Gujarati

આંસુ, પાણી પોતાનું બતાવી ય લે

“કવિતા” મે-જૂન 2019માં પ્રકાશિત ગીત.

આંખોમાં આવીને હળવેથી હૈયાંના અણકથ્યા ભેદને છૂપાવી ય લે.
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

વાત થાતી નથી ને જાત ખુલતી નથી,
તોય તોરણ પ્રતીક્ષાના રોજ નવાં ઝૂલે,
પાંપણને ઢાળી અને નજરુંને વાળી પણ નવજાત સપનાંઓ કદી મારગ ના ભૂલે,
લાગણીનાં ડૂમાં અને ડૂસકાં વચ્ચાળે પાઠ પાકટ થવાના ભણાવી ય લે,
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

ખુશીઓ વધાવે કે પીડા ઓગાળે ત્યાં રંગ અલગ કોઈને ન એના જણાયાં,
એક જ સરીખાં એ સ્પર્શે છે હૈયાંને
પોતીકાં હોય કે હોય એ પરાયાં,
સારા કે માઠા પ્રસંગોએ આવી, જ્યોત કરુણાંની ઝીણી જલાવી ય લે.
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.