Education Gujarati Writers Space

અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૨ )

તરુણવયમાં માહિતી અને જ્ઞાનને બદલે વિસ્મય કે કલ્પનાની દુનિયામાં વધારે ધ્યાન આપવું જોઈએ, જેથી વિચારશક્તિ ખીલે. અને એના માટે નવલકથા-ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ કરતા સારું અને સાચું માધ્યમ કોઈ હોઈ જ ન શકે.

લગભગ પરાજિત પટેલની એક નવલકથા પહેલવહેલી અમારા હાથમાં આવી. આમ તો બે ચાર વર્ષ પછી એ નવલકથા સાવ ફાલતુ લાગવાની હતી, છતાંયે પુસ્તકોની દુનિયામાં લાંબો પ્રવાસ કરવા માટે આ નવલકથાએ કીક લગાવી આપી, એટલે એનું મૂલ્ય બિલકુલ ઓછું ના અંકાય. રણજીટ્રોફીમાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી ભલે બારમાં ખિલાડી તરીકે મળે, પણ એય અહોભાગ્ય જ કહેવાય ને!

નવલકથાઓ-ટૂંકી વાર્તાઓ અને કવિતા-ગઝલોની દુનિયામાં અમે ગોથીકડાં ખાતા ગયા. પુસ્તક લઈ જાય ત્યાં જઈએ, એ સૂત્રને અનુસરતા અમે કલ્પનાની દુનિયામાં વિહરવાનું શરૂ કર્યું. કેટકેટલા લેખકો-કવિઓ! કેટકેટલા પુસ્તકો! એનું લિસ્ટ બનાવીએ તો વરસોનાં વરસ લાગે.

અશ્વિની ભટ્ટે અમને ‘ઓથાર’ની દુનિયામાં ‘અંગાર’ બનાવીને વિહાર કરાવ્યો. પન્નાલાલ પટેલે ‘માનવતા’ સાથેની ‘ભવાઈ’ શીખવી. દિલીપ રાણપુરાએ ‘મીરાની રહી મહેક’ થકી ‘સૂકા આંસુ’એ રડાવ્યા પણ ખરા! હરકિસન મહેતા સંગાથે અમે ડાકુઓની દુનિયામાં પણ અંતરાળ પ્રવાસ કરી આવ્યા. આ સિવાય વજુ કોટક, ગુલશન નંદા, વીનેશ અંતાણી, મુનશી-મેઘાણી જેવા ગુજરાતી ભાષાના ધુરંધરો એમની નવલકથાઓનાં ઈશારે અમારી લાગણીઓને નચાવતા રહ્યા.

ટૂંકી વાર્તામાં પણ મેઘાણી, ઈશ્વર પેટલીકર, દિલીપ રાણપુરા, જયંત ખત્રી, મધુ રાય અને ધૂમકેતુ જેવા લેખકોએ અમને નાના નાના પણ કલ્પનાશક્તિ અને રોમાંચ બમણી ઝડપે દોડે એવા પ્રવાસો કરાવ્યા. ‘બાંસી નામની એક છોકરી’ અને ‘પોસ્ટ ઓફીસ’ વાળી મરિયમ દિમાગમાંથી આજે દસ-પંદર વરસે પણ ભુલાઈ નથી.

મરીઝ, બેફામ, શેખાદમ આબુવાલા, શયદા, જલન માતરી, ગની દહીંવાલા અને નાઝીર દેખૈયા જેવા શાયરોની એટલી ઊંડી અસર થઈ કે એ ટૂંકી ટૂંકી લાગણીઓમાં ફંગોળાતા અમે ઘડીકમાં ‘શૂન્ય’ થઈ જતા તો ઘડીકમાં અનંતે વિસ્તરી જતા. રોમાન્સની ખ્યાલી ગુલાબી દુનિયામાં વગર કારણે ખોવાય જવું હોય કે જગતની નિષ્ઠુરતાંને કોસતા કોસતા આક્રોશી બની જવું હોય કે પછી સાવ નિસ્પૃહ થઈને કિસ્મતની શરણમાં પડી જવું હોય, ગઝલો-કવિતાઓ કાયમ દિલની સૌથી નજીક રહી છે.

ખૈર, વાત સાહિત્યની નીકળી જ છે તો દૂર સુધી જવી જોઈએ. જગજીતસિંહ અને પંકજ ઉધાસે વાયા વાયા ગાલિબ, મીર, બશીર બદ્ર જેવા ઉર્દુ કવિઓથી વાકેફ કરાવ્યા. ઉર્દુમાં વધારે ને વધારે તલ્લીન થઇ જવા માટે અમુક ઉર્દુ શબ્દો ખાસ શીખી લીધા. માનો કે ગોખી જ લીધા. ઔર કસમ સે, જ્યારે કોઈ ઉર્દુ ગઝલ આખે આખી સમજાય જાય, ત્યારે હજી આજે પણ… ગાલિબ પછી કોણ…? તો ફક્ત હું, હું અને હું જ જેવી સુપિરિયર ફીલિંગ આવે. કમનસીબે વિદેશી કવિતાઓમાં અમુક પ્રખ્યાત રચનાઓ સિવાય ખાસ રસ જ ન પડ્યો. (ભવિષ્યમાં પડે તો નસીબ એના!)

વિદેશી સાહિત્ય પણ ઉપરછલ્લુ છવાતું ગયું. શેક્સપિયર, કાફકા, હ્યુગો, અગાધા ક્રિસ્ટી, ડિકન્સ, શેરલોક હોમ્સ વાળા આર્થર કોનન ડોયલ, મન્ટો, ચેખવ વગેરેને અનુવાદ સ્વરૂપે ગુજરાતી-હિન્દીમાં વાંચતા ગયા. અને આ લેખકોએ અમારી રાતોની રાતો રિઝર્વ કરી લીધી. જગત કેટલું ભયાનક છતાં કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, એમ પેરેલલ માન્યતાઓમાં જીવતા શીખવવા બદલ આ વિદેશી સર્જકોને પણ એક સલામ!

પણ… જગત ફક્ત ગંભીર સંવેદનાઓ અને જૂઠી કલ્પનાઓ માટે નથી. થોડા હળવા રહીને હસવા માટે પણ છે. એટલે આ કળા શીખવા માટે અમે તારક મહેતા, વિનોદ ભટ્ટ અને જ્યોતીન્દ્ર દવે જેવા હાસ્યલેખકોના ટયુશન કલાસીસ જોઈન કર્યા. એ સિવાય અમુક જુના લેખકોએ પણ પ્રખ્યાત હાસ્યસાહિત્યનું સર્જન કર્યું છે, પણ એમાં હસવા જેવું કંઈ અમોને તો ના લાગ્યું. દવે સાહેબે અમને ખુદની જ મૂર્ખામી પર હસતા શીખવ્યું. મહેતા સાહેબે તો હસતા હસાવતા દુનિયાભરના પ્રવાસો સાથે આપણા સમાજનું સૂક્ષ્મ અવલોકન હળવાશથી કરી શકવાં સક્ષમ બનાવવા બદલ ગુરુનો દરજ્જો આપીએ. અને ભટ્ટ સાહેબ…??? આ જે રીતે વારંવાર અમે દ્વિવચન-બહુવચનમાં ‘અમે અમે અમે’ કરીએ છીએ એ ભટ્ટ સાહેબના પ્રતાપે!

અને…આ બધી છૂટક ક્રિકેટમેચ જેવી પુસ્તકોની દુનિયાનો ‘વર્લ્ડકપ’ તો હવે ખેલવાનો હતો. ધી ગ્રેટ વન એન્ડ ઓન્લી એવાં બક્ષીબાબુ… એકવાર પિતાશ્રી પાસેથી ‘પેરેલીસીસ’
સંતાયને ઝૂંટવી લીધી તો બધે બધા બોલ બાઉન્સર ગયા. આ સાલું કંઈક અલગ દુનિયાની વાતો લાગે છે, એમ માનીને પડતું મૂક્યું. પણ એક બે વર્ષમાં એ જ બક્ષીબાબુ અમારા ઓલટાઇમ ફેવરિટ બની ગયા. અડધી જિંદગી જેનો પ્રભાવ ફક્ત સાહિત્યમાં જ નહીં, અમારી અંગત જિંદગીમાં બપન રહેવાનો હતો એવા તેજાબી ધી ચંદ્રકાન્ત બક્ષી…

પણ આ બધું જ સાઈડમાં મૂકીને એક દિવસ અમે નક્કી કરી લીધું કે કલ્પનાઓની રંગીન દુનિયામાં ઘણું ફરી ચરી લીધું. હવે જમીન પર આવો સાહેબ. પ્રેમલા-પ્રેમલીના પુસ્તકો બહુ વાંચ્યા, હવે કંઈક વાસ્તવિક જગત વિશે જાણતા થાઓ તો સારું!

‘યે બેકાર-બેદામ કી ચીજ હૈ’ કહેતા કહેતા અમે ખ્યાલોની દુનિયાને જરાક આરામ આપીને ઉપડ્યા કોલમ લેખકો ઉર્ફે કોલમનિસ્ટો સાથે સાહિત્યની સફરે. કોલમ એ જ કલમ, અને કલમ એટલે જ કોલમ. સૂત્ર ગાતા ગાતા અમે પ્રવાસ શરૂ કરી દીધો. પણ એ મજ્જાની વાતો પહેલાં આ સાહિત્યની ટેસ્ટમેચનો ટી બ્રેક લઈ લઈએ. તો ત્રીજુ સેશન સ્ફૂર્તિમાં રમી શકાશે…

– ભગીરથ જોગીયા

(ક્રમશ:)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.