Gujarati

સરવાળા, બાદબાકી

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઇ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલેને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈ ના થઇ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હ્રદયમાં જગા નથી.

હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.