કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૭ )

કાંચી ના ગયા બાદ પણ, કેટલીય વાર સુધી હું એના ગયાની દિશામાં જોઈ રહ્યો ! થોડીવારે આંખમાં આવેલ આંસુ પણ સુકાઈ ગયા, અને હું સ્વસ્થ થયો. મેં ત્યાંથી જ મી.બંસલ ને ફોન જોડ્યો….

“હલ્લો… મી.બંસલ…!”
“હવે ટાઇમ મળ્યો તને ફોન કરવાનો…?”, સામેથી તેમણે મને ટેડ્કાવતા કહ્યું.
“હમણાં એ બધું છોડો… પહેલા તમે એમ કહો, કોલકત્તામાં કોઈ એવું ઓળખાણ વાળું ખરું, જે મારી કાર મુંબઈ સુધી લઇ આવે !?”

“તું કોલકત્તામાં છે…!?”
“હા… અને મને નવી સ્ટોરી મળી ગઈ છે ! અને એનું ડિસ્કશન કરવા, હું ફ્લાઈટમાં મુંબઈ આવવા રવાનો થવાનો છું. એટલે અહીંથી કોઈ કાર લઇ આવે, એનું કંઇક કરી આપો…”
“ઓકે… મારી ઓળખાણમાં એક બે જણ છે ત્યાં ! હું એમને વાત કરું છું…”
“ઓકે. થેન્ક્સ…”, કહી મેં ફોન મુક્યો.

બપોરે જમવા માટે રોકાયા ન હોવાથી, હમણાં પેટમાં ઉંદરડા દોડી રહ્યા હતા ! હું નજીકની હોટલમાં જમવા માટે ગયો. મને કાંચી જ યાદ આવતી રહી, તેની સાથે જમેલી વાનગીઓ અને એના સ્વાદ જ કંઇક અલગ હતા ! અને એ વિચારોની સાથે સાથે, જમતા-જમતા જ મને એક બે કોલ આવ્યા, જે મી.બંસલ ને વાત કરી, એ સંદર્ભે હતા.

મેં એક ને એડ્રેસ આપ્યો, અને એક માણસ કાર લેવા એ જગ્યાએ આવ્યો. એણે જ મને એરપોર્ટ પર ડ્રોપ કર્યો, અને મુંબઈ જતી ફ્લાઈટ ની ટીકીટ લઇ, બે કલાકમાં મુંબઈ આવ્યો !

મુંબઈ એરપોર્ટથી ટેક્સી કરી, સીધો મી.બંસલ ની ઓફીસ જઈ ચડ્યો !
આખો ઓફીસ સ્ટાફ જઈ ચુક્યો હતો. પણ એક પટાવાળો મી.બંસલ ની જવાની રાહ જોતો બેસી રહ્યો હતો. મી.બંસલ ને મોડા સુધી કામ કરવાની આદત હતી. એ અવારનવાર કેહતા, કે એમનાથી ઓફીસ ના કલાકો સિવાય ના સમયમાં સારી રીતે કામ થાય છે ! અને એમના એવા લોજીક પાછળ બિચારા પટાવાળા ને બેસી રેહવું પડતું.

મને જોઈ પટાવાળાએ સલામી ભરી, મેં એક સ્મિત આપ્યું અને ઇશારાથી પૂછ્યું, કે ‘મી.બંસલ ક્યાં ?’ તેણે આંગળીથી તેમના કેબીન તરફ ઈશારો કર્યો, અને લગભગ હું એ તરફ રીતસરનો ધસ્યો.

“મી.બંસલ…”, દરવાજો ખોલતા હું બોલ્યો. હું સહેજ હાંફી રહ્યો હોઉં એમ લાગતું હતું. અને એ જોઈ તેઓ બોલ્યા…

“હોલ્ડ ઓન માય બોય, હોલ્ડ ઓન…, લે પાણી પી… અને શાંતિ થી બેસ. ત્યાં સુધી હું આ જરા કામ પતાવી લઉં…!”

મેં પાણી પીધું, અને ખુરસીમાં ગોઠવાયો. હું જયારે પણ તેમની ઓફિસમાં આવતો, મને એ ઘણી આકર્ષક લાગતી ! મોટું મેઈન ટેબલ, તેની પર લેપટોપ અને બાજુમાં ફાઈલ ના ઢગલા, પાછળ તેમના મેગેઝીન અને એને તેમના પબ્લીકેશન હાઉસ ને મળેલા, સર્ટિફિકેટસ અને એવોર્ડસ ! બાજુની દીવાલે મોર્ડન આર્ટ ના નામે કોઈક તૈલી ચિત્ર, જેણે જેટલી પણ વાર જોઉં, કશી ખબર તો ન જ પડે, પણ આકર્ષક લાગે !

હું તેમના કેબીન નું નિરીક્ષણ કરતો બેસી રહ્યો. અને મી.બંસલ કોઈક કામમાં પડ્યા, કાગળો સાથે રમત કરી રહ્યા હતા.

“હા, તો બોલ હવે… શું કહેતો હતો વાર્તા વિષે…?”, તેમણે કામ આટોપતા કહ્યું.
“મી.બંસલ, મને નવી સ્ટોરી મળી ગઈ છે… !”
“ઓહ, ધેટ્સ ગ્રેટ…, અને એ શેના વિષે છે, એ તો જણાવ…!?”
“એક છોકરી ની વાત છે એમાં…!”
“લવસ્ટોરી છે..!?”, તેમણે ઉત્સાહિત થતા પૂછ્યું.
“હા… મતલબ ના…”
“અરે હા કે ના…?”
“હા છે… પણ અધુરી છે…”
“ગ્રેટ તો તો ચાલશે…”
“સ્ટોરીમાં બીજું શું છે…!?”
“ઘણું બધું છે સર…”, અને મેં તેમને કાંચી વિશે ઉપર ઉપરથી વાત કરવાની શરુ કરી.
“ના… ના… આ શક્ય જ નથી…!”, મારી વાત સાંભળ્યા બાદ તેમણે કહ્યું, અને બોલ્યા…, “આટલા બધા દિવસો બાદ તું મને ‘આ’ સ્ટોરી આપે છે…? ‘આવી’..? આ હું કોઈ કાળે ન છાપું….”

“બટ, સર ઇટ્સ અ રીયલ સ્ટોરી ! એક એવી સ્ટોરી, જેનાથી લોકો પોતાને જોડી શકે…!”
“બટ આવી સ્ટોરી..? આ નહી ચાલે દોસ્ત… ના, એટલે ના…!”
“તમે ના પાડશો તો હું કોઈ અન્ય પ્રકાશક પાસે જઈશ…!”, મેં અંતિમ પત્તું ફેંકતો હોઉં એમ બોલ્યો !
તે છતા એ કઈ ન બોલ્યા, અને હું પણ ત્યાં જ બેસી રહ્યો !

“આ સાચે રીયલ સ્ટોરી છે…!?”, થોડીકવાર વિચારીને તેમણે પૂછ્યું. હવે તેમને પણ મારી વાતમાં રસ પડી રહ્યો હતો !

“યસ સર… આખે આખી સ્ટોરી રીયલ છે…!”, મેં ઉત્સાહ માં આવી કહ્યું.
“પણ મન નથી માનતું… આ સ્ટોરી ફ્લોપ જાય, તો મારા પબ્લીકેશન નું નામ પણ ડૂબે…!”
“કાકા, તમે મારા શબ્દો પર વિશ્વાસ મુકો…”, મેં છેલ્લે તેમને કાકા નું સંબોધન કરી, વાત સમજાવવાનો પ્રયાસ કર્યો !, “તમે મને એક વખત ગ્રીન સિગ્નલ તો આપો…. હું લખી લઉં, પછી તમે નક્કી કરજો કે તમારે એને છાપવી છે કે નહિ…!”

“મને તારા શબ્દોમાં વિશ્વાસ છે દીકરા ! તું તારે આગળ વધ… પણ આખરી નિર્ણય હું જ લઈશ !”
“થેંક યુ મી.બંસલ !”
“એ બધુ તો ઠીક… પણ તારી પાસે વધારે સમય નથી… એ તો તને ખબર છે ને…!?”
“મી.બંસલ, આ વાર્તા તમે ધારી નહી હોય, એથી પણ વધુ ઝડપથી હું પૂરી કરીશ ! અને એ પણ વિથ ક્વોલીટી ! કારણકે, આ વાર્તા હું જાતે જીવ્યો છું… અને એથી પણ વિશેષ વાત…, મારે પણ કોઈ ‘એક ખાસને’ આ વાર્તા વંચાવવાની ઉતાવળ છે…!”, કહી હું કેબીન બહાર નીકળી ગયો.

મી.બંસલ ની ઓફીસ છોડી, હું તરત મુંબઈના દરિયા પર પંહોચી ગયો. લગભગ બે કલાક સુધી હું ત્યાં જ બેસી રહ્યો ! અને દરિયા નો આભાર માનતો રહ્યો… એના જ કારણે હું મુસાફરી જવા નીકળ્યો, અને કાંચી ને મળી શક્યો !

એ રાત.. ! એ રાત્રે મને ઊંઘ જ ન આવી શકી ! આખી રાત કાંચી ની વાર્તા જ દિમાગમાં ઘૂમતી રહી. અને મને સમજાઇ ગયું, કે આ એવી વાર્તા છે, જે જ્યાં સુધી કાગળ પર નહિ ઉતરે ત્યાં સુધી મને શાંતિ થી સુવા પણ નહિ દે ! અને હું એ માટે ઘણો ખુશ હતો… આખરે ઘણા સમય બાદ, ઊંઘ ઉડાવી મુકે એવું કનટેન્ટ મને મળ્યું હતું !

આખી રાત કાંચી ના વિચારો કર્યા બાદ, આખરે સવાર પડી. અને મેં તરત લીના ને ફોન જોડી ને કહી દીધું, કે આવતા એક મહિના સુધી મારી કોઈ અપોઈન્ટમેન્ટ, ઈન્ટરવ્યું, કે કોઈ પણ પ્રકાર નો સેમીનાર ન ગોઠવે ! કારણકે, હવે હું કાંચી ની વાર્તા પાછળ મચી પડવા માંગતો હતો !
કાંચી ના જતા પહેલા એને મારા શબ્દો થી એક નાનકડી ભેટ આપવી હતી ! અને શબ્દો રૂપે આપેલી ભેટ અમર બની જતી હોય છે… !

એ જ દિવસથી મેં એ સ્ટોરી પર કામ કરવાનું શરુ કરી દીધું ! મુખ્ય પાત્ર ‘કાંચી બેનર્જી’ નું નામ બદલીને, ‘કાંચી સિંઘ’ કરી નાખ્યું… અને બાકીના પાત્રોના એના એ જ રેહવા દીધા !

હું લગભગ આખો દિવસ ‘કાંચી’ ને જ લખતો, મોડી રાત સુધી લખતો, ક્યારેય કાગળ પેન લઇ ધાબે ચઢીને લખતો, તો ક્યારેક દરિયા કિનારે બેસીને લખતો ! હું જેમ જેમ લખતો જતો, એમ એમ કાંચીમાં ઓતપ્રોત થતો જતો ! ક્યારેક કાંચીના વિચારો લખવા પરથી મન ભટકાવી જતા, અને એના વિચારોમાં મારા કલાકો બગડી જતાં… પણ એની પણ એક અલગ જ મજા હતી !

મારી સાથે આવું ભૂતકાળમાં પણ થતું હતું… કે કોઈ પાત્રને કંડારવા બેસું, અને એના જ વિચારોમાં ખોવાઈ જાઉં ! પણ આ તો ‘કાંચી’ હતી… એવું વ્યક્તિત્વ જેને હું મળી ચુક્યો છું, થોડું ઘણું જાણી ચુક્યો છું, અને થોડુક સમજી ચુક્યો છું…! પછી આના વિચારોમાં ન પડાય, એવું તો કઈ રીતે બને ?

સમય વીતતો ગયો… દિવસો, અઠવાડિયા અને એક મહિનો ! મારી સ્ટોરી લગભગ લખાઇને તૈયાર હતી. બેશક ઘણા જ ઓછા સમયમાં આ લખાઇ હતી, પણ એની ગુણવત્તામાં મેં લેશમાત્ર બાંધછોડ નહોતી કરી ! કારણકે આ એક જીવંત વ્યક્તિ અંગે વાત હતી, સહેજ શબ્દોની ગડબડ અને આખું પાત્રલેખન અવળી દિશામાં વળી જાય… ! આખી લખ્યા પહેલા એના કેટલાય ભાગ મેં વારંવાર લખ્યા હતા, ના ગમે એના ફાડીને ડૂચા વાળ્યા હતા… અને જે ખુબ સારા લાગે એને વારંવાર વાંચ્યા હતા !

મેં આજ સુધી જેટલી પણ વાર્તાઓ લખી હતી… એના દરેકે દરેક પાત્રોને આલેખતાં, હું એમના પ્રેમમાં પડ્યો હતો… એ જ રીતે હું ‘કાંચી સિંઘ’ ના પણ પ્રેમ માં પડ્યો હતો… !

એ એક મહિના દરમ્યાન માત્ર મેં કાંચી ને લખી જ નહી, પણ જોડે માણી હતી ! એનું દર્દ લખતા આંખો ભીની કરી હતી, તો એના પાગલપન પર હસ્યો પણ હતો…! ક્યારેક લખ્યા બાદ કોઈ વાત પાછળ થી યાદ આવે તો પણ ઉમેરી લેતો, કારણકે તેના વિશેની એક પણ ક્ષણ હું લખ્યા વિનાની રેહવા દેવા નહોતો માંગતો…!

આખરે મારે સ્ટોરી આગળ મોકલવાનો દિવસ પણ આવી જ ગયો…! એક મહિના ને ઉપર ત્રણ દિવસ થયા બાદ, હું મી.બંસલ પાસે સ્ટોરી લઈને પંહોચ્યો.

“આ શું હાલત બનાવી છે તારી…?”, મારી વધેલી દાઢી અને વાળ જોઈ, મી.બંસલ હસી પડ્યા.
“કંઇ નહી…. તમેં હવે જલ્દીથી આ સ્ટોરી વાંચી લે જો… અને મને જવાબ આપજો…”, કહી હું કાગળો ભરેલી ફાઈલ ત્યાં મૂકી ચાલી નીકળ્યો.

“જલ્દી તો હમણાં નહિ થાય… મારે બે દિવસ બહાર જવાનું છે !”, તેમણે કહ્યું.
તેમની વાત સાંભળી હું જરા ઉદાસ થયો અને કહ્યું, “પણ મી.બંસલ… બને તેટલી જલ્દી કરજો ! ઇટ્સ અ અરજન્ટ…!”, અને હું પાછો ઘરે આવ્યો !

હવે મારે બે થી ચાર દિવસ રાહ જોયા વિના છુટકો જ ન હતો !
પણ બીજા દિવસે સાંજે મી.બંસલ નો મારી પર ફોન આવ્યો, “જલ્દીથી મારી ઓફીસ પંહોચ….”, કહી તેમણે ફોન મૂકી દીધો.

તેમના અવાજમાં ગુસ્સો હતો કે સંતોષ એ હું કડી ન શક્યો, હું તેમની ઓફીસ પંહોચ્યો. એ સહેજ ચિંતામય ભાવ સાથે મારી ફાઈલમાં ડોક્યું નાખીને બેઠા હતા…

“મી. બંસલ, બધું ઠીક તો છે ને..? મને આમ અચાનક ઓફીસ પર બોલાવ્યો…?, અને તમે તો બે દિવસ બહાર જવાના હતા ને?”

“આ સ્ટોરી સાચે તેં લખી છે…?”, તેમણે મને જવાબ આપવાની બદલે મને જ સામે પ્રશ્ન કર્યો.
“શું મતલબ…!? અફકોર્સ મેં જ લખી હોય ને…!”
“ના, આ સ્ટોરી તેં નથી લખી ! આ કાંચી નું પાત્ર સાક્ષાત એની વાત કરતું હોય એવું લાગ્યું…!”, અને એમનો ચેહરો ખીલી ઉઠ્યો. “યુ નો વ્હોટ… કાલે તારા ગયા બાદ મેં આના થોડાક પેજ વાંચ્યા, અને એ બાદ મેં મારી મીટીંગ કેન્સલ કરી નાખી, અને તારી સ્ટોરી પતાવી છે ! આ શબ્દોમાં એટલી તાકાત છે દોસ્ત… જે વાચક ને ઓતપ્રોત કરી મુકે છે…!” એ સાંભળી હું ખુશખુશાલ થઇ ગયો… તેમના એ શબ્દો થી વિશેષ મારા શબ્દો ની કદર બીજી કઈ હોય…! મારું લખવું સફળ થયું…! કાંચી ની વાર્તા સફળ થઇ…!

“મતલબ, તમે આ છાપવા તૈયાર છો…!?”, મેં પૂછ્યું.
“યસ માય બોય યસ… અને મેં તો એક-બે ટાયપીસ્ટ પણ બોલાવી લીધા છે, અને પ્રિન્ટીંગ પ્રેસમાં પણ વાત કરી લીધી છે…!

થોડા જ દિવસોમાં ટાયપીંગ નું કામ પતાવી લઇ, પ્રૂફ રીડીંગ નું કામ કરીશું, અને પછી પ્રિન્ટમાં કામ ચાલુ કરાવી દઈશું ! અને એ વચ્ચે કોપીરાઇટનું પેપરવર્ક તેમજ બુકનું કવર પેજ, પ્રસ્તાવના, અને બીજું કામ પણ હાથ પર લેવું પડશે… !”

“મી.બંસલ, બંને તેટલું જલ્દી કરજો. મારી પાસે વધારે સમય નથી…!”
“સ્યોર માય બોય ! આજ થી જ મારી ટીમ ને કહી દઉં છું… બુક નું પ્રમોશન સ્ટાર્ટ કરી દે, અને જોડે એડવાન્સ બુકિંગ પણ લેવાનું શરુ કરી દે ! આ મહિના દોઢ મહિના સુધીમાં બુક નું લોન્ચિંગ ઇવેન્ટ પણ ગોઠવાઈ જશે !”

“થેંક યુ મી.બંસલ… થેન્ક્સ અ લોટ…!”, કહેતા મારો ચેહરો ખીલી ઉઠ્યો !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.