ન ધાર્યું હો એવું અચાનક બને ત્યાં
આ વાતાવરણ આહલાદક બને ત્યાં
નજરમાં ન આવે એ ઘટના ઘટે છે
હૃદય બોલકું, આંખ વાચક બને ત્યાં
તમે આવશો એ ખબર ક્યાં છુપાવું?
સુગંધિત આ શ્વાસો પ્રચારક બને ત્યાં
આ માણસપણાંથી જીવી કેમ શકશો?
અનુકૂળ સમયના સૌ વાહક બને ત્યાં
ન બોલ્યા ના નવ ગુણ નહીં કામ આવે
કદીક મૌન મીંઢુ થૈ દાહક બને ત્યાં
કાં ઝાંખો કાં ઝળહળ અરીસો થવાનો
નજીવી ક્ષણો જ્યાં પ્રભાવક બને ત્યાં
તમે તમને જોઈ, સૂણીને કરો શું ?
ગ્રહો ને સિતારા ઉધ્ધારક બને ત્યાં
~ લક્ષ્મી ડોબરિયા