Gujarati

ચહેરો ચમકતો રહે

ચહેરો ચમકતો રહે હંમેશા સ્મિતે મઢેલ આવો વર્ષોના વરસ
સાજન તમારી સંગમાં મને આ જીવન લાગે છે સ્વર્ગથી સરસ

દીધો હતો મારો મહેંદી ભરેલો હાથ તમારા હાથમાં વિશ્વાસ થી
સાચવ્યો સઘળો ભેદ ભરમ તમે ,જાણી આપણી મોંધી જણસ

કાયમ દીવડા નેહ તણા જલતા રાખી, પ્રીતની જીત અલખ કરી
પ્રેમનાં પૂરમાં મુજને ડુબાડી, તોય અકબંધ રાખી છે મારી તરસ

સતત ચલાવી છે મારી મનમાની ,ભૂલાવી દીધી ઉણપની અસર
ચુપકેથી અંતરમાં રહી,આપણે ઉર્મિઓ વહેચી છે અરસ પરસ

વિના તમારે શું રંગોની ઉજવણી,ના તહેવારોની રોશની કામની
સાથ તમારો સદા વસંત છે ,રોજ સવાર એ મારે મન નુતન વરસ

જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ
હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.