કોરો કાગળ ( પ્રકરણ – ૮ )

 

દેસાઈની વાત સાંભળ્યા બાદ રાઠોડને આંચકો જરૂર લાગ્યો હતો, પણ હવે એને કાગળ પર ફોકસ કરવાની કોઈ જરૂર ન હતી. હવે સ્ટેપલરની ગુંચ ઉકેલાઈ ચુકી હતી, અને સવાલ માત્ર એટલો હતો કે પોઈઝન ધરમના શરીરમાં પંહોચ્યુ કઈ રીતે !

તે હજી એ રીતે તર્ક લગાવી રહ્યો હતો કે સ્ટેપલર પીન અને પોઈઝન બંને અલગ અલગ આપવામાં આવ્યું હતું… પણ હકીકત કંઇક ભળતી જ હતી !

દેસાઈએ ખુદ આ બંનેને સ્ટેપલર અને કાગળ ગળ્યાની માહિતી આપી હતી. પણ હજી એ ખુદ પણ એ વાતની મૂંઝવણ અનુભવતો હતો કે એવો કાગળ કોણે આપ્યો હતો, અને એ કાગળ રાઠોડ માટે એટલો અગત્યનો કેમ હતો. પણ વાત કદાચ કોન્ફીડેન્શીયલ હોવાનું ધરતા તે એ પૂછતા અચકાતો હતો, પણ આખરે એણે ખચકાટ નેવે મુકીને આખરે પૂછી જ લીધું.

“રાઠોડ, એક વાત સમજમાં નથી આવી રહી. કે આ રીતે સ્ટેપલર લગાવેલો કાગળ ધરમ સુધી પંહોચડ્યો કોણે…?”

“અરે જવા દે ને… એની માશુકા ખુદ આવી હતી…”, રાઠોડે કહ્યું.
“યુ મીન મઝહબી…? એ ખુદ આવી હતી કાગળ આપવા…?”
“હા…, અને આખુ સ્ટેશન માથે લે એવું ધીન્ગનું પણ કર્યું હતું.”
“અને તે કંઇ જ ન કર્યું…? એ કાગળ આપી ગઈ અને તું એને જોતો રહી ગયો…!?”
“ના… અલબત્ત મેં એ કાગળ તપાસ્યો હતો, પણ એ કોરો હતો…”, કહી રાઠોડે આગલી રાતની મઝહબીની પોલીસ સ્ટેશનની મુલાકાત કહી બતાવી. જેમ જેમ દેસાઈ સાંભળતો ગયો તેમ તેમ તેનો રોમાંચ તેના ચેહરા પર સાફ વર્તાતો હતો. મઝહબીનું રાઠોડને ફોન કરતા અટકાવવું, તેનું પરમીશન વગર લોકઅપ તરફ ધસી જવું, જેવી વાતો સાંભળી એ થડકી ઉઠ્યો હતો. એ મઝહબી ઓળખતો હતો, માત્ર ચેહરાથી ! ગામ આખામાં તેની સુંદરતા જેવો એક પણ મનુનો જોડ્યો ન જડે ! પણ આટલા સુંદર ચેહરા પાછળ આટલું સાહસિક વ્યક્તિત્વ છુપાયેલું હશે, એવું તેણે સ્વપ્નેય કલ્પ્યું ન હતું !

એ જેમ જેમ વાત સાંભળતો ગયો, તેમ તેમ તેણે મઝહબીની હિમત માટે માન થતું ગયું… તેના મનમાં મઝહબીનું એક નવું જ ચિત્ર ઉપજી રહ્યું !

પણ મઝહબી જેવી, કોલેજમાં ભણતી એક સાધારણ છોકરી આટલા મોટા કાવતરા પાછળ હોય એ વાત તેને પચતી ન હતી.

“પણ રાઠોડ, એવું પણ હોઈ શકે ને, કે મઝહબી આમાં નિર્દોષ હોય… આઈ મીન એની પાસે આ કામ કરાવવામાં આવ્યું હોય !”, રાઠોડની વાત સાંભળ્યા બાદ સૌ પ્રથમ આ પ્રમાણેની દલીલ કરી.

“એ પણ બની શકે… એ એક પ્યાદું માત્ર પણ હોઈ શકે. પણ એનાથી એનો ગુનો કંઈ ઓછો નથી થઇ જવાનો !”

“પણ એનો ગુનો શું..?”, દેસાઈએ મઝહબી તરફની દલીલ કરી. જે વાત રાઠોડને સહેજ પણ ન ગમી.
“કેમ…? એણે જો આવો કોઈ કાગળ પંહોચાડવામાં મદદ કરી હોય, તો શું એનાથી એ આ કેસમાં ગુનેગાર નથી…?”

“પણ રાઠોડ તે ખુદ કબુલ્યું ને, કે કાગળ સાવ કોરો હતો…!?”
હવે રાઠોડ પાસે તેની દલીલનો કોઈ જવાબ ન હતો. પણ હજી મનના કોઈક ખૂણે એને વિશ્વાસ હતો કે મઝહબી કોઈને કોઈ કારણસર આમાં સંડોવાયેલી છે જ…!

અહીં જયારે આ બંનેની દલીલ ચાલતી હતી ત્યાં જ રાઠોડના ટેબલ પરનો ફોન રિંગના બોદા અવાજથી વાગી ઉઠ્યો.

રાઠોડે ફોન ઉઠાવ્યો, સામેથી એના ઉપરી અધિકારી વાત કરી રહ્યા હતા. રાઠોડ પણ ‘સર !’, ના ઉદ્ગાર સાથે યાંત્રિક રીતે જ ખુરશીમાંથી ઉભો થઇ ગયો, અને ફોન પર જ સલામી ઠોકી.

એ જોઈ ગીરધર, દેસાઈ અને ત્યાં ઉભા અન્યોને પણ અંદાજ આવી ગયો કે કોઈ અધિકારી વિશેષ નો ફોન આવ્યો હતો.

એ લોકોએ રાઠોડના એકતરફી સંવાદો સાંભળ્યા હતા, જેમાં માત્ર હતાશાના સૂરમાં ભળેલા “જી સર…”, “યસ સર…”, “સોરી સર…”, જ હતું…! અને એ પરથી અંદાજ આવી જ શકે કે ફોન પર જ રાઠોડની લેફ્ટ રાઈટ લેવાઈ ચુકી હતી !

ધરમની મોતના સમાચર જે રીતે ગામમાં ફેલાયા હતા, એ જોતા આવો ફોન આવવો સ્વાભાવિક વાત હતી. અને એ ઠપકાર વ્યાજબી પણ હતી, પુરતો સ્ટાફ ધરાવતાં સ્ટેશનમાં એક કેદીનું મર્ડર થઇ જાય, એ કોઈ ચલાવી લેવાય જેવી નાની મોટી વાત તો ણ જ કહેવાય ને…!

રાઠોડે ફરી એક વખત ‘સોરી સર’ કહ્યું અને ફોન મુક્યો. એ હતાશ થઇ ખુરશીમાં બેસી ગયો.
પૂરી બે મિનીટ સ્ટેશનમાં શાંતિ છવાઈ રહી. રાઠોડને કંઇક પૂછવાની હમણાં હિંમત જો કોઈ કરી શકે તેમ હોય તો એ માત્ર દેસાઈ હતો. થોડીથોડી વારે બધા કોન્સ્ટેબલો તેને આંખોથી ઈશારા કરી રાઠોડને પૂછીને વાત જાણવા બદલ ઈશારા કરતા હતા.

પણ દેસાઈ કંઈ પૂછે એ પહેલા જ રાઠોડે બોલવું શરુ કર્યું,
“સરનો ફોન હતો…, ઘણા ગુસ્સામાં હતા…”, રાઠોડના અવાજમાં પારાવાર હતાશા સાફ વર્તાતી હતી. એણે આગળ કહેવાનું ચાલુ રાખ્યું, “… કહેતાં હતા કે, મારા દેખતા આ બધું થયું જ કઈ રીતે..! અને એમણે તો ત્યાં સુધી કહી દીધું છે, કે જો આ કેસ હું ઉકેલી ણ શકું તો મારા પર સ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવશે…!”, અને પોલીસખાતામાં સ્ટ્રીક્ટ એક્શન મતલબ ઘર વાપસી… સસ્પેન્ડ ઓર્ડર !

આવા સમયે ગીરધર જાણે તેના સાહેબના પડખે ઉભો રહેવા માંગતો હોય એમ એને આશ્વાસન આપવા માંગતો હતો. પણ ‘હું રહ્યો એક સામાન્ય કોન્સ્ટેબલ…!’, સ્વગત બબડતા તેણે મન વાળી લીધું. એનું એ કામ દેસાઈએ કરવા માંડ્યું. એને સમજાવવા માંડ્યું કે આ સમય હતાશ થઈને બેસવાનો નહી, પણ કેસમાં ખૂટતી કડીઓ શોધી કેસ સોલ્વ કરવાનો છે…!

ગીરધર બહારથી રાઠોડ માટે ચા લઇ આવ્યો. જેમ આગગાડી ધીમી પડી જાય ત્યારે કોલસા જેવું કામ કરે એવું જ કામ ચા રાઠોડ માટે કરતી. એને હતાશામાંથી બહાર કાઢવા, તેનો ગુસ્સો શાંત કરવા, તેનો આનંદ બમણો કરવા, બધી જગ્યાએ ચા હાજર જ રેહતી.

ચા પીધા બાદ રાઠોડમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો, અને એણે યુદ્ધમાં દોડી રહેલા ઘોડાની ઝડપે દિમાગ દોડાવવા માંડ્યું. પણ દેસાઈએ તેને અટકાવતા કહ્યું,

“રાઠોડ તારી કામગીરીમાં દખલ કરવા બદલ માફી ચાહું છું… પણ તને એક સજેશન આપવા માંગું છું. આપણે બધા હમણાં એક જ દિશામાં વિચારી રહ્યા છીએ એ વાત સાચી… પણ કંઇક એવું છે જે મને ખબર છે, એ તને નથી ખબર, કે જે ગીરધરને ખબર છે, એ મને નથી ખબર… એટલે ટૂંકમાં કહું તો, બધા પાસે થોડીક થોડીક કડીઓ છે, હવે આપણે તેમને જોડવાની છે. માટે હું એમ સજેસ્ટ કરવા માંગુ છું કે આપણે સ્વતંત્રરીતે વિચારવા કરતાં ડિસ્કશન કરવું જોઈએ… વ્હોટ યુ સે..!”

“નોટ અ બેડ પ્લાન દેસાઈ… લેટ્સ સ્ટાર્ટ !” રાઠોડ બોલ્યો.
અને ત્યારબાદ ધરમ-મઝહબી પ્રકરણની આદિથી અંત સુધીની ચર્ચાઓ થઇ. પણ ચર્ચાઓનો અંત હોય જ ક્યાં છે ! પણ હા, એમાંથી કંઇક નવું જાણવા મળે એ ચોક્કસ…!

અને અહીં પણ કંઇક એવું જ બન્યું… આમની ચર્ચા ફરી એ જ જગ્યાએ આવીને અટકી ગઈ, કે સ્ટેપલર પીન જો પરબીડિયામાં આવી હોય, તો પછી પોઈઝન કઈ રીતે આવ્યું…?

અને એ જ સમય દરમ્યાન દેસાઈએ વધુ એક તર્ક કર્યો, “રાઠોડ કદાચ એવું પણ બને ને, કે પોઈઝન અને પીન બંને અલગ અલગ ણ અપાતા એકસાથે જ અપાયું હોય…!”

“મતલબ…?”, રાઠોડે પૂછ્યું.
“મતલબ એમ… કે, પીનો પર જ જો પોઈઝન હોય તો…!?”
અને રાઠોડ પર જાણે વીજળી ત્રાટકી હોય તેમ એ ચમક્યો… એનાથી જીવનમાં આટલી મોટી ઘીંસ ખવાઈ હતી એ વાત હજી પણ તેના માનવામાં આવતી ન હતી.

પણ દેસાઈની વાત સાંભળી જેટલો આંચકો રાઠોડને લાગ્યો હતો, એથી કંઇક વિશેષ ગીરધરને લાગ્યો હતો. એને અચાનક આ કેસમાં કંઇક ખૂટતું હોય, એવી વાત યાદ આવી.

“સર… ચોક્કસપણે આમ જ હોઈ શકે !”, ગીરધરે કહ્યું, એને રાઠોડને એ વાત એટલી ઝડપથી કરવી હતી, કે એને બોલવા માટે શબ્દો મળતા ન હતા.

“એટલે, તું કહેવા શું માંગે છે…!”, દેસાઈએ પૂછ્યું.
“એ કહું…”, કહેતાં એ રાઠોડ તરફ ફર્યો, “સર… યાદ છે તમને, રાત્રે ધરમે પાણી માંગ્યું હતું, અને એ પણ થોડુંક નહીં, વધારે..!”

“હા તો તેનું શું…?”, રાઠોડે પૂછ્યું. એને હજી ગીરધરની વાત સમજાતી ન હતી.
“ધેર યુ આર ગીરધર… શું જોર મુદ્દો પકડ્યો છે તે…”, દેસાઈએ તેને શાબાશી આપતા કહ્યું, અને મુંજાયેલા રાઠોડને ઉદ્દેશીને કહ્યું, “તને હજી નથી સમજાતું… અરે ભાઈ કોઈને એટલા બધા પાણીની જરૂર શું કામ પડે…?”

“દેસાઈ તારે જે કંઇ કહેવું હોય એ સાફ સાફ બોલ…”, રાઠોડ ખરેખર મુંજાયો હતો, કે એવું તો શું હતું જે ગીરધર અને દેસાઈને સમજાયું પણ એને પોતાને ણ સમજાયું…!

“એટલે મારો મતલબ એમ, કે એણે જો વધારે પાણી માંગ્યું એનો અર્થ એ જ થાય કે, એણે ઇન્ટેશનલી એ પીનો ગળી છે, અને એને એ પણ ખબર હતી કે એને મરવા માટેનું ઝેર એ પીનો પર જ છે !”
“તો તમે બંને પાણી વધારે પીવાનું શું લોજીક એમાં જોડો છો…?”, રાઠોડણે હવે થોડુંક થોડુંક સમજાતું હતું.

“એના વધારે પાણી માંગવા પાછળનું લોજીક એ, કે એક તો પીનો છેક અંદર સુધી પંહોચી જવી જોઈએ, અને બીજું એ કે, પાણી પૂરતા પ્રમાણમાં હોય તો ઝેર સારી રીતે એમાં ડાયઝોલ થઇ શકે… હવે સમજાયું…?”

પણ દેસાઈ એ વાક્ય પૂરું કરે તે પહેલા જ રાઠોડ વાત સમજી ચુક્યો હતો. અને એ એની માટેનો બીજો આંચકો હતો. જાણે કોઈએ લાકડાનું પાટિયું માથાના પાછળના ભાગમાં ઠોકી માર્યું હોય એમ એનું મગજ બહેર મારી ગયું !

એક અદની કોલેજમાં ભણતી છોકરીએ એના નાક નીચે જ પોલીસસ્ટેશનમાં એક મર્ડરને અંજામ આપ્યો હતો. અને કેસ સોલ્વ થાય કે ન થાય, પણ એક વાત નક્કી હતી કે રાઠોડની પોતાની કારકિર્દી હવે જોખમમાં હતી ! અને એ બચાવવા એણે કોઈ પણ ભોગે આ કેસ સોલ્વ કરવો જ રહ્યો.

પણ એ થશે કઈ રીતે એ વિચારતા જ એનું માથું ફાટતું જતું હતું…! આખરે એનાથી આટલી મોટી ભૂલ થઇ જ કઈ રીતે શકે !

રાઠોડ તદ્દન શાંત બની બેસી રહ્યો. દેસાઈ અને અન્ય કોન્સ્ટેબલ હજી પણ ચર્ચાઓમાં પડ્યા હતા.
વળી ગીરધરે તર્ક કર્યો, “પણ દેસાઈ સાહેબ, હવે વિચારવા જેવી વાત એ છે કે, ધરમને એવી ખબર કઈ રીતે પડી કે એ પીનો ઝેરી છે !?”

“ઇટ્સ સિમ્પલ, કદાચ એ કાગળ એમનો કોડવર્ડ હોય, આઈ મીન આ બધું પહેલાથી જ પ્લાન્ડ હોય…!”, દેસાઈએ કહ્યું.

“પણ એ પ્લાનિંગ થયું ક્યારે..? એની ધરપકડ બાદ બંને એકબીજાને ઘડીભર પણ મળ્યા નથી. અને આવા પ્લાનિંગ માટે તો પુરતો સમય જોઈએ !”, ગીરધરે કહ્યું.

રાઠોડ હજી પણ ખુરશીમાં બેસી રહી તેમના તર્ક-વિતર્કો સાંભળી રહ્યો હતો. અને ગિરધરની છેલ્લી દલીલ સાંભળી એ અચાનકથી બોલી ઉઠ્યો, “તારી વાત સાચી છે ગીરધર… આવા પ્લાનિંગ માટે સમય જોઈએ જ.. પુરતો સમય જોઈએ ! હવે આ બધી દલીલો અને તર્ક વિતર્કનું એક જ તારણ નીકળે છે કે, ‘ધેર મસ્ટ બી સમથીંગ ઇન ધેટ પેજ…’, નક્કી એ કાગળમાં જ કંઇક હોવું જોઈએ…!”, રાઠોડ જે કોન્ફિડેન્સથી બોલ્યો હતો એ જોતા બધાને એની વાતમાં કંઇક નક્કર હોવાનું લાગતું હતું.
“પણ તે જાતે જ કહ્યુંને, કે એ કાગળ તે જાતે તપાસ્યો હતો..?”, દેસાઈએ કહ્યું.

“હા… એ મેં તપાસ્યો હતો. પણ જો મારાથી આટલી મોટી ભૂલ થઇ શકતી હોય તો હવે એક ભૂલ વધુ સ્વીકારવામાં શું ઉખડી જવાનું છે. અલબત્ત એ કાગળ મેં લક્ષ્મી જોડે ખોલાવ્યો હતો, પણ જો હવે એ બધા પાછળ એ કાગળ જવાબદાર હોય તો મારે એની નોકરી જોખમમાં નથી મુકવી…!”, રાઠોડ જેટલો ક્રૂર દેખાતો એટલો કદાચ હતો નહી. એણે જેટલી નિખાલસતાથી પોતાની ભૂલો કબુલી એટલી જ સરળતાથી એ વાતનો પણ પરચો આપી દીધો કે એ તેની નીચે કામ કરનારા અદના આદમીનું પણ ધ્યાન રાખી જાણે છે !

“એ બધું તો ઠીક… પણ ચાલ હવે એક ક્ષણ માટે માની પણ લઈએ કે એ કાગળમાં કંઇક હતું, પણ એનું કન્ફર્મેશન કોણ કરશે..? આપણી પાસે ણ તો કાગળ છે, ન કાગળ વાંચવા વાળો !”, દેસાઈએ કહ્યું.

“એ ભલે નથી.. પણ કાગળ આપવા આવવા વાળી વ્યક્તિ તો છે જ ને…! મઝહબી…!”
“મતલબ તું હવે એની ઝડતી લેવાનું વિચારે છે…?”
“જરૂર પડશે તો હા.. એકવખત પૂરતા એવીડન્સ મળી જાય તો એ પણ કરીશું, પણ હાલ તો માત્ર થોડાક સવાલ જવાબથી જ કામ ચલાવું પડશે…”

“ચાલો આપણે અહીં ચર્ચાઓમાં ઘણો સમય વેડફી દીધો છે, આપણો જવાબ આપણને મઝહબી પાસેથી જ મળી શકશે…”, કહી રાઠોડે જીપ કાઢવાનો ઓર્ડર આપ્યો. અને હજી આ લોકો ચોકીમાંથી બહાર નીકળવા ઉભા થાય એ પહેલા એ કોન્સ્ટેબલ દોડતો હાંફતો હાંફતો આવીને રાઠોડ સામે ઉભો રહ્યો. આ કોન્ટેબલને રાઠોડના ઓર્ડર્સ મુજબ મઝહબીના ઘરની પાસે ગોઠવવામાં આવ્યો હતો.

એ રીતસરનો હાંફી રહ્યો હતો. તેના હાથ પગમાં એક અકથ્ય ધ્રુજારી હતી, એનો હોઠ એક છેડેથી ફફડતો હતો, એના શબ્દો ગાળમાં જ અટકી પડ્યા હતા, માંડ પ્રયત્ને એ બોલ્યો, “સર… એ છોકરી…. એ મઝહબી…. જલ્દી ચાલો સર… જલ્દી…!”

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |

6 thoughts on “કોરો કાગળ ( પ્રકરણ – ૮ )”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.