Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૦ )

મેં જાણી જોઇને બીજી સિગારેટ ન કાઢી. કારણકે મને ખબર હતી કે એ મને એની સિગારેટ ફૂંકવા આપશે જ… ! અને એ બહાને હું ઇનડાયરેકલી, એને ચુમીશ ! આઈ મીન પેસીવ કિસિંગ ! અને એવું થયું પણ… ! અને બસ એનો એટલો જ સ્પર્શ માત્ર મને રોમાંચિત કરવા માટે પુરતું હતું !

Advertisements

સવારના વહેલા પહોરમાં પ્રખ્યાત બંગાળી ગીત, ‘એકલા ચલો રે…’, ના સુરીલા શબ્દોથી મારી આંખ ખુલી ! કાંચી પલંગ પર ન હતી… અને બાથરૂમ તરફ થી ગીત ગાવવાનો મીઠો અવાજ આવી રહ્યો હતો. કાંચી ગીત ગાઇ રહી હતી. પણ એ એટલું પણ સુરીલું ન હતું… છતાય મોહક હતું ! સાંભળી રેહવું ગમે તેવું હતું… !

હજી હું એના જ વિચારોમાં હતો, અને ત્યાં જ કાંચી રૂમમાં આવી.
એણે મારું જીન્સ પહેરેલું હતું, અને જોડે ઉપર ચેક્સ વાળું શર્ટ… ! કાંચીએ ફરી એક વખત મને પૂછ્યા વગર જ મારા કપડા લઇ લીધા. અને મને એનો વાંધો પણ ન હતો.

કાલે જે કાંચી ને મેં સાડીમાં જોઈ હતી… આજે એ જ કાંચી જીન્સ-શર્ટમાં પણ ખુબ જ જલદ રીતે આકર્ષક લગતી હતી ! એનું માંસલ દેહ, જાણે કોઈ પણ પરિધાનમાં એને સુંદર દર્શાવી શકતું હતું. થોડોક ફોડ પાડતા કહું તો, કાંચી ‘સેક્સી’ લાગી રહી હતી !

“સુંદર…”, મારા થી બોલી જવાયું.
“કંઇ કહ્યું તેં…?”, એણે અજાણ બનતા પૂછ્યું.
“ના…, આઈ મીન હા… ના કંઇ નહી…”, મેં ગોળગોળ જવાબ આપ્યો.
હું સીધો નાહવા ભરાઈ ગયો. અને અહીં કાંચી તેના વાળ સૂકવવામાં અને હળવો મેકઅપ કરવામાં લાગી. તૈયાર થઇ અમે બંને નીચે ઉતર્યા, અને રીસેપ્શન પર ચાવી જમા કરાવી. રીસેપ્શન પરની પેલી છોકરી, એની નાઈટ ડ્યુટી પતાવી, ઘરે જવાની તૈયારી કરી રહી હતી…

“રાત કેવી ગઈ મેડમ…?”, એણે પૂછ્યું.
“ઈટ વોઝ ઓસમ…”, એણે પણ એવો જ નાટકીય અંદાજમાં જવાબ આપ્યો. એમની બંનેની એવી વાતથી હું જરા શરમમાં પડ્યો, અને નીચું જોઈ ગયો !

બહાર નીકળતા એણે કહ્યું, “કારની ચાવી લાવ, આજે હું કાર ચલાવીશ…”
“ના, હું ચલાવી લઈશ…”
“હું તારા પર ઉપકાર કરવા નથી ચલાવતી… મને ચલાવવાનું મન થયું છે એટલે ચાવી જોઈએ છે ! ચાલ, ચાવી દે…”

“જી મેડમ…”, કહી હું હસી પડ્યો, અને એણે ચાવી લઇ, કાર અનલોક કરી, અંદર ગોઠવાઈ.
એ સારી એવી રીતે કાર ચલાવી રહી હતી. કદાચ મારાથી પણ સારી !
“કાંચી, જરા ધીરે ચલાવ…”, મેં એને ટોકતા કહ્યું.
“કેમ? રફતારથી બીક લાગે છે…?”, એણે મજાક કરતા કહ્યું.
“હા…”
“તો જનાબ ડરવાનું બંધ કરો… ! ક્યારેક આ જિંદગી એવી રફતાર પકડશે ને, કે એકધારી દોડાવી રાખી, એકાએક પટકી મારશે… !”
“કાંચી, તારી ફિલોસોફી બંધ કર…”
“આ ફિલોસોફી નથી જનાબ ! આ તો અનુભવ બોલે છે !”
“શું મતલબ… !?”
“એ કહું તને પછી… હમણાં મને કારની મજા લેવા દે જરા…”, કહી એણે એક્સીલેટર પર વધુ જોર આપ્યું, અને સ્પીડ વધારી.

હું બારી બહાર જોઈ જોઈ રહ્યો. ઝડપના કારણે પળભરમાં બહાર દેખાતા ઝાડ આંખો સામેથી પસાર થઇ દુર થઇ જતા. એમ જ જેમ, કાંચી રફતારની વાત કરી રહી હતી !

“કાંચી પછી શું થયું…?”, મેં અચાનક એને પૂછ્યું.
“શું…? શેનું શું થયું…?”, એણે રોડ પર નજરો રાખી મને પૂછ્યું.
“તારું…! એ પછી તારું શું થયું…? મારો મતલબ કે, ઇશાન ના ગયા બાદ, આગળ શું થયું…?”
હવે એને અંદાજો આવ્યો કે, હું એને ગઈકાલ ની વાતના સંદર્ભે પ્રશ્ન કરી રહ્યો હતો. એ સહેજ નીરસતા થી મારી તરફ જોઈ રહી.

“હા, કહું છું…”
થોડીકવાર કંઇક વિચાર કર્યા બાદ એણે ચેહરા પર સહેજ ગંભીર ભાવ લાવી બોલવાનું શરુ કર્યું,
“ઇશાન ના ગયા બાદ, પણ મેં જીવવાનું ન છોડ્યું ! કારણકે કોઈ એક વ્યક્તિના જવાથી હું મારી આખી જિંદગી માં નીરસતા લાવી દઉં, એમાંની હું છું જ નહિ ! હા, ઇશાન ના ગયા બાદ, એક ખાલીપો જરૂર આવ્યો હતો. પણ એ થવા પાછળ પણ કંઇક કારણ હશે એમ માની હું આગળ વધી !

ત્યારબાદ બાબાની નોકરી બદલાઈ ગઈ, અને અમે પટના છોડ્યું.
હવે ફરી એક નવું શહેર અને ફરી એક નવી શરૂઆત !
એ સમય દરમ્યાન મને મારા સૌથી પ્રિય મિત્રો મળ્યા. પુસ્તકો ! લગભગ હું એમાં ઓતપ્રોત જ થઇ ગઈ હતી ! મરાઠી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, દરેક ભાષા હું વાંચતી ! પુસ્તકોને વાંચી લઇ, એમાંથી મને મુંજવતા પ્રશ્નો શોધવા મથતી. અને એના કારણે આજે હું તારી સાથે અહીં છું, અને તને મારી વાત કરી રહી છું, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક પુસ્તકો જ જવાબદાર છે !

હજી હું તને મારી વાત લખવાનો મોકો આપીશ કે નહી નથી ખબર… આખી વાત જાણ્યા પછી તું લખીશ પણ કે કેમ? એ પણ નથી ખબર ! પણ કદાચ ક્યાંક પોતાના સવાલોના જવાબ શોધવા મથતી કોઈક કાંચીને મારી વાતમાં એનો જવાબ મળે… તો બસ મારું જીવ્યું સફળ થાય !

“જો તું હા, પાડે તો હું ચોક્કસ લખીશ જ… એટલે જ તો હું અહીં છું !”, મેં ટાપસી પુરાવતા કહ્યું.
“હોલ્ડ ઓન, મી.રાઈટર… આખી વાત જાણ્યા બાદ તું તારો વિચાર બદલી પણ લે…”
“એ પછી જોયું જશે… ! હમણાં તું આગળ ચલાવ… પછી શું થયું…?”
“…. હું વાંચવામાં વધુને વધુ સમય વિતાવવા લાગી. અને એમ જ લગભગ બે વર્ષ વીતી ગયા. હું હવે કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશવાની હતી. બાબા મને કંઇક સારી લાઈનમાં ભણાવવા માંગતા હતા. પણ હું ‘બી.એ. વિથ ઈંગ્લીશ’ કરી, સિમ્પલ ગ્રેજ્યુએટ થવા માંગતી હતી !

બેશક, મારી મહત્વકાંક્ષાઓ ઓછી તો નહોતી જ ! પણ મને અંગ્રેજી સાથે એક અજાણ્યો લગાવ મહેસુસ થતો હતો. કારણકે ઈશાનને અંગ્રેજી ખુબ ગમતું હતું ! હું ઈશાનને તો પાછળ છોડી જ ચુકી હતી… પણ ઇશાન મને છોડતો ન હતો !

હું બી.એ સાથે ગ્રેજ્યુએટ થઇ ! ત્યાર બાદ બાબાની ઈચ્છા હતી કે હું કોઈક સામાન્ય ઓફિસમાં કોઈક સામાન્ય ક્લાર્ક ની નોકરી કરું… અને તેમણે તો મને એકાદ વર્ષ બાદ પરણાવવા સુધી ના પ્લાન બનાવી રાખ્યા હતા !

પણ હું !? કયારેય કોઈ નું ધાર્યું નથી કર્યું ! જે મને ગમ્યું એ જ કર્યું છે ! મેં બાબાને, ‘એવિએશન’ માં જોડાઈ જઈ એરહોસ્ટેસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી !

શરૂઆતમાં તેમણે થોડો વિરોધ પણ કર્યો. પણ આખરે હતા તો બાબા જ ને… તેમની કાંચીની ઈચ્છા પૂરી કર્યા વગર કેમ ના રહે… !

અને તેઓ માની ગયા. હું એવિએશન કોર્સ માટે દિલ્હી આવી. એ એક વર્ષ ના કોર્સમાં પણ હું લોકો પાસે ઘણું શીખી. મને મારા શ્યામવર્ણ માટે પણ ક્યારેક નીચી બતાવાતી, અને ત્યાંથી જ મને મારા શ્યામ રંગ માટે માન થવાનું શરુ થયું ! કેમ એક શ્યામ છોકરી એરહોસ્ટેસ ના હોઈ શકે…? એ પ્રોફેશન માત્ર સુંદર, ગોરી છોકરીઓ માટે થોડી છે ?

એન્ડ આફ્ટરઓલ, સ્કીલ્સ પણ કંઇક મહત્વ ધરાવે છે કે નહી..? માત્ર ગોરા હોવાથી, અને બનાવટી સ્મિત ચિપકાવી રાખવાથી કઈ ન વળે ! પ્લેનમાં ઈમરજન્સી ના સમયે એ સોંદર્ય, કે બનાવટી સ્મિતથી કામ નથી ચાલતું… ત્યારે સ્કીલ્સ ની જરૂર હોય છે !”

કાંચી ના ચેહરા પર એક અલગ જ નુર હતું. પોતાની જાત પર કોઈ કેટલું કોન્ફીડેંટ હોઈ શકે, એ કાંચીએ મને સમજાવી દીધું હતું !

“પછી…?”
“તું આ ‘પછી… પછી’ , પૂછવાનું બંધ કર હોં…? એમાં તું જાણે વાર્તા સાંભળતો નાનો છોકરો અને હું જાણે વાર્તા કહેતી વૃદ્ધ દાદી લાગુ છું…”, એ હસી પડી.

“મને ગમે છે… તને પૂછતા રેહવાનું. હું પુછુ અને તું જવાબ આપે, એની મજા જ કંઇક અલગ છે નહી… !?”
“પણ એક દિવસ એવો પણ આવશે, જયારે તું પૂછીશ, ‘પછી?’, અને હું કોઈ જવાબ નહિ આપું…”
“આવી ઉદાસ વાતો કેમ કરે છે…, તું વાતને અવળે પાટે ચઢાવતા ખુબ સારી રીતે કરી જાણે છે… !”, કહેતા મેં મોં બગાડ્યું.

“ચાલ હવે મોં ના ફુલાવ, કહું છું આગળ !”
“પછી મેં એ કોર્સ બાદ, ઈન્ટરવ્યું આપવાના ચાલુ કર્યા. એવિએશન ના ફિલ્ડમાં જેટલી જલ્દી ઈન્ટરવ્યું ક્લીયર કરી શકો, એટલી જલ્દી તમને નોકરીના ચાન્સ મળી જાય. કોઈક 26 વર્ષની ઉમર સુધી પણ એ નથી કરી શકતા. અને મેં 23મેં વર્ષે જ નોકરી મેળવી લીધી ! એ પણ ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં ! એર ઇન્ડિયામાં !”

હું એને આંખો ફાડીને જોઈ રહ્યો. નક્કી આમાં કંઇક તો એવું ખાસ હતું જ… !
હવે આગળ શું થશે એ જાણવા હું આતુર બન્યો, પણ એણે ગાડી હાઇવે પર સાઇડમાં લગાવી દઈ, સિગારેટ માંગી.

મેં જાણી જોઇને બીજી સિગારેટ ન કાઢી. કારણકે મને ખબર હતી કે એ મને એની સિગારેટ ફૂંકવા આપશે જ… ! અને એ બહાને હું ઇનડાયરેકલી, એને ચુમીશ ! આઈ મીન પેસીવ કિસિંગ ! અને એવું થયું પણ… ! અને બસ એનો એટલો જ સ્પર્શ માત્ર મને રોમાંચિત કરવા માટે પુરતું હતું !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: