Education Gujarati Writers Space

અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૧ )

યહ ઉન દિનો કી બાત હૈ, જ્યારે દસ બાર વર્ષની ઉંમરના અમારા સહપાઠીઓ હાથમાં બોલબેટ અને ટુંકી ચડ્ડીના ખિસ્સામાં ચણીબોર લઈને ગામ આખામાં રખડયા કરતા. અને અમુક સુંવાળા બાબલાઓ સ્કૂલમાં પાઠ્યપુસ્તકોનાં પોપટપાઠ પઢયા કરતા. આમ તો અમારી ગણના આ બન્ને વર્ગમાં અલટરનેટ થયા કરે એવા ઓલરાઉન્ડર અમે હતા. પણ ક્રિકેટમાં જેમ બોલર-બેટ્સમેન સિવાય વિકેટકીપર પણ હોય એમ એક દિવસ અમે પિતાશ્રીની આંગળી પકડીને લાઇબ્રેરીમાં પહોંચી ગયા.

બોલતા ચાલતા શીખ્યા ત્યારથી એક દ્રશ્ય ઘરમાં કાયમ અમારી નજરે ચડતું. પિતાશ્રી મોડી રાત સુધી આરામ ખુરશીમાં બેઠા બેઠા મોટા થોથાઓ વાંચ્યા કરે. અમારા કુમળા દિમાગમાં એ સમજાતું જ નહોતું કે આવડા મોટા થયા પછી ચોપડા વાંચીને, ઊંઘ બગાડીને હેરાન શું કામ થવાનું! વગર પરિક્ષાએ વાંચ્યા કરે એ તો ગધાવૈતરુ કહેવાય..

અને આવી ગડમથલમાં જ પિતાશ્રી ભેગા અમે ઉપડ્યા લાઈબ્રેરીએ. નવસારીની સયાજી વૈભવ લક્ષ્મી લાઈબ્રેરીનાં બાળવિભાગમાં સભ્ય બનાવીને પિતાશ્રી પણ અમને આ ભયંકર રવાડે ચડાવી તો ગયા, પણ આ વ્યસન આજીવન ઘર કરી જશે એવી તો ત્યારે કલ્પના પણ ક્યાંથી હોય!

મને યાદ છે ત્યાં સુધી સૌપ્રથમ અમારા હાથમાં હરિપ્રસાદ વ્યાસ વાળા ‘બકોર પટેલ’ આવેલા. સાલું,વાંચવાની મોજ આવે પણ એમાં તો બકરા, ઊંટ, વાઘ ને હાથી પણ માણસની જેમ વાતો કરે. છાપું પણ વાંચે ને ઝગડો પણ કરે અને લગ્નની પાર્ટીઓ પણ કરે. આ નવા પ્રકારનાં પ્રાણીમાનવો ક્યાં શહેરની કઈ સોસાયટીમાં રહેતા હશે એ ગૂંચવણમાં અમે ગૂંચવાયેલા રહેતા.

ત્યારબાદ અજય અને વીરસેન નામના બે કિશોરવયના મિત્રોની સાહસકથાઓના સંપર્કમાં આવ્યા. (એ આખી સિરીઝ છે,પણ ટાઇટલ અને લેખકનું નામ અત્યારે યાદ નથી. જાણકાર મિત્રો યાદ કરાવશો તો આભાર!) એયને, બેય મિત્રો રખડતા રખડતા ક્યારેક કોઈ ભૂતિયા ટાપુ પર રહસ્યો પકડી પાડે, ક્યારેક સમુદ્રના કિનારે કંઈક ખેલ કરે, તો વળી ક્યારેક કોઈ ભેદી ગુફામાં ઘુસી જાય. મને કાયમ થતું કે આ બેયનું સરનામું ગોતીને એમને રૂબરૂ મળું. એમનો ત્રીજો દોસ્ત હું બની જાઉં અને એમના ભેગો ખતરનાક પ્રવાસો કરવા ઉપડી જાઉં.

પંડિત વિષ્ણુ શર્માએ જ્યારે રાજા સત્યવ્રતના ત્રણેય રાજકુમારોને ‘પંચતંત્રની કથાઓ’ પશુપંખીનાં ઉદાહરણો આપીને કહી હશે, ત્યારે એ ત્રણ રાજકુમારો કરતાં વધુ બોધ અમોએ મેળવેલો એવો વહેમ અમે ઘણો સમય પાળી રાખેલો.

નારાયણ પંડિત રચિત ‘હિતોપદેશની કથાઓ’ વાંચ્યા પછી અમને સુપરમેન જેવું ફીલ થતું કે આ સંસારનું ભલું કરવા અને લોકોને સમજવા-સમજાવવા માટે જ ભગવાને મને આ પૃથ્વી પર અવતાર આપીને મોકલ્યો છે.

‘અકબર-બીરબલની વાર્તાઓ’ બે ચાર વાર રિપીટ કરી કરીને અમે એ કક્ષાએ પહોંચેલા કે દેશ આખાનું શાસન ચલાવવા માટે સંપૂર્ણ લાયક બની ગયેલા. ‘વિક્રમ-વેતાળ’ વાળા રાજા વિક્રમને તો હું મૂર્ખ માનીને સલાહો આપતો. ત્યારે જો સોશિયલ મીડિયા હોત તો અમે એ મૂર્ખ-ભોળા રાજાને ટ્રોલ કર્યો જ હોત!

પણ આ બધાં બાળ સાહિત્યમાં કોઈ અમારા ગુરુ હોય તો એ હતા રમણલાલ સોની. (જો કે ત્યારે અમને લેખક, અનુવાદક, ગુરુ વગેરે શબ્દોની સમજ નહોતી.) ‘મિયાં ફુસકી’, ‘પોથી પંડિત’, ‘ગલબા શિયાળના પરાક્રમો’ જેવા અઢળક પુસ્તકોએ અમારી વાંચનરુચિ કેળવી, જે આગળ જતાં અભ્યાસમાં અને સાહિત્યની રુચિ જાળવી રાખવામાં પાયારૂપ બની.

દરેક ગુજરાતી પેરેન્ટ્સએ અડધો ડઝન ટ્યૂશન અને અડધો ડઝન પ્રકારના કલાસીસ વગર પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવાના અભરખા પુરા કરવા હોય તો એમને રમણલાલ સોનીના સમગ્ર બાળસાહિત્ય સર્જનનો સેટ ગિફ્ટમાં આપી દેવો. હસતા હસતા થઈ જશે રસ્તા એની ગેરેન્ટી આપણી…

આ સિવાય પણ અઢળક બાળ સાહિત્ય વાંચ્યુ છે, પણ ત્યારે ડાયરીમાં નોંધ કરવા જેટલી બુદ્ધિ નહિ, અને ફેસબુક ના હોવાથી મેમરીમાં પણ અવેઇલબલ ના હોય. (એટ ધેટ ટાઈમ યાદ આવવું મુશ્કેલ. પોસ્ટ લખ્યા પછી ત્રીજા જ કલાકે ચાર ગણું લિસ્ટ યાદ આવશે. દશેરાએ જ ઘોડું ના દોડે.)

મુકો એ વાત.. આમ કંઈ એક દિશામાં ગાડી દોડે એ થોડું ચાલે! આ અવળચંડા જીવે એકવાર બાળસાહિત્યને બદલે પપ્પાના પુસ્તકોમાંથી એક નવલકથા ઉઠાવી લીધી. લેખક કદાચ ‘પરાજિત પટેલ’ હતા. અને સાહિત્યપ્રેમની ટેસ્ટ મેચમાં લંચબ્રેક પડ્યો. બીજું સેશન હવે પુરજોશમાં અને જોરદાર રોમાંચ સાથે શરૂ થવાનું હતું….

– ભગીરથ જોગીયા

(ક્રમશ:)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.