કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૫ )

ગાડી પુરઝડપે હાઇવે પર આગળ વધી રહી હતી, અને અમે બંને શાંત બેઠા હતા. અને ત્યાં જ મારા ફોન ની રીંગ વાગી. મોબાઈલ સ્ક્રીન પર ‘મા’ લખેલું ફ્લેશ થતું હતું.

“હલ્લો…”, મેં ફોન ઉઠાવતા કહ્યું.
“ક્યાં છો તું..? બે દિવસથી વાત પણ નથી થઇ…! ઓફીસ ફોન કર્યો તો એમણે કહ્યું, તું કંઈ પણ કીધા વગર ક્યાંક ફરવા ચાલ્યો ગયો છે… છે ક્યાં તું…!?”

“હું કોલકત્તા જઈ રહ્યો છું…”, મેં શાંતિથી જવાબ આપ્યો.
“કોલકત્તા..!? પણ કેમ…? આમ અચાનક…?”
“મા, જરા કામ હતું એટલે આવ્યો છું…!”
“પણ કહીને તો જવાય ને… મને અહીં ચિંતા થઇ રહી છે !”
“ચિંતા કરવાની કોઈ જરૂર નથી… હું આજે તો કોલકત્તા પંહોચી પણ જઈશ…”
“આજે પંહોચીશ…! મતલબ તું કાર લઈને નીકળ્યો છે…!?”
“હા…”
“અરે, છોકરા ! તને મારે કેટલીવાર સમજાવવું…? કેમ આવા કામ કરે છે, મને તારી ચિંતા થાય છે, અને એમાં ને એમાં જ મારું બી.પી. વધી ગયું છે…”

“મા, હવે તારું પત્યું હોય તો હું ફોન મુકું…? હું ડ્રાઈવ કરી રહ્યો છું…!”
“હા, હા… પણ ઉભો રે, એકલો છે કે કોઈ જોડે છે, એ તો કહે…?”
“ના, એકલો નથી… જોડે કોઈક છે…!”, કહી મેં કાંચી તરફ જોયું.
“કોણ…?”
“એક છોકરી છે…!”
“હેં..? છોકરી..? કેવી છે, સુંદર છે..?”
“મા, હું પછી તને બધા જવાબ આપીશ… હમણાં ફોન મુકું છું !”
“હા… પણ ધ્યાન રાખજે. તારું પણ અને એનું પણ…!”, કહી મા જરા હસી.
“હા, ભલે…”, કહી મેં ફોન મૂકી દીધો.
“કોણ હતું… મમ્મી…!?”, થોડીવાર ચુપ રહી કાંચીએ પૂછ્યું.
“હમમ…”, મેં ટૂંકમાં જવાબ આપ્યો.
“તારે હજી વાત કરવી જોઈતી હતી… એ ચિંતા કરતા હશે તારી !”, એણે કહ્યું.
“ના… એ મને સમજે છે…!”
“હું પણ બાબાને ફોન કરી લઉં, તેમને ચિંતા થઇ રહી હશે…!”, કહી એણે ફોન કાઢ્યો અને તેના બાબાને ફોન જોડ્યો.

બંને એ થોડીક વાર વાતો કરી, અને મોટાભાગની વાત બંગાળી માં થઇ, એટલે મને કઈ વધુ ખાસ ન સમજાયું !

“શું કહ્યું બાબાએ…?”, એના ફોન મુક્યા બાદ મેં કહ્યું.
“બસ એ જ રોજ જેવી વાત. અને પૂછ્યું કે હજી કેમ નથી આવી… અને એમ પણ કહ્યું કે મારી માટે ચાર નવી બુક્સ લાવી રાખી છે, એટલે જલ્દી આવીને એ પૂરી કરું…!”, કહી એ હસી પડી. એ જરા હળવી લાગી રહી હતી. અને તકનો લાભ લઇ હું બોલ્યો…

“કાંચી, લિસન… આઈ એમ સોરી ! કાલે રાત્રે જે કંઇ પણ થયું, એ કરવાનો મારો સહેજ પણ ઈરાદો ન હતો… હું નશામાં હતો, અને બહેકી ગયો…”

“મને ખબર છે લેખક સાહેબ… અને ડોન્ટ બી સોરી ! તારી જોડે હું પણ તો બહેકી જ ગઈ હતી ને… જો ખરા સમયે તારાથી દુર ન થતી, તો…”

“તો, શું કાંચી…?”
“ના, કંઇ નહિ…”, એનો ચેહરો ગંભીર લાગતો હતો, અને અચાનક હાવભાવ બદલી નાંખી એ બોલી, “તો આપણે આગળ વધી જતાં એમ…”, અને હસી પડી.

મેં પણ બનાવટી હાસ્ય કર્યું, અને કહ્યું…
“મને તો લાગ્યું હતું, તું હવે જોડે આવવાની પણ ના પાડી દઈશ…!”
“ના, મને તારાથી હજી પણ કોઈ વાંધો નથી… જે થવું હતું એ થઇ ગયું ! અને ખરા સમયે આપણે અટકી ગયા, એ જ બહુ મોટી વાત છે…!”

“તે છતાં પણ, જો મેં તારી ભાવનાઓ ને દુભાવી હોય તો ફરી એક વખત તારી માફી માંગું છું…”
“બસ હવે… એની એટલી પણ જરૂર નથી !”, કહી એ સહેજ હસી અને શાંત થઇ ગઈ !
“પણ જનાબ… નાશમાં પણ થાય તો એ જ ને, જે આપણે કરવા માંગતા હોઈએ… શું તમે સાચે મને કિસ કરવા માંગતા હતા…?”, એણે પૂછ્યું.

હું શરમથી નીચું જોઈ ગયો…!
“જો, તને ખોટું કહીને પણ મને કંઇ નથી મળવાનું…! પણ હા, મને તારા તરફ એક આકર્ષણ જરૂર થયું હતું…!”

“થઇ શકે… અને એ થવું સ્વાભાવિક છે. સાવ નોર્મલ વાત છે આ !”
“મેં તને આ કહ્યું, એનાથી પણ તને કોઈ વાંધો નથી… !?”, મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
“ના… અને મને ગમ્યું પણ કે તું સાચું બોલ્યો ! અને આ ઉમરે આવું થવું સાવ નોર્મલ વાત છે !”
“હમમ…”
“કાંચી, હવે થોડા કલાકોમાં આપણે કોલકત્તા પંહોચી જઈશું…”
“હા…”
“અને હમેશા માટે છુટ્ટા પણ પડી જઈશું…”
“હા… તો…?”
“તો મારે તને કંઇક કહેવું છે…?”
“હા… બોલ…”, એ સહેજ ઘભરાઈને બોલી !
“તો હું એમ કહેતો હતો કે… કે હવે જલ્દીથી તારી વાત પૂરી કર…!”, કહી હું હસી પડ્યો. અને એના તંગ ચેહરો પણ ઢીલો પડ્યો, અને હસી પડ્યો.

“તેં તો મને ડરાવી જ દીધી હં… મને એમ કે ક્યાંક લેખક મહોદય પ્યારનો ઈઝહાર ન કરી બેસે…”
“ના હવે… તારી સાથે હજી પ્રેમ નથી થયો…”
“એ તો થશે તો પણ ખબર નહિ પડે…!”
“હશે… તું તારે વાત પૂરી કર ચાલ…”
“હા, કહું…. મને યાદ તો કરવા દે…. આપણે ક્યાં સુધી પંહોચ્યા હતા…”
“કદાચ, તારી અને અંશુમનની વાત કોર્ટ સુધી પંહોચી હતી… ત્યાં સુધી તેં મને કહ્યું હતું…”
“હા… બરાબર.”

એણે સાહજિકતા સાથે વાત ચાલુ કરી, “એ સમય, એ સમયે જો બાબા અને ચાંદે મને હિંમત ન આપી હોત… તો કદાચ હું અંશુમન પર કેસ પણ ન કરતી ! મને તો ત્યારે પણ એમ લાગતું હતું, કે અંશુમન કેસ પાછો લેવા મને સમજાવશે, અને કદાચ બધા ખરાબ કામ છોડી દઈ, એક નવી શરૂઆત ની વાત કરશે… ! પણ એવું કઈ જ ન થયું, ઉપરથી એનું એમ કહેવું હતું, ‘જો તું કેસ ના કરતી, તો હું સામેથી જ ડિવોર્સ માટે અપીલ કરવાનો જ હતો !’

અમારા બંને ની સહમતી હોવાથી, ડિવોર્સમાં બહુ તકલીફ ન પડી ! કોર્ટે, અંશુમન ને મારા ભરણપોષણ માટે એક નક્કી રકમ ચુકવવા જણાવ્યું, પણ બાબાએ એ લેવાથી સાફ ઇનકાર કરી દીધો ! ‘મારી દીકરી હજી મારા પર બોજ નથી બની… અને વખત આવ્યે એ જાતે મહેનત કરીને ખાઈ શકે એટલી એ સક્ષમ છે !’

મારા ડિવોર્સ તો થઇ ગયા. પણ એ દિવસ પછી ક્યારેય ચાંદે મારી સાથે વાત ન કરી ! કંઇ પણ કહ્યા વીના અચાનક જ દુર ચાલ્યો ગયો… ના ફોન, ના કોઈ પત્ર… બસ એમ જ ચાલી ગયો !

હું બાબા સાથે કોલકત્તામાં રેહવા લાગી. પણ મને ત્યાં કંટાળો આવી રહ્યો હતો. મારાથી એક જગ્યાએ લાંબો સમય સુધી ટકી જ નથી શકાતું. મેં બાબાને કામ કરવાની ઈચ્છા દર્શાવી ! અને બાબાએ પણ એ માટે સંમતી આપી. આ વખતે મેં મુંબઈની રાહ પકડી ! મુંબઈ વિષે ઘણું સાંભળ્યું હતું, કે મુંબઈ એ માયાનગરી છે… રોજના લાખોની સંખ્યામાં યુવક-યુવતીઓ, કામની શોધમાં મુંબઈમાં ઠલવાય છે. અને હવે હું પણ એ લાખો લોકોમાંની એક હતી ! અને સાચું કહું તો આહીં આવ્યા બાદ મારે કેવા પ્રકારની નોકરી કરવી હતી, શું કરવું હતું? એ બાબતે હું પણ હજી સ્પષ્ટ ન હતી ! ક્યારેક કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ ના ઈન્ટરવ્યું આપવા જતી, તો ક્યાંક હોટલોમાં કામ માંગવા જતી ! અને એમ કરતા કરતા મને મુબઈમાં ચાર મહિના વીતી ગયા. એક નાનકડી જગ્યા ભાડે કરીને હું આ ચાર મહિના ત્યાં રહી હતી. પણ ચાર મહિના બાદ, હું અચાનક જ બીમાર રેહવા લાગી ! દર બે ત્રણ દિવસે તાવ, શરદી… અને અચાનક વેઇટ લોસ… અને બીજું પણ ઘણું બધુ !

અમુક ટેસ્ટ્સ બાદ, ડોકટરે એક ગંભીર બીમારી હોવાનું નિદાન કર્યું… અને એ બીમારી મારા જીવનમાં એક નવો વળાંક બનીને આવી !”

કાંચીએ અચાનક જ બોલવાનું બંધ કરી દીધું.
“કેવી બીમારી…?”, મેં પૂછ્યું.
“કંઈ ખાસ નહી… એ તો હવે સમજ્યા ! જીંદગીમાં આટલું બધું જોયા બાદ, હવે એ પણ નવું ન’હોતું લાગતું…!”

“પણ કંઇક તો કહે… શું થયું છે તને…?”
“અરે કઈ નથી થયું મને…!”
“સારું ના કહીશ…, પણ પેલું એન.જી.ઓ. અને તું…? એ ઘટના કઈ રીતે બની એ તો કહી શકે કે નહી..?”
“હા, કહું… પણ પહેલા મને એક સિગારેટ આપ…!”
અને એણે મારી પાસેથી સિગારેટ લઈને, ફૂંકી મારી. આ વખતે મારે ડ્રાઈવ કરતા રેહવાનું હતું, એટલે મારાથી જોડે સિગારેટ ન પીવાઈ !

“કાંચી, બપોર થઇ ચુકી છે… અને સાંજ સુધીમાં આપણે કલકત્તા પંહોચી જઈશું. તો જમવાનું કેમ નું કરવું છે…?”, મેં પૂછ્યું.

“મને તો હમણાં ભૂખ નથી. જો તને ભૂખ હોય તો રોકાઇ જઈએ, નહિતર રેહવા દે…!”
“ભૂખ તો મને પણ નથી…”
“હમ્મ… તો ચાલ આપણે વાત જ પૂરી કરીએ હવે…”
“હા બોલ આગળ…, પછી શું થયું..?”
આ ‘પછી શું થયું?’, એ શબ્દો જ જાણે મને અને કાંચી ને જોડી રહ્યા હતા… !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.