Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૨ )

હવે શું એમાં મારી સહેજ પણ ભૂલ હતી !? શું હું એવું ચાહતી હતી કે એ કુમળો જીવ ગર્ભમાં જ મરે..? પણ આપણો આ કહેવતો ‘સમાજ’ એવો છે જ એવો, દરેક બાબત ને ગોળ ફેરવી સ્ત્રી પર લાવીને ઉભી કરી દે છે…! ગમે તે થાય, દોષી તો સ્ત્રી જ હોય છે નહી !?”, એની આંખમાં લાલાશ તરી આવી. એ ખુબ ભયંકર રીતે ગુસ્સે લાગી રહી હતી ! આ જ ગુસ્સો હું એની આંખમાં પહેલા પણ જોઈ ચુક્યો હતો ! ખરેખર, સમાજમાં સ્ત્રીઓ ની જે હાલત હોય છે, એ બાબતે કાંચી ખુબ જ સેન્સીટીવ હતી !

Advertisements

એક સ્ત્રીને મા ને બન્યા ની કેટલી ખુશી હોય, એક મા માટે તેનું સંતાન શું હોય, એ હું ખુબ સારી રીતે જાણતો હતો ! ભલે હું મુંબઈ રેહતો હતો અને મા વતનમાં ! પણ મા વતનમાં રહીને પણ મારી ચિંતા માંથી મુક્ત નહોતી. ! એ મારી પળપળ ની ખબર રાખતી, મારી ચિંતામાં રેહતી.

પણ કાંચી…! એને તો કસુવાવડ થઇ હતી ! એણે 9 મહિના ની રાહ જોયા બાદ, જયારે એણે પોતાની મૃત બાળકી ને જોઈ હશે, ત્યારે એના પર શું વીતી હશે, એની કલ્પના માત્ર થી મારા રુંવાડા ઉભા થઇ જતા હતા !

કાંચી, થોડીવાર પહેલા જ રડતી હતી. અને હવે એકદમ શાંત હતી ! એના વર્તનમાં થતા ફેરફાર થી પણ ગાડીની સ્પીડમાં કોઈ ફેર પડ્યો ન હતો… એ એકધારી ગતિએ ગાડી ચલાવ્યે જતી હતી ! અને એની એ સ્વસ્થતા જ મને મને ડરાવી જતી હતી !!!

બપોરનો સમય થઇ આવ્યો હતો, અને જોડેજોડે હવે ગરમ પવન પણ ફૂંકાવા માંડ્યો હતો ! મેં કાચ બંધ કરી દીધો. પણ કાંચી કંઇ બોલતી ન હતી, હું પણ કંઇ બોલતો ન હતો… અને મને એવી શાંતિથી ડર લાગવા માંડ્યો ! મેં ફરી કાચ ખોલી નાંખ્યો. કમસેકમ, અમારા એ ભયંકર મૌન વચ્ચે પવનના સુસવાટા તો સંભળાતા હતા !

પણ ખરેખર, અમારી વચ્ચે કહેવા, પૂછવા માટે કંઇ જ ન હતું… ! એવા સમયે એક અલગ જ પ્રકારની બેચૈની મનને કોરી ખાતી હતી !

“લે, નાગપુર પણ હવે નજીક જ છે…”, એણે અમારી વચ્ચેની શાંતિનો ભંગ કરતા કહ્યું.
“બહુ જલ્દી આવ્યું નહી…!”, મારે શું કહેવું જોઈએ, એ સમજાયું નહી.
“હા, મારી સ્પીડ સારી એવી છે ને, એટલે… જો તેં ચલાવી હોત, તો સાંજ સુધી ન આવતું…”, એ હસી પડી. પણ મને હસવું ન આવ્યું !

થોડીવારે એણે ગાડી એક હોટલ પર ઉભી રાખી. અને જમવા માટે ઉતર્યા.
હાઇવે પરની એ હોટલોમાં હાજર પુરુષો માટે કાંચી જાણે કોઈ નવું જ કુતુહલ બનતી ! બધી નજરો એને તાકી રેહતી. અને એ પણ એનો આનંદ લેતી… ખબર નહિ કેમ? પણ મને એ જરા ખૂંચતું !!!

“તું તો બહુ ચુપ થઇ ગયો…., આટલામાં જ દુખી થઇ ગયો..?”, જમતા જમતા એણે પૂછ્યું.
“ના, એવું કંઇ ખાસ નહી…!”
“જો સાચે ઉદાસ થઇ ગયો હોય, તો હું તને કહી દઉં, હજી પણ મારી પાસે કહેવા માટે ઘણું છે…”
મેં કોઈ જવાબ ન આપ્યો. અમે જમવાનું પૂરું કર્યું. અને ફરી એક સિગારેટ ફૂંકી. હા, અડધી અડધી જ તો… !

“લાવ, હવે હું ગાડી ચલાવી લઉં…”
“હા, લે આ ચાવી…”. અમે અંદર ગોઠવાયા….
“ચાલ હું તને એક ટાર્ગેટ આપું… રાત સુધીમાં કાર, તારે ત્યાં સુધી પહોચાડવાની રેહશે….”
“હા મંજુર…”, કહી મેં ગાડી હાઇવે પર દોડાવવા માંડી.
“હમમ… સંબલપુર ! સંબલપુર તારું ટાર્ગેટ… ડન?”
“હા, હું ટ્રાય કરી જોઇશ.”
“તું કરી પણ શકીશ…”, કહી એ હસી.
“બાય ધ વે, તેં સાચે જ મને મેરીડ ન’હોતી ધારી… !?”, એણે પૂછ્યું. હવે કદાચ એનો મુડ હળવો થઇ ચુક્યો હતો.
“ના… અલબત, હું તો ચોંકી જ ગયો, તારી એ વાત સાંભળી…”
“હાહા…, હજી આગળ ઘણું છે લેખક મહોદય…!”
“તેં લગ્ન કરેલા છે કે નહી…!?”, એણે ફરી પૂછ્યું.
“ના… હજી સુધી નથી કર્યા.”
“કેમ..!?”
“કોઈ મળી જ નહી…!”
“મળી નહિ કે પ્રેમ નથી થયો…!?”, કહી એ હસી.
“ના, એ તો ખરું જ ! પણ હજી કોઈ મળી પણ નથી ! એક્ચ્યુલી મમ્મી એ બે-ત્રણ છોકરીઓને મારી જોડે મળાવી પણ ખરી, પણ વાત ના જામી…!”

“તમે લેખક લોકો પ્રેમ ને કંઇક વધારે જ પડતું મહત્વ આપો છો નહી…!?”
“કેમ નહિ… આપવું જ રહ્યું ! પ્રેમ જ તો છે, જેના થકી લોકો એકબીજા માટે બલીદાન આપી દે છે, એ પ્રેમ જ તો છે, જેના થકી…”

“ઓહ પ્લીઝ !!! હવે તું ના શરુ થઇ જઈશ !”, એણે મારી વાત વચ્ચેથી કાપતાં કહ્યું… અને પછી બોલી, “હું એવા પ્રેમમાં માનતી જ નથી ! એક મરે એટલે પોતાની જિંદગીથી વિમુખ થોડી થઇ જવાય !? પ્રેમ તો શક્તિ છે, જે એક ના ગયા બાદ પણ તમને ટકાવી રાખવા ની પ્રેરણા પૂરી પાડે છે…!
અને પેલો ‘કહેવતો નામનો પ્રેમ’, જેમાં જોડે જીવવા ની અને જોડે મરવાની વાતો થાય ! એ તો મને આજ સુધી નથી સમજાયું, જો મારી સાથે કંઇક ગંભીર થયું હોય, તો હું એકલી જ મરવાનું પસંદ કરું ! શા માટે મારા પ્રેમી ને પણ જોડે લઈને મરું !?

મોત તો બહુ જ નસીબદાર ને મળતી હોય છે… હું એ એટલી આસાની થી કોઈ સાથે ના વહેંચું !”
“હોલ્ડ ઓન… હોલ્ડ ઓન… ક્યાં પ્રેમ પરથી મોત પર ચાલી ગઈ…”, કહી હું હસવા માંડ્યો.
“સોરી, વાત જરાક ભટકી ગઈ…! હા, તો આપણે ક્યાં હતાં… હા, તારા પ્રેમ પર… ! તો તને આજ સુધી પ્રેમ પણ નથી થયો !?”

“ના, હજી સુધી તો નથી જ થયો… અને જેવા મારા હાલ છે, એ જોઈ લાગતું પણ નથી કે મને પ્રેમ થશે પણ…!”, અને અમે બંને હસી પડ્યા.

“થશે… તને પણ પ્રેમ થશે ! અને ખબર પણ નહિ પડે, ક્યારે તો કોઈના પ્રેમમાં ના દરિયામાં ગળાડૂબ ડૂબી જઈશ…”

“એમ થોડી ના પ્રેમ થઇ જાય…!”
“લે, તો કેમ થાય..!? પ્રેમ તો એક ક્ષણમાં પણ થઇ જાય, અને ક્યારેક આખી જિંદગી સાથે કાઢી લો, તો પણ ના થાય ! એન્ડ બીલીવ મી, પ્રેમમાં એ તાકાત હોય છે, જે તમને જીવડાવી જાય છે… એટલે તને હમણાં થી કહી દઉં… જેને પણ પ્રેમ કરે, નિસ્વાર્થ બની કરજે ! જરૂરી નથી એ તારી સાથે જ જીવે અને સાથે જ મરે… પણ તારો પ્રેમ અડગ રહે એ જરૂરી છે !”

“કાંચી, તને અંશુમન સાથે પ્રેમ હતો…!?”, મેં પૂછ્યું.
એ અચાનક ચુપ થઇ ગઈ. અને થોડું વિચાર્યા બાદ બોલી, “હા…”
“પણ કઈ રીતે…!? તેં તો ઇશાન ને પ્રેમ કર્યો હતો… પછી તું અંશુમન ને કઈ રીતે પ્રેમ કરી શકે…?”, મારા પ્રશ્નમાં જરા ઉગ્રતા ભળી !
“થઇ શકે ! કોઈને બે વખત પણ પ્રેમ થઇ જ શકે ! બે શું હજાર વખત પણ થઇ શકે… અને જો તમે ખરેખર પ્રમાણિક હોવ, તો એક જ સમયે એકથી વધુ લોકોને પણ પ્રેમ કરી જ શકો…!”
“એ શક્ય જ નથી…!”, મારો અવાજ જરા રૂંધાયો.
“છે, એ પણ શક્ય છે જ…!”
થોડીવાર અમે બંને શાંત રહ્યા, પછી મેં પૂછ્યું, “કાંચી, પછી શું થયું…?”

આ વખતે કાંચી સમજી ગઈ, કે હું એને એની વાત આગળ વધારવાનું કહી રહ્યો છું… એ જરા શાંત રહી આગળ બોલી…

“મને કસુવાવડ આવ્યા બાદ, ઘરમાં જાણે માતમ નો માહોલ સર્જાઈ ચુક્યો હતો ! હું પણ શારીરિક સાથે માનસિક તણાવ માંથી પસાર થઇ રહી હતી. એ સમયમાં ચાંદ મારો સૌથી મોટો સપોર્ટર રહ્યો હતો ! એ હંમેશા મારા માટે ખડાપગે હાજર રેહતો. ત્યારે એણે સાબિત કરી બતાવ્યું હતું કે, ધર્મ, જાતિ, ઉંમર ભલે કોઈ પણ કેમ ન હોય…? પણ એની માટે ‘માનવતા’ નો ધર્મ સૌથી ઉપર છે ! એણે એક ભાઈ તરીકે ની એની દરેક ફરજ અદા કરી.

પણ મા ને કદાચ આ વાતનો ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો. એ વધુ બીમાર રેહવા લાગ્યા. અંશુમન આવા સમયે પણ ઓફીસ છોડીને આવવા તૈયાર ન હતા ! અને આખરે બે મહિના બાદ મા એ તેમના અંતિમ શ્વાસ લીધા ! અને મેં મારા જીવનમાંથી ફરી એક વખત મા ની છત્રછાયા ગુમાવી ! પણ મને આઘાત તો ત્યારે લાગ્યો જયારે અંશુમને, મા ના મોત માટે મને જવાબદાર ગણાવી ! એનું કહેવું હતું કે, મેં મા ના અંતિમ દિવસોમાં તેમનો બરાબર ખ્યાલ ન રાખ્યો, એટલે આ બધુ થયું ! માનું છું હું, કે ભૂલ મારી પણ હશે… પણ એણે… એણે શું કર્યું !? દિલ્હીમાં બેસી રહી ફોન પર જ મા ના હાલેવહાલ પૂછ્યા, બસ એટલું જ ને..!?

મા ના મૃત્યુ બાદ અમારા બે વચ્ચે તનાવ વધવા માંડ્યો ! હવે અંશુમન ક્યારેક જ ઘરે આવતો, અને આવતો ત્યારે ઘરે ખુબ ઓછો સમય રોકાતો ! સમય વીતતો ગયો, અને હું ફરી સ્વસ્થ થવા લાગી. થોડા સમય બાદ, મેં અંશુમન ને બીજા સંતાન માટેની વાત કરી… પણ એ તો મારા પર અકળાઈ ઉઠ્યો… અને એણે બીજા સંતાન માટે સાફ ઇનકાર કરી દીધો !

“તારાથી એક સંતાન ની તો કેર થઇ ન શકી, તારા કારણે જ એનું ગર્ભમાં જ મૃત્યુ થઇ ગયું… અને હવે બીજા ની વાત કરે છે !? હું એ માટે તૈયાર નથી…!”, કંઇક આવો એનો જવાબ હતો.

હવે શું એમાં મારી સહેજ પણ ભૂલ હતી !? શું હું એવું ચાહતી હતી કે એ કુમળો જીવ ગર્ભમાં જ મરે..? પણ આપણો આ કહેવતો ‘સમાજ’ એવો છે જ એવો, દરેક બાબત ને ગોળ ફેરવી સ્ત્રી પર લાવીને ઉભી કરી દે છે…! ગમે તે થાય, દોષી તો સ્ત્રી જ હોય છે નહી !?”, એની આંખમાં લાલાશ તરી આવી. એ ખુબ ભયંકર રીતે ગુસ્સે લાગી રહી હતી ! આ જ ગુસ્સો હું એની આંખમાં પહેલા પણ જોઈ ચુક્યો હતો ! ખરેખર, સમાજમાં સ્ત્રીઓ ની જે હાલત હોય છે, એ બાબતે કાંચી ખુબ જ સેન્સીટીવ હતી !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: