Gujarati

બસ, ચાંદ જેવું આપણે વધઘટ

બસ, ચાંદ જેવું આપણે વધઘટ થયા છીએ
મળવાનું ગૌણ થઇ ગયું એવું મળ્યા છીએ.

દર્પણની બ્હાર પણ પછી ખુદને ગમ્યા છીએ.
દાવા-દલીલ સાથે હ્રદયમાં રહ્યા છીએ.

આકાશમાં તો માર્ગ બનાવી લીધા છે પણ,
અંતે જવાનું ક્યાં છે એ ભૂલી ગયા છીએ.

પાકટ શું એમનેમ અહીં થઇ શકાય છે?
ગુલમ્હોર જેવું રોજ અમે પણ તપ્યા છીએ.

અજવાસની તલાસમાં તો આટલું થયું,
ખુદને સવાલ એક-બે પૂછી શક્યા છીએ.

પગભર થઈ જવાનો અનુભવ છે આકરો,
ગમતા વળાંક જોઈને પાછા વળ્યા છીએ.

ઊંચા થવાનો મોહ નથી એવું કંઇ નથી,
જ્યાં જ્યાં નમ્યા ત્યાં એની નજરમાં ચડ્યા છીએ.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.