કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૪ )

હું ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને બાજુની સીટ પર મારું બેગ મુક્યું. જેની ચેઈન ઉતાવળમાં લગભગ અડધી ખુલ્લી રહી ગઈ હતી. અને અંદરથી થોડાક કાગળ ડોક્યું કરી રહ્યા હતા !

પેલી બંને છોકરીઓ પાછળની સીટ પર ગોઠવાઈ. મેં ગાડી શરુ કરી, ચલાવવા માંડી. હું હજી રાહ જોઈ રહ્યો હતો, કે બંને માંથી કોઈ એકાદ વાતનો દોર માંડે, અને મને સ્પષ્ટતા વાતની કરે ! થોડીવારે ગાડી મુંબઈ ની દિશામાં હાઇવે તરફ દોડવા માંડી. પણ પેલી બંને હજી પણ શાંત હતી ! એ જોઈ મારી ધીરજ ખૂટી પડી, અને મેં પૂછ્યું…

“તો મેડમ થયું શું હતું, એ તો જણાવો… !”
એ સાંભળી પેલી સ્ત્રીએ મને એ રીતે જોયું જાણે મેં એને કંઇક અજુગતું પૂછી લીધું હોય, પછી સ્વસ્થ થઇ ખોંખારો ખાધો અને બોલી…

“આ છોકરી… આ છોકરી એ ટેકરી પાસેના ગામની રહેવાસી છે. આજે એની વિવાહ હતું… બાદ વિવાહ !”, હું જરા ચમક્યો, અને પાછળ ફરી એ છોકરી તરફ જોયું, અને પછી તરત નજર ફેરવી દીધી.

પાવડર થોપેલા એના ચેહરા પર આંસુઓ સુકાઈ ચુક્યા હતા, ચેહરા પર એક કાળાશ આવી ચુકી હતી. છતાં એની માસુમિયત બરકરાર હતી. એવી જ જેવી એક નાનકડી છોકરીમાં હોવી જોઈએ !

“તો તમે આના કોણ લાગો…?”, મેં બીજો પ્રશ્ન કર્યો.
“કોઈ નહી…”, એણે ટૂંકો જવાબ આપી નિસાસો નાખ્યો. પેલી છોકરી એના ખભા પર માથું ઢાળીને સુઈ ગઈ હતી… એના ચેહરા પર કોઈક મોટી ઘાત ટળી ચુકી હોય, એવું સુકુન હતું. એ જોઈ મારાથી એક સ્મિત કરી દેવાયું.

“તો મેડમ, આ બધું હતું શું…. જરા ડીટેઈલ્સમાં જણાવશો…?”
“હા, કહું તમને… ! એક્ચ્યુલી હું મુંબઈ નજીકના એક એન.જી.ઓ. સાથે જોડાયેલી છું. આજે સવારે હું, મુંબઈ થી કોલકત્તા ની ફ્લાઈટ માટે એરપોર્ટ પર ફ્લાઈટ ની રાહ જોઈ રહી હતી. અને આજે જ વહેલી સવારે, એન.જી.ઓ. ના કાર્યાલય પર આ છોકરી દ્વારા મોકલાયેલો પત્ર મળ્યો. અને એમાં લખેલ વિગતો મુજબ આજે જ તેના લગ્ન હતા ! અને તેણે અમારી સંસ્થા પાસે મદદ માંગી હતી. અને એ સમયે સંસ્થા તરફથી કોઈ ત્યાં જઈ શકે તેમ ન હતું. માટે સંસ્થા પરથી મને ફોન આવ્યો… આની મદદે જવા માટે ! હવે આવા સંજોગોમાં મોડું કરવું કેમ નું પોસાય ! એટલે હું તરત જ મુંબઈથી આ ગામ આવવા નીકળી ગઈ. આના ગામે જઈને જોયું તો, કન્યા છેક લગ્નની વેદી સુધી પંહોચી ચુકી હતી !

મેં તેમને સમજાવવા પ્રયાસો કર્યા, કે છોકરીની ઉમર હજી રમવાની, ભણવાની છે… હમણાં એના પર ગૃહસ્થ જીવનનો ભાર થોપ્વો યોગ્ય નથી… ! પણ તેઓ ન માન્યા. અંતે મેં કાનુન નો ડર પણ બતાવી જોયો, કે આમ બાળલગ્ન કરાવવા એ ગુનો છે… ! પણ એ જાડી ચામડીઓ પર મારા શબ્દોની કોઈ અસર ન થઇ.

હું ત્યાં આવતા પહેલા પોલીસને પણ જાણ કરીને આવી હતી, પણ હજી સુધી પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ન હતી. માટે હવે જે કઈ કરવું પડે, એ મારે એકલીએ જ કરવું પડે તેમ હતું !

મેં જઈ, પાણી ભરેલી ડોલ, હવન કુંડમાં ઠાલવી દીધી. એ જોઈ ગામ ના લોકોમાં ઉહાપોહ મચી ગયો. ‘આણે અગ્નિદેવતા નું અપમાન કર્યું, અને આ લગ્ન હવે નહિ ટકે, એવી કાનાફૂસીઓ થવા માંડી !’ પણ હું લગ્ન થવા દઉં તો ટકે ને…”, કહી એ હસવા માંડી.

એ બોલતી જતી હતી, અને મારા માનસપટ પર દ્રશ્ય રચાતું જતું હતું. ગામ આખાની હાજરીમાં આવું કામ કરવા માટે પણ હિમત જોઈએ બોસ… ! આ છોકરીમાં કંઇક તો એવું ખાસ હતું, જે બધાથી અલગ હતું !

“પછી..?”, મેં ઉત્સુકતાથી પૂછ્યું.
“…પછી શું… ? તક નો લાભ લઇ, હું એનકેન પ્રકારે એ છોકરીને ભગવવામાં સફળ રહી. અમે ભાગતાં ભાગતાં ગામ બહારની ટેકરી પર આવી પંહોચ્યા. અને પછી તમે મળ્યા, અને હવે તમે મદદ કરી રહ્યા છો. એ બદલ આભાર !”

“હા, એ તો ઠીક છે… પણ હવે આ છોકરી…?”
“એ હવે અમારા એન.જી.ઓ. ની જવાબદારી છે. પહેલા તો આખી ઘટના માટે એનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અને દરેક અપરાધીઓ પર જરૂરી કાનૂની કાર્યવાહી થશે. પછી એ ત્યાં રહીને ભણી પણ શકે છે… ! અથવા તો એની મરજી હોય તો પાછી પણ ફરી શકે છે… !

અમારા એન.જી.ઓ. માં આવી અનેક છોકરીઓ, સ્ત્રીઓ આશરો લે છે ! કોઈકને ઘરેથી કાઢી મુકવામાં આવી હોય, તો કોઈકને સાસરીપક્ષ તરફથી દહેજ માટે દબાણ હોય, કોઈક બળાત્કાર પીડિતા, તો કોઈક ચોરીના કેસમાં જેલથી છુટીને આવેલ… !

અમે મોટાભાગે તેમની મદદ કરી, તેમના પ્રશ્નો નું સમાધાન કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. અને પરિસ્થિતિ અનુકુળ ન હોય તો તેમને આશરો પણ આપતા હોઈએ છીએ !
“ખરેખર સારું કામ કરો છો…”, મેં કહ્યું.

“થેંક યુ…”
થોડીવાર ગાડીમાં શાંતિ છવાઈ રહી. હું મનોમન વિચાર કરવા લાગ્યો, ‘કે શું વિચારીને નીકળ્યો હતો, અને શું થયું ! મુંબઈથી દુર જવા નીકળ્યો હતો, અને મુંબઈ પરત જઈ રહ્યો હતો. શું ધાર્યું હતું હેં !? આકાશમાં વીજળી ચમકે એમ તારી વાર્તા મળી જશે, કે પછી નદીના વ્હેણમાં લાકડું જેમ તરી જાય, એમ તને વાર્તા જડી જશે… ! શું મેળવવા ગયો હતો, અને શું મેળવીને આવ્યો… !’, અને આવા વિચારો કરતા કરતા, મારાથી હસી દેવાયું.

“તમને હસવું આવે છે…?”, એણે આંખોની ભ્રમરો ઉપર ચઢાવી મને જોઈ રેહતા પૂછ્યું.
“ના… ના… હું તો બીજી વાત પર હસતો હતો… ! તમને ગલતફેમી થઇ છે…”
“હા… હા…, હસી લો. તમે સ્ત્રી નથી ને એટલે તમને સ્ત્રીઓની તકલીફ નહિ સમજાય !”, તેણે મુદ્દો અલગ જ દિશામાં વાળતા કહ્યું. અને પછી બોલી,

“તમને પુરુષોને આજે પણ બધું આધુનિક જ દેખાય છે. પણ ક્યારેક સામાન્ય જીવનમાં ઉતરી જુઓ, તો તમને સમજાશે… કે આ ૨૧મી સદી પણ સ્ત્રીઓ માટે ૧૮મી સદીથી કમ નથી જ ! બેશક, અમે પણ તમારા થી ઓછી તો નથી જ… પણ તમે અમારા પરનું વર્ચસ્વ ગુમાવવા નથી માંગતા… અને માટે જ આવા સામાજિક દુષણો નો નિકાલ નથી આવતો !”
હું ચુપ બની રહ્યો !

“કેમ કંઇ બોલ્યા નહી…?”, થોડીવારે એણે પૂછ્યું.
“શું બોલું…? તમે હવે બોલવા જેવું કંઇ રાખ્યું જ ક્યાં છે… ! મને જાણ્યા, સમજ્યા વગર જ મને, સ્ત્રીની પ્રગતી ન જોઈ શકતા, સ્ત્રીને દબાવી રાખતા પુરુષોમાં ગણી લીધો… ! તો પછી એ જ સહી… !”

એ ચુપ બની મને જોતી રહી. હું પણ ચુપચાપ ગાડી ચલાવવામાં મન પરોવવા લાગ્યો.
“દેખો, હવે આમ મોં ફુલાઈને બેસી રેહવાની કોઈ જરૂર નથી હો…. હું સોરી તો નથી જ કહેવાની !”, એ બોલી અને હું એ સાંભળી હસી પડ્યો… અને પછી એ પણ ! અમારી વચ્ચે એક સાહજિકતા સ્થપાઈ ગઈ.

ધીરે ધીરે અમે મુંબઈ નજીક પંહોચવા લાગ્યા. અને હવે એમણે એની સંસ્થા તરફ દોરી રહી હતી. થોડી જ વારમાં અમે ત્યાં પંહોચી ગયા.

બહાર એક મોટો પ્રવેશ દ્વાર હતો. અને સામે બે પાંચ નાના મકાનો જેવી જગ્યા હતી. જે કદાચ તેનું કાર્યાલય હશે, એવું મેં અનુમાન કર્યું. એ ઉપરાંત એ કાર્યાલયોની પાછળની બાજુએ બે પાંચ કોમ્પલેક્ષ હતા, જે છોકરીઓ ને નિવાસસ્થાન તરકે ફાળવ્યા હશે. એ સંસ્થા એમ તો વેલ-સેટલ્ડ જ લગતી હતી. અને મેં પણ એકાદ-બે વાર એનું નામ સાંભળ્યું હતું.

અમે ગાડી પાર્ક કરી. એક વયસ્ક સ્ત્રી અમારી નજીક આવી. એ ગુલાબી રંગની સાડીમાં હતી. એ ઉપરાંત બીજી કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ આસપાસ કામ અર્થે ફરી રહી હોય એમ અવરજવર કરતી હતી. અને તેઓ બધી પણ ગુલાબી સાડીમાં હતી, એ પરથી મેં અંદાજ લગાવ્યો કે, આ ‘ગુલાબી સાડી’ એ આ સંસ્થાનો યુનીફોર્મ હોવો જોઈએ !

અમે બધા અંદર તરફ ચાલવા માંડ્યા. અને કાર્યાલયમાં જઈ સ્થાન લીધું.
છોકરીને કપડાબદલવા માટે કપડા આપવામાં આવ્યા. અને અમે બધા કાર્યાલયમાં વાતોમાં પડ્યા. એ સ્ત્રીએ આખી ઘટના નું ફરી એક વખત વર્ણન કર્યો, અને ફરી એક વખત મારો આભાર માન્યો. પેલી છોકરી કપડા બદલી આવી, અને અમારી જોડે બેઠી. એની આંખોમાં મારા પ્રત્યે તેમજ એ સ્ત્રી પ્રત્યેના આભારવશ ભાવ હું વાંચી શકતો હતો.

“હવે તારે જવું હોય તો જા… ! તારો સામાન એરપોર્ટ થી લઇ, કોલકત્તા રવાના કરી દીધો છે. આગળની કાર્યવાહી અમે સંભાળી લઈશું. અને જરૂર પડશે તો તને ફોન પર સંપર્ક કરીશું…”, વયસ્ક સ્ત્રીએ રજા લેવાના સ્વરે કહ્યું.

અને અમે બંને ઉભા થયા…
“દીદી તમારું નામ શું છે…”, પેલી છોકરીએ તેનો હાથ પકડી લેતાં પૂછ્યું.
“કાંચી…! કાંચી બેનર્જી !”, એના માથા પર હળવેકથી ચૂમતા એણે કહ્યું.
અમે બંને બહાર નીકળવા આગળ વધ્યા… પાછળથી થોડાક શબ્દો મારા કાને પડ્યા…

“ખરેખર ખુબ ભલી છોકરી છે, બાકી આજના સમયે પોતાનું અંગત કામ મૂકી, સમાજસેવા કરવા નું કામ કોણ કરે…? મારા એક જ સાદે, પોતાની ફ્લાઈટ છોડી આની મદદ કરવા પંહોચી ગઈ… ગોડ બ્લેસ હર… !”

એ સાંભળતા મારા મનમાં એના માટે માન ઉપજી આવ્યું. પણ એણે સાંભળ્યું ન સાંભળ્યું કરી, સ્મિત કરતી આગળ વધી ગઈ !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.