Sumday Story Tale’s – ગાંધી મળ્યા’તા

શીર્ષક : ગાંધી મળ્યા’તા

મોબાઈલ સ્ક્રીન પર ‘મમ્મી’ વાંચતા જ મેં કોલ રીસીવ કર્યો, અને ધાર્યા મુજબ સામે છેડેથી ‘હલ્લો’ ની પણ ઔપચારીકતા વગર કહેવાયું, ‘હવે જલ્દી ઘરે પંહોચ !’, અને ‘આ આવ્યો પાંચ મીનીટમાં.’ કહેતાં મેં ફોન મૂકી દીધો.

મમ્મીના આવા ફોનની તો જાણે હવે આદત જ પડી ચુકી છે ! રોજ રાત્રે મારે અને તેજસને, નજીકના પાનના ગલ્લે ગપાટાં હાંકવાની ટેવ. અને એમાંય બારનો ટંક થવો તો નક્કી જ જાણો ! અને મમ્મીનો આવો ફોન એ આમારી ચર્ચાઓ માટે છેલ્લી દસ મીનીટની ડેડલાઇનનું સૂચક !

આમ તો અમે વાતો જ કરતા, અને ક્યારેક ચર્ચાઓ પણ ! હા, વાતો અને ચર્ચાઓમાં ફેર છે… ચર્ચામાં ‘કોણ ઊંચું કે સાચું’ એ સાબિત કરવાની ઉત્સુકતા હોય છે, જયારે વાતો એ નીર્મેળ હોય છે ! અને અમારી ચર્ચાઓ તો ક્યારેક ઉગ્ર દલીલોમાં પણ સ્થાન મેળવતી, અને ક્યારેક એમાંથી નાના મોટા મતભેદ સુધી પણ વિસ્તરી જતી !

ચર્ચા કરવા માટે ક્યારેય વિષય ચર્ચવા ન બેસાય, એ તો શ્વાસ લેવા જેટલી સાહજિક ઘટના છે ! હું અને તેજસ, ફિલ્મ્સ, સંગીત, રાજનીતિ, દેશમાં પડતી આર્થિક ભીંસ, શેરબજાર, સાહિત્યથી માંડી આકાશ તળે હાજર દરેક વિષય પર ચર્ચા કરી શકતા ! પણ ‘વિજ્ઞાન અને તેમાં થનારી શોધો સાથેની ભવિષ્યની કલ્પનાઓ’, એ વિષય અમને બંનેને લગભગ એકસરખી તીવ્રતાથી સ્પર્શતો ! મારે અને વિજ્ઞાનને તો ગ્રેજ્યુએશન સુધીનો સાથ, અને બાકીનું એ વિષય પ્રત્યેની રૂચી, પણ તેજસ માટે તો વિજ્ઞાન એ જ જીવન ! એણે તો અવકાશની અને ભવિષ્યમાં થનારી શોધોની કેટકેટલીય કલ્પનાઓ સંભળાવીને મને રોમાંચ કરાવ્યો હતો ! અને હમણાં પણ મારી ચાની ચુસ્કીઓ અને એની સિગારેટના કશ વચ્ચે એવા જ વિષય પર વાતો થઇ રહી હતી.

“ચાલ, માની લે કે હું એવું કોઈ સાધન બનાવવામાં સફળ થઇ પણ જાઉં, જેના થકી તું ભવિષ્યની અથવા ભૂતકાળની કોઈ વ્યક્તિને સદેહે મળી શકે, તો તું કોને મળવા ચાહીશ !?”

“ભવિષ્યમાં થનારી વ્યક્તિ વિષે વર્તમાનમાં કેમનું કહી શકાય ?”, મેં એની વાતનો છેદ ઉડાવી મુકતા પ્રશ્નની સામે પ્રશ્ન કર્યો !

“અચ્છા ! તો ભૂતકાળમાંથી ? કે પછી એ પણ નહીં ?”, એણે ઉત્સાહિત સ્વરે પૂછ્યું.

થોડુંક વિચાર્યા બાદ હું ગર્વભેર બોલ્યો, “મોહનદાસ કરમચંદ ગાંધી !”, અને એ સાથે ગલ્લે ઉભા બીજા ચાર જણે મને કંઇક વિચિત્ર રીતે જોયો, અને મને અંદાજ આવ્યો કે મારો થોડોક ઉંચો થયો હતો… અને આજના સમયે ‘ગાંધી જયંતિ’ કે ‘ગાંધી નિર્વાણ દિન’ સિવાય ગાંધીનું નામ પડતા લોકોને નવાઈ જ લાગે છે !

“બસ ને !? થઇ રહ્યું તારું !”, તેજસે મોઢું કટાણું કરતાં કહ્યું, અને ઉમેર્યું, “મી.ગાંધી, તમારા યુગમાંથી બહાર આવો ! હવે આ યુગમાં સત્ય, અહીંસા કામ નહીં લાગે !”

મારી ‘ગાંધી’ અટકને કારણે એ અવારનવાર મને ‘મી.ગાંધી’ નું સંબોધન કરતો. અને એ અટકની કારણે તો હું ક્યારેક એવા વિચારેય ચડી જતો કે, ‘ક્યાંક હું ગાંધીનો વંશજ તો નહીં હોઉં ને !?’

મેં એની વાત અવગણી ચાની ચુસ્કી લગાવી, અને એ જોઈ એણે સીગારેટનો ધુમાડો મારા ચેહરા નજીક છોડતા કહ્યું, “આ યુગ હિટલર જેવાને મળવાનો છે. ગાંધીનું હવે આ માહોલમાં કામ નહીં !”

“હશે હવે ! પણ મારે તો એક વાર ગાંધીને મળવું છે બસ. જો શક્ય હોય તો…”, કહેતાં હું હસી પડ્યો. કારણકે અમારા બંનેની વાતો એ હવામાં ગોળીબાર બરાબર હતી !

“ચાલ મળીએ આવતીકાલે. આજે ઘણું મોડું થયું.”, કહેતાં મેં મુલાકાતના અંતનું સૂચક એવું છેલ્લું હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો, અને અમે છુટ્ટા પડ્યા. ઘરે પંહોચતા સુધીમાં મારા મનમાં ગાંધી જ ઘોળાઈ રહ્યા. ઘરે આવી મોડું થવા વિશેની મમ્મીની રોજની એકની એક ટકોર સાંભળી ન સાંભળી કરીને હું મારા રૂમમાં પંહોચ્યો. અને કપડાં બદલી સુવા માટે પલંગમાં પડતું મુક્યું. આમ તો મને પડતાની સાથે તરત જ ઊંઘ આવતી નથી. માટે હું સામેની દીવાલ પર લટકતી ઘડીયાળના સેકન્ડ કાંટા સાથે પોતાની આંખો ફેરવતો રહું, અને એમ કરીને થાકી જાઉં ત્યાં સુધીમાં આપોઆપ મારી આંખો મીંચાઈ જતી ! અને આજે પણ મેં એમ જ કર્યું.

હજી ઊંઘ્યે માંડ પાંચેક મીનીટની વીતી હોય એમ લાગ્યું, ત્યાં જ તો કોઈએ મને ઢંઢોળ્યો, અને સાથે સાથે કાને અવાજ પડ્યો, “અલ્યા ઉઠ જલ્દી… આ જો હું શું લાવ્યો !”

અને એ આવજ તેજસનો છે એમ જાણીને હું સફાળો બેઠો થયો, અને સામે ભૂત દેખતો હોઉં એટલા આશ્ચર્ય સાથે બોલ્યો, “તેજસ, તું ? હમણાં જ તો આપણે છુટ્ટા પડ્યા ! પાછું ઘર સુધી કેમ આવવાનું થયું ?”

“આપણે હમણાં નહીં, કાલે રાત્રે છુટ્ટા પડ્યા હતા. તારી એ ‘હમણાં’ અને વર્તમાન વચ્ચે આખી એક રાત વીતી ગઈ દોસ્ત !”

“હેં !”, મેં આશ્ચર્ય સાથે સામેની ઘડિયાળમાં જોયું, જે હમણાં સવા નવનો સમય બતાવી રહી હતી ! સમયને પાંખો હોય એવી વાતો તો સાંભળી હતી, પણ એનો નક્કર અનુભવ આજે પહેલીવાર જ થયો !

“આ જો !”, કહેતાં તેજસે કંઇક વિચિત્ર ડીઝાઇન ધરાવતું યંત્ર મારા હાથમાં મુક્યું, જેમાંથી દર સેકન્ડે ‘ટીટ… ટીટ…’ અવાજ આવ્યા કરતો હતો.

“શું છે આ ?”, યંત્ર હાથમાં ફેરવતાં મેં પૂછ્યું.

“એ જ ! જેની આપણે રાત્રે વાત કરી હતી.”

એ શું બોલ્યો એ મને બરાબર સંભળાયું નહીં, મેં યંત્રને આમતેમ ફેરવતાં ફેરવતાં એનું બોલેલું વાક્ય મનમાં મમળાવ્યું, અને અચાનક કીડીએ ચટકો ભર્યો હોય એમ પથારીમાંથી ઉઠ્યો, “હેં ! શું ? આ એ જ છે…? ખરેખર ? પણ એક જ રાતમાં કલ્પના હકીકતમાં કઈ રીતે પરિણમી !?”, કહેતી વખતે મારા આશ્ચર્યનો પાર નહોતો.

“પુરુષાર્થ દોસ્ત પુરુષાર્થ !”, કહેતાં એ પોતાની જાત પર ઇતરાવા લાગ્યો.

“આ સાચે જ કામ કરે છે? તેં અજમાવી પણ જોયું કે નહીં ? અને આ ક્યારનું ‘ટીટ… ટીટ’ કેમ બોલ્યા કરે છે ?”, મેં એકીસાથે કેટલાય પ્રશ્નો કરી નાંખ્યા. અને છેલ્લો પ્રશ્ન સાંભળી તેજસને કંઇક યાદ આવ્યું હોય એમ બોલ્યો,

“અરે ! મુદ્દાની તો વાત કરવાની જ રહી ગઈ ! એમાં બન્યું એમ છે કે, મેં અજમાઇશ કરવા માટે યંત્ર શરુ કરી દીધું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે એમાં રહેલું નાનકડું સ્કેનર, મારે જે વ્યક્તિને મળવું છે એના ચેહરાની ઓળખ માંગશે ! અને એ ઓળખ જમા કરાવવાની અવધી માત્ર વીસ જ મીનીટની છે… જેમાંથી પંદર મિનીટ તો વીતી પણ ગઈ ! તારી પાસે હિટલરનો ફોટો છે ?”, એની આખી વાત હું ધ્યાન લગાવીને સાંભળી રહ્યો, અને જયારે એણે મારી પાસે હિટલરનો ફોટો માંગ્યો ત્યારે હું ચમકી ઉઠ્યો,

“શું? હિટલરનો ફોટો… અને એ પણ મારી પાસે ? અને પહેલા એમ કહે, તું ખરેખર હિટલરને મળવા માંગે છે !?”

“હાસ્તો વળી. એ હેતુથી તો આટલી મહેનત કરી છે !”

“પણ તને એવો વિચાર પણ છે, જો આ યોજના પાર પડે અને હિટલર સદેહે અહીં આવી પણ જાય તો વર્તમાન પરિસ્થિતિઓ પર એની શી અસર પડે !?”, એની યોજના સાંભળી મારી ઊંઘ તો ક્યારનીય ઉડી ગઈ હતી, અને હવે તો હું તર્ક-વિતર્ક કરવા જેટલો સભાન થઇ ચુક્યો હતો !

“કંઈ ખાસ નહીં !”

“મતલબ?”

“મારે ક્યાં તેમને હમેશાં માટે અહીં જ રોકી લેવા છે !”

“તો? આ બધું શું છે, આ યંત્ર, એની વાતો…?”

“એ બધું જ હકીકત છે. અને એ પણ એટલી જ હકીકત છે કે એ યંત્રથી લાવેલ વ્યક્તિ માત્ર ત્રણ જ કલાક સુધી અહીં – આપણા વર્તમાનમાં, રહી શકે છે. એ એક પ્રહરની અવધી પતતા જ એ જ્યાં પણ હાજર હોય ત્યાંથી અદ્રશ્ય થઇ જવાની !”

કોઈક જાદુઈ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી રહ્યો હોઉં એવા આશ્ચર્ય સાથે હું તેને સાંભળી રહ્યો. ઘડીભર તો વિચાર પણ આવ્યો કે, ‘શું આની વાત ખરેખર સાચી છે કે પછી ફક્ત ‘વાતો’ જ છે !’ પણ એવું કંઇક હું એને પૂછું એ પહેલા જ એણે ફરી પૂછ્યું, “બોલને… હિટલરનો ફોટો છે તારી પાસે ?”

“ના.”, મેં એકાક્ષરી જવાબ આપ્યો. એ હતાશા સાથે યંત્રમાં વહી જતા સમય તરફ જોઈ રહ્યો, જેની સ્ક્રીન પર આવનારી બે મીનીટનો સમય ઉંધી દિશામાં પળેપળ ઘટતો જતો હતો. અને એ સાથે મને બીજો વિચાર આવ્યો, જો ખરેખર એનું મશીન સાચું હોય તો આ તુક્કો મારવામાં નુકસાન તો ના જ કહેવાય, અને એ સાથે મેં તેજસ સામે મારો પ્રસ્તાવ મુક્યો,

“હિટલરનો તો ફોટો નથી, પણ આપણે એક બીજા મહાશયને મળી શકીએ એમ છીએ !”

“એમ? કોણ? ગાંધી સિવાય કોઈ પણ ચાલશે !”, હું ગાંધીનું નામ લઉં એ પહેલા જ એણે ચેતવણી આપી દીધી. કોણ જાણે એને બાપુથી એટલી ચીડ કેમ છે ?

“હા, એ ગાંધી જ છે !” મેં પણ નિર્લજ્જ થઇ જઈ જીદ કરવા માંડી, “જો, તારું આ યંત્ર ઘડીભરમાં બંધ થઇ જશે, એના કરતા બહેતર છે કે આપણે બાપુને મળી લઈએ !”

કંઇક વિચાર કર્યા બાદ મોઢું બગાડી એ બોલ્યો, “સારું ચલ, લઇ આવ એમનો ફોટો !”

અને એ સાંભળી હું હરખમાં આવી ગયો. પણ બીજી જ સેકન્ડે એ બધું હવા ! ભલે હું બાપુનો મોટો પ્રસંશક હોઉં, પણ એમની એક પણ છબી મારી પાસે નહોતી ! અને મારું ઘર એ કંઈ સરકારી ઓફીસ કે કોર્ટરૂમ તો હતી નહીં કે જ્યાં ભલે સમ ખાવા પૂરતા પણ ગાંધીની છબી હાજર હોય છે !

મને વિચારતો જોઈ, તેજસે પૂછ્યું, “શું થયું…? ગૂંચવાઈ કેમ ગયો ?”

“છબી ! એ તો મારી પાસે પણ નથી !”

“તો શું થયું ! ચલણી નોટ તો છે ને, એ લઇ આવ. સ્કેનરમાં એ પણ ચાલી જશે !”

“આ આવ્યો…”, કહેતો હું નીચે જવા ધસ્યો. અને તાબડતોબ મમ્મીના રૂમમાં મારી આપત્કાલીન મૂડી સ્વરૂપે સાચવી રાખવા આપેલા બે હજાર રૂપિયા લઇ આવ્યો. પણ મારા આશ્ચર્ય વચ્ચે ઘરમાં કોઈ હાજર ન હતું !

બે હજારની કકડતી ગુલાબી નોટ તેજસના હાથમાં આપતા મેં પૂછ્યું, “આ… ઘરે કોઈ હાજર કેમ નથી?”

“તારું ઘર છે અને તું મને પૂછે છે? હું આવ્યો ત્યારે બધું ખુલ્લું હતું, અને હું એટલી ઉતાવળમાં હતો કે કશુંય જોયા જાણ્યા વિના તારા રૂમમાં જ ધસી આવ્યો !”, સ્ક્રીન નીચેની સ્કેનર જેવી જગ્યામાં નોટ ગોઠવતા તેણે કહ્યું.

અને મશીને તરત જ નોટનો સ્વીકાર કર્યો, અને એમાંથી આવાજ આવ્યો, “પર્સન આઇડેન્ટિફાઈડ : મોહનદાસ કરમચંદ ગાંધી !”

હું ઉત્સાહ સાથે એ મશીન તરફ જોવા લાગ્યો, અને એ ઉત્સાહ વચ્ચે સ્કેનરમાં ગયેલી નોટ પાછી મેળવવાની તાલાવેલી પણ હતી. અને મને એમ જોઈ રહી તેજસ બોલ્યો, “એમ શું જોવે છે? એ નોટ તો હવે ગઈ ભાઈ !”

“શું ? મતલબ મારા બે હજાર ગયા ?”, મારાથી બે હજારની રકમ પર વિશેષ ભાર દેવાઈ ગયો. અને એ સાંભળી તેજસ મારી મશ્કરી કરતો હોય એમ હસ્યો !

મેં એની ગળચી ફરતે મારા હાથનો વીંટો માર્યો, અને ગુસ્સામાં બોલ્યો, “આ શું કર્યું તેં ! મને એક વખત ચોખવટ તો કરવી હતી ! કહ્યું હોત તો દસની નોટ નાંખત ને !”

“ભોગવો બાપુને મળવાની કિંમત !”, એણે ખાંસી ખાતાં રહી કહ્યું. અને એ સાંભળી મેં એના ગળે ભીંસ જમાવી !

અને ત્યાં જ રૂમના બારણે કોઈએ લાકડી ઠપકારી હોય એમ બે ટકોરા થયા, અને એ સાથે અવાજ દોરાઈ આવ્યો, “મારી જ હાજરીમાં મારા દિકરાઓ હિંસા આચરે છે !”

એ અવાજથી ખેંચાઈ અમે પાછળ ફરીને જોયું. અને જાણે ભૂત જ જોયું હોય એમ છક્ક થઇ ઉઠ્યા ! અમારી આંખો જે દ્રશ્ય જોતી હતી એની પર ખુદ એમને પણ વિશ્વાસ આવતો ન હતો !

‘શું ખરેખર સામે સદેહે બાપુ ઉભા છે !? ગાંધી બાપુ ? ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી !?’, જેવા અનેક પ્રશ્નો મેં મારા હ્રદયને એક જ ક્ષણમાં કરી નાંખ્યા !

“ના… ના… બાપુ. આ તો અમે બે ઘડી ગમ્મત કરીએ !”, તેજસે સહેજ પણ અચકાટ વગર એ સત્યની મૂર્તિ સામે અસત્ય કહી દીધું !

બાપુ અમારી પાસે આવ્યા, અને હું હળવેકથી પોતાને ચૂંટલી ખણી જોઈ, એ ભ્રમ છે કે સત્ય એની કંઈ ખરાઈ કરું એ પહેલા તો બાપુ પાસે આવી મને ભેટી પડ્યા ! કસમથી, હાર્ટ ફેઈલ થતા થતા રહી ગયું ! અને પછી તેઓ તેજસને પણ ભેટ્યા !

‘મારો બેટો જબરી શોધ કરી લાવ્યો !’, મેં મનોમન તેજસને શાબાશી આપી.

“મારા જન્મદિવસ સિવાય પણ કોઈ મને યાદ કરે છે એ જાણી આનંદ થાય છે. પણ હવે તમારા બંનેમાંથી કોઈ કહેશે, કે મને શા માટે બોલાવ્યો છે તે ? અને એ પહેલા એમ કહો, શું બધી વાતો ઉભા ઉભા જ કરવાની છે ?”, કહેતાં બાપુએ પોતાનું નિર્મળ હાસ્ય વેર્યું.

“ના બાપુ. ચાલો આપણે દીવાનખંડમાં બેસીએ.”, મેં થોથવાઈ જતાં કહ્યું, અને પોતાની ભોંઠપ છુપાવવા આગળ ચાલ્યો.

અમે ત્રણેય દીવાનખંડમાં આવ્યા. બાપુ ઘરનું નિરીક્ષણ કરતા હતા. તેજસ બાપુને મળીને કંઈ ખાસ ઉત્સાહિત તો ન હતો, પણ એની શોધ સફળ થઇ એનો હરખ એના ચેહરા પર સાફ વર્તાતો હતો. અને હું ! મારું તો શું કહું, મને તો હજી એમના હોવા વિષે શંકા હતી. અને જાણે મારા ચેહરાના ભાવ વાંચી જતા હોય એમ એમણે મને પૂછી લીધું,

“કેમ ? હજી વિશ્વાસ નથી આવતો ?”, કહેતાં તેમણે મારા ખભે હાથ મુક્યો, અને મને સોફામાં બેસાડી, પોતે પણ બાજુમાં ગોઠવાયા.

“દિકરા, તું જે જુએ છે એ સત્ય જ છે ! હવે મને એમ કહો, કે મને શા માટે બોલાવ્યો છે !?”

એ પ્રશ્નનો અમારી પાસે કોઈ જવાબ ન હતો, કારણકે બાપુને અમે કોઈ નક્કર કામ ખાતર તો બોલાવ્યા ન હતા, એમને તો માત્ર અમારા સ્વાર્થ ખાતર બોલાવ્યા હતા. અને એમના ચેહરાનું નુર જોઈ અસત્ય ઉચ્ચારવા મારી તો જીભ પણ કેમની ઉપડે !

અચાનક મને મારી યજમાન તરીકેની ફરજ યાદ આવી, “અરે બાપુ… તમને તો અમે પાણી સુદ્ધાં નથી પૂછ્યું !”, કહેતાં હું ઉભો થયો અને રસોડા તરફ ડગ માંડું એ પહેલા જ તેજસ બોલ્યો,

“તું બેસ. હું આપણા ત્રણેય માટે ચા બનાવી લાવું !”

“ના, બાપુ ચા નહીં પીવે. અને એમણે તો દૂધ આહાર તરીકે જ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પણ બાંધછોડ તરીકે એ બકરીનું દૂધ પીતાં, જે આપણા ત્યાં ભાગ્યે જ કોઈ વાપરે છે !”, મેં એકી શ્વાસે જવાબ આપ્યો. એ સાંભળી બાપુ હરખાઈ રહી મારી તરફ જોઈ રહ્યા. કેટલું વાત્સલ્ય હતું એ આંખોમાં !

“તો સરબત તો ચાલશે ને !”, જવાબની રાહ જોયા વિના એ રસોડા તરફ ચાલવા માંડ્યો.

“તું બેસ, તને મારા રસોઈઘરમાં સમજ નહીં પડે. હું જ બનાવી લાવું.”, કહેતો હું રસોડામાં પેઠો.

તેજસ અને બાપુ બહાર દીવાનખંડમાં બેઠા કંઇક વાતોએ ચડ્યા હતા, અને થોડીક વારમાં તો એમના હસવાના અવાજો પણ આવવા માંડ્યા !

‘મારો બેટો… કહેતો’તો બાપુ સિવાય કોઈને પણ મળીશ. અને હમણાં કેવો બત્રીસ કોઠે હસી રહ્યો છે ! એમાં વાંક એનો પણ નથી, બાપુ છે જ એવા… જેમને મળે એમને પોતાના બનાવી લે.’, એમ મનોમન બબડાટ કરતા રહી મેં સરબત બનાવ્યો, અને બહાર આવ્યો. એ સાથે જ મને બાપુને શું જવાબ આપવો એ યોજના પણ મનમાં ગોઠવાઈ ગઈ.

“એવું તો શું બતાવે છે બાપુને ?”, કહેતાં મેં એમની સામે સરબતના ગ્લાસ ધર્યા.

“કંઈ ખાસ નહીં… આ આપણું સોશિયલ મીડિયા અને નેટવર્કીંગ વગેરે !”

“અરે ગજબ છે ને આ તો ! આવડા અમથા સાધનમાં આખી દુનિયા તો કેમની સમાવી લેવાતી હશે !”, બાપુએ મોબાઈલ જોઈ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“બાપુ, આ સોશિયલ મીડિયા તમારા જમાનામાં હોત તો તમારે અંગ્રેજોને હાંકી કાઢવા ઘણાંય સેહલા પડત. આજની પેઢીનો દરેક જુવાન તમને ત્યાં મળી રહે !”, તેજસે મજાક કરતાં કહ્યું.

“મારે ક્યાં અંગ્રેજોને હાંકી કાઢવા હતા ! મારે તો અસત્યને કાઢવું હતું !”, બાપુએ સાહજિકતાથી તેજસની વાતમાં સુધારો કર્યો.

થોડીક આડી અવળી વાતો સાથે અમે સરબત પૂરો કર્યો, અને પછી મેં મારી યોજના બાપુને સમજાવવા માંડી.

“બાપુ, આમ તો મને અસત્ય બોલવું ગમતું નથી, અને એમાં પણ તમારી સામે અસત્ય બોલવું એ મારી માટે અશક્ય બાબત છે ! માટે સાચું જ કહીશ, અમે તમને અમારા સ્વાર્થ કાજે – માત્ર તમને મળવા – બોલાવ્યા હતા. પણ હવે જયારે તમે આવી જ ચુક્યા છો તો મારા મનમાં એક યોજના છે, અમે તમને બહાર લઇ જઈ આજની પરિસ્થિતિ બતાવીશું… અને મને ખાતરી છે, આટલા દાયકાઓ બાદનું ભારત જોઈ તમને મજા પડશે !”

મારી વાત સાંભળી બાપુ મંદ મંદ હસ્યા, અને બોલ્યા, “ભલે, જેમ તમને ઠીક લાગે !”

“પણ બાપુને આમ તો ન જ લઇ જવાય ને !”, તેજસે વચ્ચે મમરો મુક્યો, “આમ એમને બહાર લઇ જઈએ તો બધે જ ધમાલ મચી જાય… ગાંધી આખરે ફરી કઈ રીતે જીવિત થયા એ પ્રશ્નનો જવાબ આપતા જ આપણા નાકે દમ આવી જાય !”

એનો તર્ક પણ યોગ્ય સ્થાને હતો… અને એના પ્રશ્નએ મને વિચારતો કરી મુક્યો !

થોડીકવાર વિચારતા રહી મેં કહ્યું, “બાપુને વેશ પરિવર્તન કરાવીને લઇ જઈએ તો ?”

“હા, એ યોગ્ય રહેશે ! ચાલ, બહારથી સામાન લઇ આવીએ.”, કહેતાં એ ઉભો થયો, અને અમે ઉત્સાહમાં બજાર જવા નીકળ્યા.

અમારી પાસે સમય પણ ખાસ હતો નહીં, ત્રણ કલાકમાં બાપુને ફરી પાછું જવાનું હતું, અને એ થોડાક સમયમાં જેટલું બને તેટલું વધારે અમારે તેમને આધુનિક ભારત – એમના સપનાનું ભારત – બતાવવાનું હતું ! રસ્તામાં અમે બાપુને ક્યાં ક્યાં લઇ જવા એ અંગે ચર્ચાઓ કરતાં રહ્યા, અને અંદાજે એકાદ કલાક બાદ ઘરે આવ્યા. બાપુના વેશ પરિવર્તન માટે અમે પંજાબી કુર્તો-પયજામો, માથે પાઘડી બાંધવાનું કપડું, નકલી દાઢી, અને મોજડી લીધા હતા. અને અમે ગયા ત્યારના ઉત્સાહમાં પાછા આવ્યા સુધીમાં લગભગ બમણો વધારો થયો હતો.

પણ બાપુને પક્ષે એવું નહોતું લાગતું ! એ કંઇક હતાશ લાગતા હતા.

“તમારો ખાસ્સો સમય વ્યય કર્યો, નહીં ?”, કહેતાં મેં વાતનો દોર સાધ્યો.

એ સાંભળી તેઓ મંદ મંદ હસ્યા અને બોલ્યા, “કેમ ભૂલી ગયો મારો એ કિસ્સો… ‘હું ધારું નહીં ત્યાં સુધી મારો સમય કોઈ પણ વ્યય નથી કરી શકતું !”, અને એ સાંભળી હું પણ હસી પડ્યો. હું પોતાને ખરેખર નસીબદાર માનું છું, જેમણે કરેલા દરેક સત્યાગ્રહના તો આપણને નામ પણ યાદ ન રહે, જેમણે સત્ય અને અહીંસા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, જેણે એક લાકડીના જોર પર દેશને આઝાદી અપાવી, એ મહાત્મા ખુદ – ‘મોહનદાસ કરમચંદ ગાંધી – મારી સામે ઉભા હતા !

“તે શું કર્યું તમે આ એક કલાકમાં ?”, તેજસે મારી જિજ્ઞાસાને વાચા આપતા પૂછી લીધું. અને જવાબમાં બાપુએ ટેબલ પર પડેલા છાપાઓ તરફ નજર ઘુમાવતા કહ્યું,

“મને તો એમ હતું કે તમે લોકોએ આ આધુનિક યુગમાં છાપાઓને આત્મહત્યા કરવા પર મજબુર કર્યા હશે. પણ હજી સુધી લોકો છાપા વાંચે છે એ પણ મારા માટે એક આશ્ચર્ય જ છે !”

“હજી તો એવા કેટલાય આશ્ચર્ય તમારે જોવાના બાકી છે !”, કહેતાં તેજસે સામગ્રીની થેલી બાપુ સામે ધરી, અને ઉમેર્યું, “ચાલો, તૈયાર થઇ જાઓ જલ્દી !”

એ સાંભળી બાપુએ મારો હાથ તેમના હાથમાં લીધો, અને મારા હ્રદય પર મુકતા તદ્દન સાહજીકતાથી પૂછ્યું, “સાચું કહેજે, શું વેશ પરિવર્તન પણ એક રીતે અસત્યનું આચરણ નહીં કહેવાય !?”

અને એ સાંભળી હું જાણે ધ્રુજી ઉઠ્યો, જતા પહેલા એક વાર પણ મેં બાપુની સંમતી ન લીધી… એ વિચારી હું નીચું જોઈ ગયો.

“શું બાપુ તમે પણ ! આજના સમયમાં ક્યાં આ સત્ય-અસત્યની વાતો લઈને બેઠા !”, તેજસે વાતાવરણ હળવું કરતાં કહ્યું.

અને બાપુ પણ જાણે તેના કહેવાનો અર્થ સમજતા હોય એમ બોલ્યા, “ચાલ એક ક્ષણ પુરતી તારી વાત – વેશ પરિવર્તનની વાત – હું માની પણ લઉં, પણ તું મને એમ કહે, તું મને ‘આવું’ ભારત બતાવવા માંગે છે !”

“મતલબ ?”, મેં ફાટી આંખે પૂછ્યું, “આવું ભારત એટલે ?”

“દિકરા, મેં આ એક કલાકમાં છાપામાં ફક્ત ફોટા જોઇને પાનાં નથી ઉથલાવ્યા ! અને આ તો માત્ર એક અઠવાડિયાના છાપા જોયા છે… પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આ મારા સપનાનું ભારત નથી જ !”

હું અને તેજસ, જાણે આઘાત લાગ્યો હોય એમ સાંભળી રહ્યા, તેઓ આગળ બોલતા રહ્યા, “શું હાલત થઇ ગઈ છે આ દેશની ! છાપાના દરેક પાને ભ્રષ્ટાચાર, ઘોટાળા, કાળુંનાણું, રાજનીતિના નામે ચાલતી ગંદ…” આટલું કહેતાં સુધીમાં તો એમના ગળે ડૂમો બાઝી આવ્યો ! “…આ બધા વચ્ચે મારો આપ્તજન – ‘સામાન્ય માણસ’ તો ક્યાંયનો નથી રહ્યો ! આ મારા સ્વપ્નાનું ભારત નથી… નથી જ !”, કહેતાં એમની આંખે પાણી તરી આવ્યું !

એક સમયે દેશ આખાને એક તાંતણે બાંધનારની પાસે કેવું લાગણીસભર હ્રદય હતું એ વાતની સાબિતી હતા એમના એ અમુલ્ય આંસુ !

“પણ બાપુ, તમે માત્ર નેગેટીવ કેમ જુઓ છો. આજે ભારતે કેટલી પ્રગતી કરી છે એ પણ તો જુઓ…! આજે વિશ્વફલક પર ભારતનું નામ ગર્વભેર બોલાય છે !”

“જે દિવસે ભારતના છાપાઓમાં અધોગતિ કરતા પ્રગતિના સમાચાર વધારે જગ્યા રોકે, અને દુનિયા ભારતને જાણે કે ન જાણે, પણ મારા દેશનો એકેએક સામન્ય ખુશ હોય, એ દિવસે મને ‘ફરી’ યાદ કરજો !”

“એટલે ? તમે આજે અમારી સાથે બહાર નહીં આવો ?”, મેં આઘાત સાથે પૂછ્યું.

“ના…”

“તો બાપુ, તમે આ પરિસ્થિતિ માટે કંઈ કરવા ઈચ્છતા હોવ તો હું કંઇક અરેન્જ કરું. પળભરમાં દેશ આખાની મીડિયા સામે આપણે લાઈવ જઈ શકીશું, અને તમારે બધાને જે સંદેશો પાઠવવો હોય એ પાઠવજો !”, તેજસે બીજો ઉપાય સૂચવ્યો. અને એ સાંભળી બાપુ હસી પડ્યા, અને બોલ્યા,

“દીકરા, મેં તો મારું કામ પૂરું કર્યું ! હવે ભૂતકાળમાં મેં અને તમારા પૂર્વજોએ જે કર્યું છે એને તમારે જાળવવાનું છે, અને એમાં ઉમેરો કરવાનો છે… અને એ માટે તમારે આ ‘ગાંધી’ ની પણ જરૂર નથી… તમારામાં રહેલા સત્યને ઓળખો, અને એને અનુસરો !”

“બાપુ, તમને તમારા ગાંધીવાદ પર વિશ્વાસ નથી ? શું તમને એમ લાગે છે કે હવે આજના સમયમાં તમારા આદર્શો – સત્ય, અહિંસા, પ્રમાણિકતા – માત્ર સમ ખાવા પૂરતા જ રહી ગયા છે ?”, હું ખચકાટ સાથે ન કરવાનો પ્રશ્ન કરી બેઠો !

અને એ સાંભળી તેઓ બોલ્યા, “કયો ગાંધીવાદ ? મેં કોઈ નવા સિદ્ધાંતો કે આદર્શો શોધ્યા ન હતા, મેં તો એ જ અનુસર્યું જે યુગોથી અસ્તિત્વમાં છે… મારા હોવાથી પણ ઘણા સમય પહેલા ! અને છતાં જો તમે એને ગાંધીવાદ કહેવા માંગતા જ હોવ તો મને એ પણ જણાવી લેવા દો, કે દરેક વાદનો એક કાળ હોય છે, સમય વીત્યે એ ભૂલાતો જાય છે ! પણ સત્ય એ સાશ્વત છે, એને કોઈના સ્વીકારવ-અસ્વીકારની મોહતાજ નથી ! અને રહી વાત મારી, તો એટલું ચોક્કસ છે કે જ્યાં સુધી ચલણી નોટો પર મારી છબી છે ત્યાં સુધી કોઈ મને ભૂલી શકવાનું નથી ! કારણકે એ જ પામવા તો આજે બધાય મથી રહ્યા છે…!”, કહેતાં એ હસી પડ્યા.

હું શરમથી નીચું જોઈ ગયો, તેજસ પણ બાપુની વાણી સાંભળી સહમી ગયો હતો ! અને એ જોઈ બાપુએ અમારા બંનેના ખભે હાથ મુકતા કહ્યું, “…અને જ્યાં સુધી તમારા જેવી યુવા પેઢી છે, ત્યાં સુધી આ મોહનદાસ કે એના આદર્શો ક્યારેય ભૂલાવાના નથી !”

એ સાંભળી તેજસ ભાવવિભોર બની ગયો અને બોલ્યો, “બાપુ, આજે મને પણ એક સત્ય ઉચ્ચારી લેવા દો ! હું તમારા આ વાત્સલ્યનો અધિકારી નથી… મેં આજની ઘડી સુધી આપને ધીક્કાર્યા છે, કારણ હું પણ નથી જાણતો…! પણ આજે તમને જાણ્યા બાદ તમને સારી રીતે સમજી શકું છું ! અને તમને ‘મહાત્મા’ શા માટે કેહવાય હશે એ પણ તમને જાણ્યા બાદ જ સમજી શકાય !”

“બાપુ…”, હું ગદ્ગદિત સ્વરે બોલ્યો, “… તો શું અમારું માન રાખવા ખાતર, સમયના આટલા દાયકાઓ દુર આવ્યા છતાંય, અમારી જોડે બહાર નહીં આવો…!?”, હું એક આખરી પ્રયાસ કરતો હોઉં એમ જેટલી બને એટલી આજીજી ભરેલી ભાષામાં બોલ્યો. પણ બાપુએ જે જવાબ આપ્યો એ મારા હ્રદય પર પથ્થર પરના લખાણની જેમ કોતરાઈ ગયો !

તેમણે નિસાસો મુકતા, સ્મિતસહ કહ્યું, “દીકરા, મારી સગી આંખે આવું ભારત દેખવા કરતાં હું, નથુરામ ગોડસેની બીજી બે ગોળીઓ ખમવાનું હું વધારે પસંદ કરીશ !”

અને એ સાંભળી હું એમના પગમાં પડી ગયો અને રડમસ અવાજે બોલવા માંડ્યો,

“બાપુ, મને માફ કરી દો… તમારા જેવા મહાત્માને મેં મારા સ્વાર્થ કાજે બોલાવીને અજાણતામાં જ ઘણા દુઃખી કર્યા છે… મને માફ કરી દો બાપુ, માફ કરી દો મને !”

પણ આ શું ? બાપુ તો કંઈ બોલ્યા જ નહીં, અને ઉપરથી એમ લાગ્યું કે કોઈક મને ઢંઢોળી રહ્યું છે, અને આ સ્ત્રીસહજ આવજ ક્યાંથી આવે છે ? અરે આ અવાજ તો…! આ તો મમ્મીનો અવાજ છે !

અને હું પથારીમાં સફાળો બેઠો થઇ ગયો ! સામેની દીવાલ પરની ઘડિયાળ આઠ વાગ્યાનો સમય દર્શાવતી હતી, અને પલંગની બાજુમાં મારી મમ્મી હાથમાં ચા લઈને ઉભી હતી ! હા, મને બેડ-ટી લેવાની (ખરાબ) આદત છે !

“શું બાપુ, બાપુ કરતો હતો હેં ? અને શેની માફી !?”, મમ્મીએ મને ચા ધરતા કહ્યું.

‘ઓહ ! તે એ બધું જ સપનું હતું ! પણ હમણાં કેમ કશું ખાસ યાદ નથી આવતું ! સપનું તો કંઇક વિચિત્ર જ હતું ! અજબ છે માનવીનું મન પણ, ભૂતકાળ અને સ્વપ્ન – બંનેને જેટલું પણ યાદ રાખી લેવા મથ્યા કરે, એ તો ભૂંસાતું જ જાય છે !’, મનોમન વિચાર કરતાં મેં ચાની ચુસ્કી લીધી. અને મમ્મીએ પણ જવાબની રાહ જોયા વગર આગળ ચલાવ્યું,

“જલ્દી તૈયાર થઈને નીચે આવી જજે. આજે તારા ડેડી ઘરે છે, એટલે આપણે બધાએ જોડે નાસ્તો લેવાનો છે !”, કહી એ ચાલી ગઈ.

મારા ડેડ આ વિસ્તારના એમ.એલ.એ છે. એટલે મોટાભાગે કામ અને મિટિંગમાં જ વ્યસ્ત ! અને ક્યારેક ઘરે હોય તો પણ કામ તો એમની સાથે પડછાયાની જેમ ! એટલે એક જ છત નીચે હોવા છતાં મળવાનું ઘણું ઓછું બનતું… હા, થોડું વિચિત્ર છે, પણ એ જ સત્ય છે ! માટે જ ક્યારેક આમ જોડે બ્રેકફાસ્ટ, ડીનર લેવાના ખાસ પ્રોગ્રામ ગોઠવાતા !

હું નિત્યક્રમ પતાવી, તૈયાર થઇ નીચે ટેબલ પર પંહોચ્યો ત્યારે ડેડ પેપર વાંચી રહ્યા હતા. મને આવેલો જોઈ તેમણે સ્મિતથી અભિવાદન કર્યું અને ફરી પોતાના સમાચારોની જાળોમાં અટવાયા !

મમ્મીએ મને નાસ્તો પીરસતી વખતે, ડેડ સાંભળી શકે એમ પૂછ્યું, “સવારે શું બબડતો હતો ? બાપુ પાસે શેની માફી માંગવાની હતી હેં?”, મારી ભોળી મમ્મીએ ‘બાપુ’ નો સંદર્ભ ‘ડેડ’ સાથે જોડ્યો હતો.

એ સાંભળી ડેડ પેપર મૂકી મારી તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા, અને હવે જવાબ આપ્યે છુટકો નથી એમ ધારી મેં કહ્યું, “ડેડ એ તમારા માટે નહોતું ! બાપુ માટે હતું… ગાંધી બાપુ માટે !”

એ સાંભળી ડેડ હસી પડ્યા, “તને વળી ગાંધી ક્યાં મળ્યા ?”

“એ તો મળ્યા હવે.”, મેં વાતનો છેદ ઉડાવતાં કહ્યું.

“પછી શું કહ્યું એમણે ?”, મારા પિતાને મારી મશ્કરી કરવામાં સાહજિક આનંદ આવતો હોય એમ તેમણે વાત આગળ વધારતા રહી પૂછ્યું.

“કંઈ ખાસ નહીં. મેં એમને ફરવા લઇ જવાનો પ્રસ્તાવ મુક્યો પણ તેઓ માન્યા નહીં !”, મેં અમસ્તા જ કહી નાખ્યું.

“એમ ? કેમ ના માન્યા ?”

“એમણે કારણમાં એમ કહ્યું કે, આવું ભારત એમની સગી આંખે જોવા કરતાં તેઓ ગોડસેની બીજી બે ગોળીઓ ઝીલવાનું વધારે પસંદ કરશે !”, મને આખુ સ્વપ્ન તો યાદ નહોતું, માત્ર થોડાક અંશ યાદ હતા, પણ કોણ જાણે કેમ આ વાક્ય મને શબ્દશઃ યાદ રહી ગયું હતું, અને વારંવાર મનમાં ઘોળાયા કરતું હતું. એ વાક્ય સાંભળી ડેડ નીચું જોઈ ગયા, જાણે પોતે પણ ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુનેગાર ન હોય !

આખો દિવસ મારો ગમગીનીમાં વીત્યો, રાત્રે તેજસને મળ્યો ત્યારે જેટલું યાદ આવ્યું એ બધું કહ્યું, શરૂઆતમાં તો એણે હસી નાંખ્યું. પણ મારી ગંભીરતા જાણી એ પણ વિચારમાં પડ્યો. આખરે મેં મૌન તોડતા કહ્યું,

“તેજસ, આ કુદરત પણ અજબ ચીજ છે ! એણે મોત ઘડ્યું છે એ પણ કંઇક ગણતરીઓ સાથે જ ! અને ક્યારેક આપણે એ જ કુદરત સાથે ચેડાં કરી બેસીએ છીએ. કદાચ એવી કોઈ શોધ થઇ પણ જાય તો એ જે તે વ્યક્તિનું તો દિલ દુભાય જ, અને સાથોસાથ ક્યારેક આપણા વર્તમાન પર પણ એની ગંભીર અસર ઉપજી શકે છે ! આપણે બને તેટલું વર્તમાનમાં જીવી લેતાં શીખવું રહ્યું ! ગાંધીને મળવાની લાલચમાં ગાંધીને દુભાવવું મને સ્વીકાર્ય નથી !”

– Mitra ❤

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.