કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨૧ )

હું મારી રોજની દિનચર્યામાં વ્યસ્ત હોવા છતાં, કાંચીના વિચારોમાં ગળાડૂબ રેહતો હતો ! એના પત્ર અથવા ફોન આવવાની રાહ જોતો હતો. એમ જ એક અઠવાડિયું વીતી ગયું… એક અઠવાડિયા બાદ, મી.બંસલે એક સારા સમાચાર આપ્યા, કે ‘કાંચી સિંઘ’ ના વેચાણ ના આંકડા વધુને વધુ ઉપર જઈ રહ્યા હતા…! અને એથી વિશેષ, લોકોને વાર્તા પસંદ પડી રહી હતી !’ અને આ ખરેખર એક સારા સમાચાર હતા.

કેટલાય લોકો મને પાત્ર કાંચી ની ‘સિંઘ’ અટક વિશે પૂછતા… અને હું હસી પડતો ! એ દરેક એવો તર્ક લગાવતા, કે અભિમન્યુ અને કાંચી, બંનેની સરનેમ ‘સિંઘ’ કઈ રીતે !? ક્યારેક તો હું પણ વિચારમાં પડી જતો, કે શા માટે મેં ‘કાંચી બેનર્જી’ ને ‘કાંચી સિંઘ’ બનાવી ? પણ એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો.

દિવસો વિતતા તેમ મારી અધીરાઈ વધતી….! પણ આખરે, મારી એ અધીરાઈ નો પણ અંત આવ્યો ! કાંચીના ગયાના બે અઠવાડિયા બાદ એક સવારે મને તેનો પત્ર આવ્યો. મેં અધીરાઈ થી એ પત્ર ખોલ્યો, અને વાંચવાનો શરુ કર્યો.

પત્ર પર તારીખ બે દિવસ પહેલાની મારેલી હતી, અને ‘ડીયર અભી’ થી મારું સંબોધન કરેલ હતું….!
આગળ લખ્યું હતું કે…

“અભી… મેં જેમ કહ્યું હતું કે તને આખરી સમયે યાદ કરીશ… અને હકથી મળવા પણ બોલાવીશ ! તો બસ એટલે જ હું આજે તને આ પત્ર લખી રહી છું ! મુંબઈથી પાછા ફર્યા બાદ, મારી તબિયત નરમ રેહવા લાગી, અને વધારે પડતી ગંભીર થઇ ગઈ ! હવે મારો અંત પણ ઘણો નજીક છે…! વિક્નેસના કારણે વધુ નહિ લખી શકું ! બસ પત્ર મળ્યે જલ્દી મળવા આવજે ! – તારી કાંચી….

એ પત્ર વાંચતાની સાથે હું એક ધબકાર ચુકી ગયો !
શું આ સાચે જ કાંચી નો આખરી પત્ર હતો… !? એ વિચાર સાથે જ મારી આંખનો ખૂણો ભીનો થઇ આવ્યો… મેં વારંવાર પત્રમાંનો દરેક શબ્દ વાંચી લીધો ! અને અંતે શું થયું..? ખૂણે અટકી પડેલું આંસુ વહીને પત્ર પર પડ્યું !

પત્રની પાછળની બાજુએ કાંચી નું સરનામું લખેલ હતું ! ‘પત્ર મળ્યે જલ્દી મળવા આવજે…!’, કાંચી ના લખેલા એ શબ્દો આંખો સામે ફરવા માંડ્યા !

હું તરત ઉભો થઇ, બેગ લઇ કપડા ભરી એરપોર્ટ જવા નીકળ્યો. એરપોર્ટ પંહોચી, મેં મી.બંસલ ને ફોન જોડ્યો…

“મી.બંસલ, હું કોલકત્તા જાઉં છું !”
“અરે પણ અચાનક કેમ…?”
“થોડું અરજન્ટ કામ છે…!”
“પણ આજે એક જગ્યાએ બુક્સ આપવા જવાનું હતું, ત્યાં તારે નાનકડો ઈન્ટરવ્યું પણ છે… એનું શું…?”
“મી.બંસલ, ઈન્ટરવ્યું ફરી થઇ જશે… પણ…,” મારા ગળે ડૂમો બાજી આવ્યો, “… બસ મારે જવું પડે તેમ છે ! હું પછી આવીને તમને મળું…!”

“ભલે દીકરા… તું જઈ આવ…!”
લગભગ અડધા કલાક બાદ મુંબઈથી કોલકત્તા જવાની ફ્લાઈટ હતી.
એ અડધો કલાક મારી માટે જાણે એક અડધી સદી વિતાવવા જેવું લાગતું હતું ! આખરે અડધા કલાકના ઈન્તેજાર બાદ, ફ્લાઈટ બોર્ડ થઇ. અને કોલકત્તા જવા ટેક-ઓફ થઇ.

લગભગ બે કલાકે ફ્લાઈટ કોલકત્તા એરપોર્ટ પર લેન્ડ થઇ. અને હું તરત બહારની તરફ ધસ્યો. જલ્દીથી એક ટેક્ષી પકડી, અને તેને પત્ર પાછળનું સરનામું વાંચી સંભળાવ્યું. ડ્રાઈવરે એ દિશામાં ટેક્ષી ભગાવવા માંડી.

‘કાંચી ખરેખર બહુ ગંભીર હશે? એ મારી જોડે શું વાત કરશે…? શું આ અમારી આખરી મુલાકાત હશે…?’, મનમાં પ્રશ્નો નું વાવાઝોડું ઉઠ્યું !

લગભગ બીજા અડધા કલાકે, હું કાંચીના ઘરે પંહોચી શક્યો. મેં ટેક્ષી નું પેમેન્ટ કર્યું, અને એ ગલીમાં ચાલવા માંડ્યો. એ ગલી તો આમ સજ્જનનો નો જ રેહવાસ લાગતી હતી. એ ઉપરાંત થોડાક ગરીબ બાળકો પણ ત્યાં નજરે ચઢતા હતા ! ક્યાંક મા દુર્ગાની મૂર્તિઓ બની રહી હતી, તો ક્યાંક કોઈક ઘરનું નવું રંગરોગાણ થઇ રહ્યું હતું. કેટલીક સ્ત્રીઓ બંગાળી સાડીમાં ફરતી દેખાતી, તો કેટલાક પુરુષો બંગાળી પહેરવેશમાં નજરે ચઢતા !

“મેડમ… યહાં ‘કાંચી બેનર્જી’ કા ઘર કોનસા હૈ…?”, મેં એક બંગાળી સ્ત્રીને પૂછ્યું.
એણે મને ઉપરથી નીચે સુધી જોઈ લીધો, અને કહ્યું… “બાબુ બહાર સે આયે હો ક્યા…!?”
“જી હા, મુંબઈ સે…”
“કાંચી સે ક્યા કામ હૈ…?”
“જી દોસ્ત વો મેરી હૈ ! ઉસીસે મિલને આયા હું…!”
“ઠીક હૈ… ઉન્હા કોને મેં જો લાલ રંગ કા મકાન દેખ રહે હો…, જિસકે બહાર પંડાલ બંધા હુઆ હૈ…! વહી ઉન્હી કા ઘર હે…, અગર મિલ સકો તો મિલ લો…!”, કહી એ ચાલી નીકળી.

‘મિલ સકો તો મિલ લો…!’, એનો શું મતલબ હોઈ શકે? આખરે કાંચીએ જ મને બોલાવ્યો છે, એ મને મળે કેમ નહી…!?

હું એ ઘર નજીક પંહોચ્યો. બહાર મોટો મંડપ બાંધેલ હતો. મેં બહાર નો ગેટ ખોલ્યો, અને આંગણામાં પ્રવેશ્યો ! આંગણામાં ઘણા બધા પગરખાં પડ્યા હતા… એ જોઈ, ‘કાંચી ની ખબર કાઢવા આવ્યા હશે…’, એવું અનુમાન કર્યું. અંદર નો દરવાજો ખુલ્લો જોઈ, હું સીધો અંદર પ્રવેશ્યો, અને ‘કાંચી’ ના નામ ની બુમ પાડવા લાગ્યો !

અંદર એક મોટો દિવાન ખંડ હતો… અને લગભગ ટોળાઓની સંખ્યામાં લોકો એકઠાં થયેલા હતા ! અને છતાંય ત્યાં એકદમ શાંતિ વ્યાપેલી હતી ! ડર લાગી જાય એવી શાંતિ ! એ ભંયકર શાંતિમાં માત્ર મારો જ એક અવાજ આવતો હતો… ‘કાંચી ! કાંચી ! અને બસ કાંચી !’

મને બુમ પાડતો જોઈ, બધા મને પ્રશ્નાર્થ નજરોએ જોઈ રહ્યા. મેં કોઈની પણ પરવાનગી લીધા વિના જ અંદર પ્રવેશ કરી લીધો !

અંદર એક વૃદ્ધ પુરુષ કંઇક આરતી પૂજા જેવું કંઇક કરી રહ્યો હતો. એ કદાચ કાંચીના બાબા હતાં ! એમની પીઠ મારી તરફ હતી. હું બારણે જ ઉભો રહી એના ફરવાની રાહ જોતો રહ્યો !

થોડીવારે એ મારી તરફ ફર્યો, અને મેં તરત જ એમને પૂછ્યું… “બાબા કાંચી કહાં હૈ…? મેં ઉસીસે મિલને આયા હું ?”

બધા મને એમ જોઈ રહ્યા, જાણે કોઈ ભૂત ન જોઈ લીધું હોય !? અને ત્યારબાદ, મારા પણ આગળના શબ્દો ગળામાં જ રહી ગયા !

એ માણસ જેની પર અગરબત્તી કરી રહ્યો હતો, એ કોઈ ભગવાન નો ફોટો ન હતો. ત્યાં કાંચી નો ફોટો હતો ! અને ઉપર સુખડ નો હાર પણ ચઢાવેલ હતો ! ઘડીભર હું સુન્ન થઇ ગયો ! એ જ ફોટાની બાજુમાં નાનકડી માટલી પડી હતી, અને ઉપર લાલ કપડું બાંધેલ હતું !

મારી વાત સાંભળી, બુદ્ધ ની આંખ ભીની થઇ ચુકી હતી. મેં એના ઘાવ પર ડામ આપ્યા હતા. “બેટા કાંચી તો અબ નહિ રહી…!”

મારા હાથમાંથી બેગ છુટી ગયું, હું લગભગ ત્યાં જ ઢગલો થઇ બેસી ગયો ! લોકોએ આવીને મને ઉભો કર્યો, અને નજીકમાં મુકેલા સોફા પર બેસાડ્યો.

“બાબા… કાંચી ! ક્યારે…!?”, મેં તેના બાબાને જોઇને પૂછ્યું.
“આપ તો વહી હોના…? ફેમસ ઈંગ્લીશ રાઈટર અભિમન્યુ સિંઘ !?”, ત્યાં હાજર લોકોએ મને પૂછવા માંડ્યું.

મેં કોઈ જવાબ ન આપ્યો.
“કયારે થયું આ બધું…!?”, મેં બાબાને પૂછ્યું.
“બે દિવસ પર… બહુ બીમાર હતી !”, ટોળામાંથી કોઈએ જવાબ આપ્યો.
“પણ બે દિવસ પહેલા નો પત્ર મને આજે મળ્યો… અને હું દોડી આવ્યો ! અને આવ્યો ત્યારે કાંચી જ નથી… બાબા કાંચી ક્યાં છે? એ નક્કી મારી સાથે મજાક કરે છે… એને કહો, મને આ વાત બિલકુલ નથી પસંદ !”

“દીકરા કાંચી, હવે નથી રહી. તું વાત ને સમજ !”, આખરે બાબા બોલ્યાં, “ચાલ, આપણે અંદર ચાલીને વાત કરીએ…”, કહી તેમણે મને એક રૂમ તરફ દોર્યો.

અમે તેમના ઘરના એક રૂમમાં પ્રવેશ્યાં ! રૂમ આખો કાંચીના ફોટાઓથી અને તેની જ વસ્તુઓથી ભરાયેલો હતો ! લાગી રહ્યું હતું, જાણે હમણાં જ થોડીવાર પહેલા કાંચી આ રૂમમાં આવીને ગઈ હોય ! હજી એ રૂમમાં કાંચીના શ્વાસ ની મહેક હતી !

“પણ તું આમ જઈ જ કઈ રીતે શકે…? તેં મને વચન આપ્યું હતું, કે મરતી વખતે મને ચોક્કસ યાદ કરીશ…”, મેં કાંચીના એક ફોટા તરફ જોઈ રેહતા સહેજ ગુસ્સામાં કહ્યું.

“કાંચી એ તેનું વચન પાડ્યું જ છે બેટા ! મરતી વખતે એના મોઢા પર ઇશાન, અંશુમન, બાબા, કે ચાંદ ના નામ નહોતા. બસ એક નામ હતું… અભી ! અને તને ખબર છે, પથારીમાં પડી પડી, એક જ ગીત ગણગણતી… ‘અભી ના જાઓ છોડ કર…”, કહેતા બાબા રડી પડ્યા !

હું તેમને શાંત પાડવા માંગતો હતો… પણ હું પોતે પણ રડી રહ્યો હતો !
થોડીવારે એ સ્વસ્થ થયા, અને બોલ્યા… “દીકરા, તને ખબર છે…? જયારે તું એને કોલકત્તા સુધી મૂકી ગયો, અને ત્યાર પછી એણે મને તેની બીમારી વિષે વાત કરી ! એ ક્ષણે હું જાણે તૂટી જ પડ્યો હતો… પણ એ દિવસ બાદ, મેં કાંચીની નજરોમાં કંઇક અલગ જોયું હતું… અને એને મોઢા પર જ કહી દીધું હતું, ‘કાંચી ! તું ફરી એકવખત પ્રેમ કરીને આવી છે…!’

અને એણે શું કહ્યું ખબર… ‘બાબા, પ્રેમ બાબતે હું હમેશાં અનલકી રહી છું ! અને આ વખતે તો જુઓને… જયારે મારી પાસે સમય પણ નથી બચ્યો… ત્યારે જ મને પ્રેમ થઇ ગયો !’

મારી આંખો સતત વહી રહી હતી. એ પણ મને પ્રેમ કરતી હતી, અને હું પણ ! પણ અફસોસ, બંનેમાંથી કોઈ પણ એકબીજા ને કહી પણ ન શક્યા !

બાબા ઉભા થયા, અને કબાટ ખોલી પુસ્તકો લઇ આવ્યા. એ દરેક મારા લખેલા પુસ્તકો જ હતા ! “અભી, કાંચી ની કોઈ નિશાની જો હું તને આપી શકું… તો એ બસ આ જ છે ! એના છેલ્લા સમયના સાથીદારો… એના છેલ્લા મિત્રો ! જે એની રાતોની ઉજાગરાના સાક્ષી બન્યા છે… એણે તારી ‘કાંચી’ બુક, નહી નહી તો 5-7 વાર વાંચી હતી… અને કહેતી, ‘બાબા… મને ખુદને વાંચવું ગમે છે…!”

મેં એ પુસ્તકો હાથમાં લીધાં, અને અચાનક જ એમાંથી બે ફોટા સરકીને બહાર આવી ગયા. એમાં એક કાંચીનો ફોટો હતો, અને બીજો મારો ! જે તેણે પોતે સફર દરમ્યાન લીધો હતો. અને એની પાછળ લીપ્સ્ટીક ઉપસી આવી હતી, જે દર્શાવતું હતું, કે એ મારા ફોટા ને ચુમતી હતી !

મેં કાંચી નો ફોટો હાથમાં લીધો, અને જાણે કંચીને જ પૂછતો હોઉં, એમ પૂછ્યું, “કાંચી… પછી શું થયું…?”

પણ હવે કાંચી હતી જ ક્યાં, જે મારા આ, ‘પછી શું થયું?’, નો જવાબ આપે !
એ પુસ્તકો અને કાંચીના થોડાક ફોટાઓ સાથે મેં બાબાથી વિદાય લીધી ! અલબત્ત તેમણે મને રોકાઇ જવાનો આગ્રહ પણ કર્યો…, પણ હવે કોની માટે રોકાવું…? એ માટે કારણ પણ તો હોવું જોઈએ ને…? કાંચી હોવી જોઈએ ને…?

એરપોર્ટ તરફ જતાં જતાં હું કોલકત્તા ને જોઈ રહ્યો… કાંચી વિનાના કોલકત્તા ને…! તેણે કહ્યું પણ હતું, ‘કે તું કોલકત્તા આવીશ, અને હું જ નહી હોઉં તો…? તને કોલકત્તા કોણ ફેરવશે…?’
મારા કાનોમાં કાંચી નું હાસ્ય ગુંજતું રહ્યું. અને હા, કાંચી એ તો સફરની શરૂઆત કરતા પહેલા એમ પણ કહ્યું હતું… ‘તું આ સફર માટે પસ્તાઇશ….!’

અને હું પાછા ફરતી વખતે ખરેખર પસ્તાઈ રહ્યો હતો… ના હું એ સફર કરતો… ના હું કાંચીના પ્રેમમાં પડતો ! આ પસ્તાવો જ હતો… કાંચી ના પ્રેમ નો પસ્તાવો !

[સમાપ્ત…]

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.