાની તબીયતની ચિંતા કરવા કરતા “માલા ક્યારે આવશે” ની ચિંતા વધુ કર્યા કરતા હતા. કોણ કહે છે કે રાધા-કૃષ્ણ, લૈલા-મજનુ, હીર-રાંઝા અને રોમીયો-જુલિયટ હયાત નથી . . . ?

નવરાત્રી જામી હોય . . . કલ્ચરલ ફોરમના ગરબાના વિશાળ મેદાનમાં ખેલૈયાઓએ નાચી નાચીને ઉડાડેલી ધુળના ગોટામાં થી અચાનક બ્લુ કલરનું સિલ્કી કેડિયું અને કેસરી ધોતી પ્રગટ થાય તો સમજી લેવાનું કે આપણા . . . સોરી . . . (સમજી ગયાને કે કોના . . . ?) કિલ્લોલભાઇ જ છે . . . તમારે તરત જ તેમની પાછળ દસ ફૂટ સુધી નજર દોડાવવાની . . .  માલાબેન પાછળ પાછળ હોય જ . . . ક્યારેક મજાક કરવાનું મન પણ થઇ આવે કે  . . . . . “હેં કિલ્લોલભાઇ . . . આ પ્રેમ છે કે પછી . . . ?” હી . . . હી . . . હી . . . પણ સંયમવશ હોઠ પર ટેપ લગાડી દેવી પડે . . . સર્ક્યુલરમાં વાંધો નહી . . . જોજો હો માલાબેન આ તો મજાક માત્ર છે હો . . . આ વાંચીને તમે પાછા કિલ્લોલભાઇ સામે નજરના પ્રશ્નાર્થ તીર ન છોડતા હો ?

કિલ્લોલભાઇના સર્ક્યુક્લર હંમેશા તેમના સ્વાનુભવો પર આધારિત હોય છે . . . તેમાં શરદ પૂર્ણિમાની ચાંદની રાતે સમગ્ર ગ્રુપ સાથે પણ ટાઉન હોલના પ્રાંગણમાં કરેલી ઉજાણી હોય કે પછી નવરાત્રીના નોરતાના દસેય દિવસો દરમિયાન ઘટેલી ઘટનાઓ હોય, તેમના કોઇ સગા-વહાલાના લગ્નનો પ્રસંગ હોય, તેમના સાળાની દિકરીના લગ્નનું વર્ણન હોય કે પછી તેમના સસરાના ઘરમાં જમીને ઉંઘી જવાથી થયેલા ટ્રેજી-કોમિક બનાવનું વર્ણન હોય . . . પણ જેમ પૃથ્વીનો છેડો ઘર . . . અને કાઠીયાવાડી મા તે મા ને બીજા બધા વગડાના વા જેવી કહેવતની માફક . . . કિલ્લોલભાઇના દરેક સર્ક્યુલરનું કેન્દ્રબિન્દુ તો હંમેશા . . . . .

હા . . . તમે સાચા જ છો . . . માલાબેન (આપણા બેન હો !) જ હોય . . . ! ! !

ચલો ત્યારે . . . હવે તમે કિલ્લોલભાઇના સર્ક્યુલરની બરોબરી કરવાના મારા આ ભગીરથ પ્રયત્નનો પ્રતિભાવ મને મારા મોબાઇલ નં. ૯૯૦૯૯૧૮૫૬૯ પર અને કિલ્લોલભાઇના મોબાઇલ પર પણ આપશો તો માલાબેનના કિલ્લોલભાઇને ખુબ જ ગમશે . . . ! અને આ મારા “સર્ક્યુલર પરના સર્ક્યુલર” ઉપર તમને કોઇ ને પણ સર્ક્યુલર પરના સર્ક્યુલર પરનો સર્ક્યુલર લખવાનું મન થાય અને મારી કોઇ મદદ જોઇએ તો પાછા શરમાતા નહી હો ?

ધર્મેન્દ્ર ત્રિવેદીના જય સર્ક્યુલર . . . !


~ ધર્મેન્દ્ર ત્રિવેદી

  • વિશેષ નોંધ : આ સર્ક્યુલર લખતા વખતે જ જુનુ લખાણ પણ મળી ગયુ હતું જે આ લખાણમાં ઉમેરી દીધું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.