Education Gujarati Writers Space

અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )

યહ ઉન દિનો કી બાત હૈ…જ્યારે અમે સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કટાર લેખકો ઉર્ફે કોલમનિસ્ટ પર કર્યું. પણ અમે અત્યારના લબરમુછીયા સાહિત્યપ્રેમીઓ કરતા વધારે સંતુલિત-પૂર્વગ્રહરહિત અભ્યાસ કરી શક્યા. કારણ કે ત્યારે ઓરકુટ અને પછી ફેસબુક પાપાપગલી કરતું હતું. અને અત્યારની જેમ લેખકોના એક એક શબ્દ તોળીને પછી ટોળકીઓ બનાવીને ટ્રોલ કરવાની ફેશન હજી ખાસ નહોતી. સહમત-અસહમત ખૂણે ખાંચરે રમાયા કરતું, પણ લિમિટમાં…

બક્ષી તો કોલમનિસ્ટ તરીકે સાહિત્યની મેચમાં મારા માટે વર્લ્ડકપ હતા જ. (સાક્ષાત નહિ, પણ એમના પુસ્તકો સ્વરૂપે.) પણ મારા માટે બે નામ ઉભરીને આવ્યા. જેમને હું અનુક્રમે ક્રિકેટની ટર્મિનોલોજીમાં ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ અને T-20 વર્લ્ડકપ તરીકે સરખાવું છું. એક હતાં મારી ‘ચેતના’ અને ‘પ્રેરણા’નો અખંડદીવડો એવા કાંતિ ભટ્ટ. અને બીજા તો રોમાન્સના રાજા, સાંપ્રત રાજકારણનો પ્રવાહ, સામાજિક માનસિકતા અને ઇતિહાસનાં અભ્યાસનું ટેસ્ટી કોમ્બિનેશન કરીને મોડર્ન ઇન્ડિયા માટે અદભુત વિઝન રજૂ કરી શકે એવાં લોકપ્રિય અને અમને અંગત રીતે અતિપ્રિય એવાં જય વસાવડા…

કાંતિ ભટ્ટ જેવા કોલમનિસ્ટ મને જે રીતે સ્પર્શી શક્યા એ હવે આગામી દસ વરસ સુધી કોઈ બીજાને સ્થાન મળે એવું હાલ તો નથી લાગતું. એમની ખૂબી એ કે પોતાના પર્સનલ ઓપીનીયનને સાઈડમાં રાખીને એ જગતભરના ચિંતકો-લેખકોની વાતો આપણી સમક્ષ મૂકી દે. ઓપીનીયન પોતપોતાની ક્ષમતા અને શોખ મુજબ વાંચકે જાતે નક્કી કરવાનાં. આનાથી મોટી વિચારશક્તિ ખીલવવાની તક બીજો કોઈ લેખક ભાગ્યે જ આપી શક્યો.

અને ત્યારબાદ એકવાર એક પુસ્તક હાથમાં આવ્યું. લેખકશ્રી જય વસાવડાનું ‘યુવા હવા’, વાંચ્યુ,ગમ્યું. પણ પછી ભુલાય ગયું. જિંદગીના સંઘર્ષમાં વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, અને પ્યાર-રોમાન્સથી હું દૂર જતો રહ્યો હતો. એટલે ફરી થોડો ટાઈમ જય વસાવડા ભુલાય ગયા. પણ ઋણાનુબંધ હશે અને ઉપર કહ્યું એમ પૂર્વગ્રહો બાંધી લેવાની આદત જ નહીં એટલે બીજા બે પુસ્તકો થોડા અંતરાળે વાંચવામાં આવ્યા. ‘ઓહ હિન્દુસ્તાન આહ હિન્દુસ્તાન’ અને પછી ‘સાહિત્ય અને સિનેમા’. બસ જલસો પડી ગયો. અને આજીવન વાંચક બની રહેવાના કોલ અમે તો આપી દીધા. એક દિવસ જયભાઈનો લેખ વાંચ્યો દશેરા પર એમના જન્મદિવસે આત્મકથાનક લેખ હતો. બસ, રહી સહી ગેરસમજ પણ દૂર થઈ ગઇ. તાત્કાલિક ફોન જોડ્યો રાતે બાર એક વાગ્યે. એમના લેખોના વખાણ કરવાને બદલે અગાઉની ગેરસમજો વિશે ચોખવટ કરી. અને મારા આશ્ચર્ય સાથે જયભાઈએ જાણે વરસોની ઓળખાણ હોય એમ મિત્રભાવે વધાવી લીધી. એ વાતને આજે બાર વરસ થયા. હજી એમના હોલિવુડના લેખો મને ઓછા પચે, સાયન્સ ફિક્શન પણ મારા શોખ બહારની વાતો. છતાં નિયમિત એક પણ લેખ ચુક્યા વગર વાંચવાનું ચુકાય નહિ એવા હાલના એકમાત્ર કોલમનિસ્ટ એટલે જય વસાવડા… કોઈ ક્લોઝ ફ્રેન્ડશીપ સિવાય પણ અડધી રાતે મારી મૂંઝવણ બિન્દાસ શેર કરી શકું એવાં એકમાત્ર લેખક, એ હું તામ્રપત્ર પર લખી આપવા તૈયાર છું. જય હો…

એ સિવાય ગુણવંત શાહ પણ ટહુકા કરીને અમારા તેજાબી દિમાગને ડાયલ્યુંટ કરતા રહે. ગાંધી હોય કે સરદાર હોય કે મહાવીર હોય કે ઓલઓવર શાંતિ-સમૃદ્ધિનું જીવનધોરણની સમજણ આપવાનું શ્રેય ડંકાની ચોટ પર હું ગુણુંબાપુને જ આપું.

આ ઊપરાંત કાના બાટવા, ભવેન કચ્છી, વિદ્યુત જોશી અને મધુરાયની કોલમના પણ અમે દિવાના. સૌરભ શાહ, ઉર્વીશ કોઠારી અને રમેશ ઓઝા જેવાં સિનિયર કોલમનિસ્ટો તો તમને મનભેદ-મતભેદ હોય તો પણ ચુક્યા વગર વાંચ્યા જ કરવા. એમનો ઓપીનીયન ના ગમે તો એ એડિટ કરીને મુખ્ય કન્ટેન્ટ પર ધ્યાન આપવું. ‘ડોકટરની ડાયરી’ ફેઈમ ડો.શરદ ઠાકર સાથે અમુક સામસામા મતભેદ હોવા છતાં અને એ કારણોસર અંગત સબંધ સાવ બગડી ગયો હોવા છતાં એમનો ફાળો મારો મેડિકલ લાઈફની રણનીતિઓના ઘડતરમાં બિલકુલ કમ નથી.

હવે તો નવા નવા યુવાન તેજતરાર યુવા કટાર લેખકો ડઝનબંધ તૈયાર થઈ ગયા છે. ખરેખર એમને વાંચવાનો ઔર આનંદ આવે છે. કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે. ભાવિન-જયેશ અધ્યારૂ જેવા લેખકો પણ ચુક્યા વગર સતત ટાઇમલાઈન જોયા કરવી પડે. વિરલ વસાવડાના સાયન્સ આર્ટિકલ ખરેખર યુનિક માહિતીપૂર્ણ હોય છે. (બીજા ઘણા યુવા લેખકોના લિસ્ટ પણ લાંબા હોવાથી એકાદ નામ ચુકાય જાય તો વગર કારણે મનદુઃખ થાય. એટલે નામ લખવાનું ટાળું છું.)

તદુપરાંત શોભા ડે, ચેતન ભગત, એમ.જે અકબર અને ખુશવંત સિંહ, સુધીર નાયર જેવા અંગ્રેજી ભાષી લેખકો સાથે પણ યુવાનોએ ફરજિયાત ટચમાં રહેવું જ જોઈએ.

તો નેગેટિવ પોઇન્ટ તરીકે હાલનાં કટાર લેખકોમાં ઘણાં દુર્ગુણો છે. ઓછા વંચાતા લેખકો હવે સોશિયલ મીડિયાના જોરે ચાહકો ઉભા કરવા અતરાત્માના અવાજ અને નિષ્પક્ષ બેખોફ લખવાને બદલે પોતાની રાજકીય વિચારધારા પ્રમાણે સાવ જ અતાર્કિક-વાહિયાત ઓપીનીયન આવતા રહે છે. એવાથી હું દૂર રહેવાનું પસંદ કરું છું. છતાં એમના લેખો પર એક ઊડતી નજર તો ફેરવી જ લેવી. જેણે જ્ઞાન-માહિતી મેળવવી છે એમણે આટલું તો સ્વાર્થી અને ફ્લેકસીબલ બનવું જ રહ્યું.

ખૈર, યુવા વાંચકોને એક વણમાગી સલાહ… તમારે જો 360 ડિગ્રીનો પૂર્ણ અભ્યાસ કરવો હોય અને મેક્સિમમ જ્ઞાનપ્રાપ્તિ કરીને સતત અપડેટ રહેવું હોય તો સહમત-અસહમત થવાના ચક્કરમાં પડ્યા વિના વાંચતા જ રહો. કોણ સાચું-કોણ ખોટું, કોણ સારું-કોણ ખરાબ એ ચક્કરમાં પડ્યા વગર પહેલા બધું વાંચી લો. અમુક લેવલના અભ્યાસ પછી તમારા ઓપીનીયન આપોઆપ પ્રામાણિક થઈ જશે. અને ઘણા ખરા સ્વીકારશે પણ ખરા.

પાંચ પુસ્તકો પુરા વાંચ્યા ના હોય એવા લોકો પણ હવે એસ્ટાબલિશડ લેખકો સાથે સહમત અસહમતની રમતો રમ્યા કરે છે. મફતના ભાવે ઇન્ટરનેટ મળતું હોય તો નવરા બેઠા નખ્ખોદ વાળવા માટે આ પ્રવૃત્તિ ઠીક છે. પણ ખરેખર જેણે અપડેટ થવું જ છે એને આ બિનજરૂરી વ્યર્થ પ્રવૃત્તિ હરગીઝ ના પોષાય.. પુષ્કળ વાંચી લો. પોતાનો ઓપીનીયન રજૂ કરવાની કે ઓછા અભ્યાસે લેખક બનવાની ખુજલીથી દુર રહીને ચિક્કાર વાંચન કરો. બીજું બધું ઓટોમેટિક પ્રોસેસ તરીકે અનાયાસે મળતું રહેશે.

બાકી જો સોશિયલ મીડિયામાં પડ્યા પાથર્યા રહેતાં ટોળકીઓના રવાડે ચડશો, તો જય વસાવડાના જ શબ્દોમાં ફાઈલને બદલે ફોલ્ડર બનીને રહી જશો.

તો દોસ્તો, વાંચતા રહો, વિચારતા રહો અને અપડેટ થતા રહો.

આપણો વિકાસ એજ દેશનો વિકાસ…

– ભગીરથ જોગીયા

(સંપૂર્ણ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.